સેના-બીજેપીમાં સરકાર બનતાં પહેલાં તકરાર?

12 June 2019 01:36 PM
India
  • સેના-બીજેપીમાં સરકાર બનતાં પહેલાં તકરાર?

મહારાષ્ટ્રના આગામી મુખ્ય પ્રધાન બીજેપીના બનશે: સુધીર મુનગંટીવાર સેના-બીજેપી વચ્ચે અઢી-અઢી વર્ષની ફિફટી-ફિફટી ફોર્મ્યુલા: શિવસેના

Advertisement

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી ચૂંટણી બાદ એનડીએમાંથી બીજેપીના મુખ્ય પ્રધાન બનનાર હોવાનો દાવો રાજયના નાણાપ્રધાન અને બીજેપીના નેતા સુધીર મુનગંટીવારે કર્યો હતો. જો કે બીજી બાજુ શિવસેનાના યુવા નેતા આદિત્ય ઠાકરેના પિતરાઈ ભાઈ વરુણ સરદેસાઈએ મુખ્ય પ્રધાનપદ માટે બન્ને પક્ષો વચ્ચે ફિફટી-ફિફટી ફોર્મ્યુલાની સમજૂતી થઈ હોવાનો દાવો કર્યો હતો.
રાજય વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભગવા ગઠબંધનનો વિજય થાય તો પાંચ વર્ષના શાસન માટે મુખ્ય પ્રધાનપદ શિવસેના અને બીજેપી વચ્ચે અઢી અઢી વર્ષ માટે ફાળવવાની સમજૂતી શિવસેનાના પક્ષ પ્રમુખ ઉધ્ધવ ઠાકરે અને બીજેપીના પ્રમુખ અમિત શાહ વચ્ચે થઈ હોવાનો દાવો વરુણ સરદેસાઈએ સોશ્યલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટર પર લખેલી પોસ્ટમાં કર્યો હતો.
દરમ્યાન અમિત શાહે રવિવારે દિલ્હીમાં બીજેપીની કોર કમિટી સમક્ષ મહારાષ્ટ્રમાં પાંચે પાંચ વર્ષ માટે બીજેપીના જ મુખ્ય પ્રધાન બનાવવાનો દ્દઢ નિર્ધાર જાહેર કર્યો હતો.
જો કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે બન્ને પક્ષો 270 બેઠકો પર (135 શિવસેના અને 135 બીજેપી) ઉમેદવારી કરે અને બાકી 18 બેઠકો સ્થાનિક સહયોગી પક્ષોને માટે રાખવામાં આવે એવી દરખાસ્ત બીજેપી તરફથી મૂકવામાં આવી હોવાનું મહેસૂલ ખાતાના પ્રધાન ચંદ્રકાંત પાટીલે ગયા અઠવાડીયે જણાવ્યું હતું. પરંતુ એ દરખાસ્ત શિવસેનાએ નહીં સ્વીકારતા 144 બેઠકો પર ચૂંટણી લડવાનો આગ્રહ વ્યકત કર્યો છે.
નાણાપ્રધાન સુધીર મુનગંટીવારે નાશિકમાં જણાવ્યું હતું કે રાજયના આગામી મુખ્ય પ્રધાન બીજેપીના રહેશે. એ બાબતમાં બન્ને પક્ષોમાં કોઈ અસંતોષ નથી. મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભગવા ગઠબંધનને 288માંથી 220 કરતા વધારે બેઠકો મળશે. બેઠકોની વહેંચણી બાબતે બીજેપી અને શિવસેનાના નેતાઓ વચ્ચે વાટાઘાટ ચાલે છે અને એ બાબતે ટૂંક સમયમાં નિર્ણય જાહેર કરવામાં આવશે’.
શિવસેનાના એક વરિષ્ઠ નેતાએ સુધીર મુનગંટીવારના ઉપરોકત નિવેદનની ઉપરવટ જઈને જણાવ્યું હતું કે બન્ને પક્ષો સમાન પ્રમાણમાં જવાબદારીઓ સંભાળશે અને સમાન સંખ્યામાં બેઠકો પર ચૂંટણી લડશે એવા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના 19 ફેબ્રુઆરીના નિવેદનમાં કોઈ ફોર પડયો નથી.


Advertisement