વિમાન અપહરણની ધમકીના કેસમાં આજીવન કેદ- 5 કરોડનો દંડ ભોગવનાર બિરજુ સલ્લા મૂળ અમરેલીનો ઉદ્યોગપતિ

12 June 2019 01:44 PM
Ahmedabad Gujarat Saurashtra
  • વિમાન અપહરણની ધમકીના કેસમાં આજીવન કેદ- 5 કરોડનો દંડ ભોગવનાર બિરજુ સલ્લા મૂળ અમરેલીનો ઉદ્યોગપતિ

એન્ટી-હાઈજેકીંગ કાયદા હેઠળ પ્રથમ કેસ: દંડની રકમમાંથી પાયલોટ- ક્રુ મેમ્બર્સને વળતર

Advertisement

અમદાવાદ તા.12
વિમાન અપહરણની ધમકીનો ઓટો મેસેજ આપવાના કેસમાં આજીવન કારાવાસ તથા પાંચ કરોડનો દંડ ભોગવનાર ઉદ્યોગપતિ બિરજુ સલ્લા મુળ અમરેલી જીલ્લાના રાજુલા પંથકનો છે. એન્ટી હાઈજેકીંગ કાયદા હેઠળ આ પ્રથમ કેસ છે.
2017ના આ કેસમાં અમદાવાદની એનઆઈએ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો. મુંબઈથી દિલ્હી જતી ફલાઈટમાં પ્રવાસ કરતા બિરજુ સલ્લાએ વિમાનના અપહરણની ધમકી આપતાં અન્યથા બોંબ બ્લાસ્ટ થવાની ધમકી આપતો પત્ર ટોઈલેટમાં મુકયો હતો. મુંબઈના પોશ વિસ્તારમાં રહેતો અને જવેલરીના વ્યવસાયમાં ધનાઢય વેપારી તરીકે ગણના પામતો 37 વર્ષિય બિરજુ સલ્લા મૂળ અમરેલી જીલ્લાના રાજુલા પંથકનો છે. જેટ એરવેઝની ફલાઈટના ટોઈલેટમાં બિરજુ કીશોર સલ્લાએ એવો ધમકીભર્યો પત્ર મુકયો હતો કે વિમાનમાં અપહરણકારો અને વિસ્ફોટકો છે. વિમાનમાં 115 પ્રવાસીઓ તથા સાત ક્રુ મેમ્બર હતા.
જેટ એરવેઝમાં કામ કરતી પ્રેમીકાને નોકરી છોડાવવા માટે બિરજુ સલ્લાએ આયોજનપૂર્વકનું ષડયંત્ર ઘડયું હતું. ધમકીભર્યા પત્રની માહિતી-પુરાવા તેની ઓફીસના સીસીટીવી કેમેરાના આધારે મળી ગયા હતા.
ધમકીભર્યા પત્રમાં તેણે એમ કહ્યું હતું કે વિમાનમાં હાઈજેકરો છે એટલે વિમાનને કયાંય ઉતરાણ કરાવવાના બદલે સીધુ પાકીસ્તાન કબ્જાવાળા કાશ્મીર (પીઓકે)માં લઈ જવામાં આવે. પાયલોટ લેન્ડીંગ ગીયર પાડવાની કોશીશ કરશે તો વિમાની પ્રવાસીઓની મરણચીસો સંભળાવાનું શરૂ થઈ જશે. આ ધમકીને મજાક ન ગણતા ઉર્દૂમાં લખાયેલી આ ધમકીનું ભાવાંતર ગુગલ ટ્રાન્સલેટર મારફત કરવામાં આવ્યું હતું.
ધમકીભર્યો પત્ર મળવાને પગલે એરહોસ્ટેસ દ્વારા પાયલોટનું ધ્યાન દોરવામાં આવ્યું હતું અને તેના દ્વારા વ્હેલી સવારે ચાર વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડીંગ કરાવવામાં આવ્યું હતું.
ધમકીભર્યો પત્ર મળવાને પગલે એરહોસ્ટેસ દ્વારા પાયલોટનું ધ્યાન દોરવામાં આવ્યું હતું અને તેના દ્વારા વ્હેલી સવારે ચાર વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડીંગ કરાવવામાં આવ્યું હતું.
બિરજુ સલ્લાને આજીવન કારાવાસ ઉપરાંત પાંચ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે તેમાંથી વિમાનચાલકો-પ્રવાસીઓને વળતર આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. પાયલોટ તથા સહ પાયલોટને એક-એક લાખ એ એર હોસ્ટેસને 50-50 હજાર તથા અન્ય ક્રુ મેમ્બરને 25-25 હજાર આપવાનો આદેશ કર્યો છે.

ધમકીભર્યો પત્ર બિરજુએ પોતાની ઓફીસમાં જ ‘ટાઈપ’ કર્યો હતો; પ્રિન્ટ કાઢી હતી

23 જાન્યુઆરી 2017ના રોજ એનઆઈએ દ્વારા મુકાયેલા ચાર્જશીટમાં એમ કહેવાયું હતું કે બિરજુ સલ્લાએ જે દિવસની ફલાઈટ હતી તે જ દિવસે ધમકીભર્યો પત્ર તૈયાર કર્યો હતો. મુંબઈ ઓફીસમાં પોતાના લેપટોપમાં ધમકીભર્યો પત્ર ટાઈપ કર્યો હતો અને ઓફીસના જ પ્રિન્ટરમાંથી પ્રિન્ટ કાઢી હતી જે પછી ફલાઈટના ટોઈલેટમાં મુકી દીધી હતી.

 

બિરજુ સલ્લા કેવી રીતે ઓળખાયો હતો?
વિમાન અપહરણની ધમકીભર્યો પત્ર એર હોસ્ટેસને ટોઈલેટમાંથી મળ્યો હતો. તે કોણે મુકયો તેની તપાસ શરુ થઈ હતી. એર હોસ્ટેસની પુછપરછ દરમ્યાન પ્રવાસીઓનો ઘટનાક્રમ યાદ કરાવવામાં આવ્યો હતો. મુંબઈથી સવારે 3 વાગ્યે ફલાઈટ ઉપડયાની મીનીટોમાં જ ટોઈલેટમાં ટીસ્યુ પેપર ન હોવાનું કહેવામાં આવ્યું હતું. એર હોસ્ટેસ નવો ટક્ષસ્યુ પેપર રોલ લેવા ગઈ હતી. પરત ફરી ત્યારે ધમકીભર્યો પત્ર મળ્યો હતો. આ સમયગાળામાં માત્ર બિરજુ સલ્લા જ ટોઈલેટમાં ગયો હતો. તેના આધારે તેની ઓળખ થઈ ગઈ હતી.

 

અગાઉ પણ ભોજનમાં ‘વંદો’ નીકળ્યાનો હંગામો કર્યો હતો
ગુજરાતી ઉદ્યોગપતિ બિરજુ સલ્લાએ વિમાન અપહરણની ધમકી એપતા પુર્વે પણ એક વખત ફલાઈટમાં હંગામો સર્જયો હતો. ભોજનમાં વંદો નીકળ્યાની ફરિયાદ કરીને ગેરવર્તણુંક કરી હતી. તપાસ દરમ્યાન એવુ બહાર આવ્યુ હતું કે ભોજનમાં વંદો ન હતો પરંતુ હંગામો સર્જવા જ તે નાખવામાં આવ્યો હતો. જો કે, પછી અંદરો અંદર સમાધાન કરી લેવામાં આવ્યું હતું. અપહરણની ધમકીના બનાવ પછી બિરજુને નો-ફલાયર લીસ્ટમાં મુકવા ઉડ્ડયન વિભાગે જ આદેશ કરી દીધો હતો.


Advertisement