રાજકોટમાં મિલટ્રી ટીમ પહોંચી; હેલિકોપ્ટર સ્ટેન્ડ ટુ; 2.25 લાખ ફુડ પેકેટ તૈયાર

12 June 2019 02:06 PM
Rajkot
  • રાજકોટમાં મિલટ્રી ટીમ પહોંચી; હેલિકોપ્ટર સ્ટેન્ડ ટુ; 2.25 લાખ ફુડ પેકેટ તૈયાર
  • રાજકોટમાં મિલટ્રી ટીમ પહોંચી; હેલિકોપ્ટર સ્ટેન્ડ ટુ; 2.25 લાખ ફુડ પેકેટ તૈયાર

"વાયુ” વાવાઝોડા સામે એકસન પ્લાન; રાજકોટ હેડ કવાટર્સ બન્યુ :સૌરાષ્ટ્રના જામનગર-દ્વારકા-વેરાવળ-નવલખી સહિતના કાંઠાળ વિસ્તારમાં રાહત સામગ્રી પહોંચાડવા આગોતરી વ્યવસ્થા:રાજકોટમાં ક્ધટ્રોલ રૂમ પર મામલતદારોને ફરજ; બે દિવસ સુધી તમામ સ્ટાફ એલર્ટ; NDRF-SDRF ટીમો હેડ કવાટર્સમાં સ્ટેન્ડ બાય

Advertisement

રાજકોટ તા.12
સૌરાષ્ટ્રના કાંઠાળ વિસ્તારના ગામ-શહેરોમાં આજે મધરાતે વાયુ વાવાઝોડુ હિટ થાય તેવી હવામાન વિભાગની ચેતવણીને પગલે સૌરાષ્ટ્રના પાટનગર મનાતા રાજકોટમાં અને મુખ્યમંત્રીના હોમટાઉનમાં વાવાઝોડા સામે આગોતરી તૈયારીઓ કરવામાં આવી છે. રાજકોટને હેડ કવાટર્સ બનાવી નજીકના જિલ્લાઓમાં જો જરૂરત ઉભી થાય તો ત્વરિત રાહત કામગીરી શરૂ કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.


રાજકોટ જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ વાવાઝોડા સામે કરેલી આગોતરી તૈયારીની વિગતો આપતા અધિક નિવાસી કલેકટર પરિમલ પંડયાએ જણાવ્યું હતું કે રાજકોટના ચાર તાલુકાના 35 ગામોના 75000 વ્યકિતઓને સ્થળાંતરિત કરવા માટે તૈયારી કરવામાં આવી છે. 8000 વ્યકિતઓનું સ્થળાંતર કરી શાળા-કોલેજો- આંગણવાડીઓમાં આશરો અપાયો છે. રાઉન્ડ-ધ- કલોક કંટ્રોલ રૂમ શરૂ કરી મામલતદાર લેવલના અધિકારીઓને ફરજ તૈનાત કરાયા છે. જિલ્લા કલેકટર અને મ્યુ.કમિશ્ર્નરને એક-એક સેટેલાઈટ ફોન આપી દેવામાં આવ્યા છે. રાજકોટમાં એનડીઆરટી/ એસડીઆરએફની ટુકડીઓ આવી પહોંચી છે. ઉપરાંત એક મિલિટ્રીની ટુકડી આવી પહોંચી છે. તમામ સરકારી કર્મચારીઓ, અસરગ્રસ્ત ગામડાઓમાં નોડલ ઓફિસરો, તલાટી, ગ્રામ સેવક, આશા વર્કર- આંગણવાડી બહેનોને ગામડાઓમાં મોકલ્યા છે.

દરમ્યાન રાજકોટ જિલ્લાના ધોરાજી-ઉપલેટા- જેતપુર- ગોંડલના 35 ગામોમાંવાવાઝોડાની અસર વધુ થાય તે સંદર્ભે આ ચાર તાલુકાઓમાં એક એક લાયેઝન અધિકારી મુકવામાં આવ્યા છે. ગઈકાલે રાજકોટમાં જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને વાવાઝોડાને લઈને રાજકોટમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક યોજાઈ હતી જેમાં ‘વાયુ’ વાવાઝોડાને લઈને રાજકોટમાં સંભવિત અસરકારક 4 તાલુકા છે. જેમાં ગોંડલ, ધોરાજી, ઉપલેટા અને જેતપુરનો સમાવેશ થાય છે. 4 તાલુકાના 35 ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે જેમાં ગોંડલનો પણ સમાવેશ થાય છે ત્યારે તાત્કાલિકમાં ગોંડલ નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા અને ફાયર અધિકારી સુરેશભાઈ મોવલિયા દ્વારા ફાયરના તમામ સ્ટાફને રજા કેન્સલ કરીને તમામ પ્રકારની સૂચના આપેલ. ગોંડલના 40 ફાયર જવાનોને સ્ટેન્ડ માય રાખવામાં આવ્યા છે. જેમાં બચાવ કામગીરીના સાધનો જેવા કે લાઈફ બોય-લાઈફ રશા- ઈમરજન્સી કટર- ફાયર સેફટી માટે ફોર્મ લિકવિડ અને સ્યુટિ પાઉડર- 4 ફાયર ફાઈટર અને 3 એમ્બ્યુલન્સ અને રેસ્કયુ બુલેટ- રેસ્કયુ ટાવર લેડર સ્ટેન્ડ બાઈ રાખવામાં આવ્યું છે.


રાજકોટ જિલ્લો વ્યુહાત્મક રીતે સૌરાષ્ટ્રના જિલ્લાઓને સાંકળતો હોવાથી બચાવ રાહત કામગીરીનું મોનિટરીંગ રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા થાય તેવું મનાય છે. રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા બચાવ રાહત કામગિરી માટે આગોતરી તમામ તૈયારીઓ કરવામાં આવી છે. ફાયબર બોટ-17 તૈયાર રખાઈ છે. આ ઉપરાંત ગઈકાલે રાજયના મહેસુલ સચિવે એક વિડિયો કોન્ફરન્સ યોજી જાનમાલની નુકસાની ઓછામાં ઓછી થાય તે મુદ્દે તૈયારીઓની સમિક્ષા કરી હતી.


આ બેઠકમાં પંકજકુમારે રાજયના વિવિધ વિભાગોને સંકલનમાં રહીને સંભવિત વાવાઝોડાની સ્થિનિ સામનો કરવા માટે એક માઈક્રો પ્લાનીંગ તૈયારી કરવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં ભારતના હવામાન ખાતાના હવામાન શાસ્ત્રી જયંત સરકારે વાવાઝોડાની સ્થિતિ વિશે વિશેષ માહિતી આપી હતી. જે મુજબ વેરાવળથી દક્ષિણ-અગ્નિ દિશામાં 930 કિ.મી. દૂર જે ડિપ્રેશન સર્જાયું હતું. હાલ ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે અને આગામી 12 તારીખ સુધીમાં તે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરવાની પૂરી સંભાવના છે. આ વાવાઝોડુ ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના દરિયાઈ-કાંઠાળા વિસ્તારને વધુ અસર કરશે. વાવાઝોડા દરમિયાન સમુદ્રના મોજા બે મીટરથી વધુ ઉછળવાની સંભાવના છે. પવનની ઝડપ 80 કી.મી.થી વધીને 100 કિ.મી. સુધી પહોંચવાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં પાંચ સાત ઈંચ જેટલો ભારે વરસાદ પડવાની પણ સંભાવના છે. રાજય સરકારે વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા આગોતરુ સઘન આયોજન હાથ ધર્યુ છે જેની વિગતો આપતા અધિક મુખ્ય સચિવ પંકજકુમારે વધુ માહિતી આપી હતી તેમણે વીજળી, રસ્તા, મકાનો, વૃક્ષો વગેરેના નુકશાનને પહોંચી વળવા સંભવિત વિભાગોને સંકલનમાં રહી સજજ થવા સુચના અપાઈ છે. જરૂર પડયે સૌરાષ્ટ્ર કચ્છના કાંઠાળા વિસ્તારમાં વાવાઝોડાની સ્થિતિ સામે રાહત બચાવ કામગીરી અને સંભવિત સ્થિતિના સામના માટે મોકડ્રીલ કરવા સંબંધિત વિભાગોને જણાવાયું છે. આ વિસ્તારના નાગરિકોને સાવચેત રહેવા, જીવન જરૂરી ચીજવસ્તુઓ, પીવાનું પાણી, દવા ચાર્જીંગ કરેલી બેટરી વગેરે હાથવગા રાખવા અને દરિયા નજીક નહીં જવા પણ જણાવાયું છે.આ બેઠકમાં લશ્કર, હવાઈદળ, કોસ્ટગાર્ડ, એનડીઆરએફ, એસડીઆરએફના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત રાજય સરકારના સંબંધિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓને ઉપસ્થિત રહી સંભવિત વાવાઝોડાની સ્થિતિ સંદર્ભે સમીક્ષા કરી હતી.


આવશ્યક સેવા જાળવવા તંત્ર તૈયાર : મ્યુનિ. કમિશ્નર
રાજકોટમાં લોકોને પાણીનો સંગ્રહ કરી લેવા અનુરોધ
રાજકોટમાં પણ 24 કલાકમાં વાવાઝોડાની અસર થવાની શકયતાથી લોકોને આજે પાણીનો જથ્થો સંગ્રહ કરી લેવા મ્યુનિ. કમિશ્નર બંછાનિધિ પાનીએ અપીલ કરી છે.સંભવીત પ્રભાવીત જિલ્લાઓની યાદીમાં રાજકોટ પણ આવે છે. શહેરમાં સતર્કતાના પગલા લેવામાં આવી રહ્યા છે. આવશ્યક સેવા ન ખોરવાય તે માટે તમામ વ્યવસ્થા કરાઇ છે. છતા પાણીની કોઇ મુશ્કેલી ન પડે તે માટે લોકોને પાણીનો જથ્થો સ્ટોકમાં રાખવા અનુરોધ કર્યો છે.


2.25 લાખ ફુડ પેકેટ તૈયાર; પાંચ લાખ તૈયાર કરવા કામગિરી; સંસ્થાઓ મદદ કરે તેવી કલેકટરની અપીલ
રાજકોટ જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ જો વાવાઝોડાની અસર થાય તોર લોકોને મદદરૂપ બનવા પાંચ લાખ ફુડ પેકેટસ તૈયાર કરવામાં આવનાર છે જે પૈકીના 2 લાખ ફૂડ પેકેટ તૈયાર થયા છે. જેમાં આપા ગીગાનો ઓટલો, બાલાજી, ગોપાલ, વડાલીયા, આત્મીય કોલેજ, બીએપીએસ, બ્રહ્માકુમારી, બોલબાલા ટ્રસ્ટ મદદરૂપ થયા છે. રાજકોટ ડે;રીએ પ્લાસ્ટીક બેગ આપી છે. હજુ વધુ ફુડ પેકેટ તૈયાર કરવાના હોય કલેકટરે સ્વૈચ્છિક સંસ્થાઓ, જાહેર ટ્રસ્ટો, દાનવીરોને અપીલ કરી મદદરૂપ થવા અનુરોધ કર્યો છે. મદદરૂપ થવા માટે કલેકટર કચેરીના 0281- 2471573 નંબરના ક્ધટ્રોલ રૂમનો સંમર્ક કરવા જણાવાયું છે.


Advertisement