અનેક ભાગોમાં તોફાની પવન સાથે વરસાદ

12 June 2019 12:09 PM
Gujarat
  • અનેક ભાગોમાં તોફાની પવન સાથે વરસાદ

વાવાઝોડુ ત્રાટકે તે પુર્વે જ સૌરાષ્ટ્ર-ગુજરાતના કાંઠાળ ભાગોમાં અસર શરૂ : જાફરાબાદ, કોડીનાર, ગીર સોમનાથ સહીતના પંથકોમાં પવન સાથે વરસાદ: દિવમાં ધોધમાર વરસાદ વચ્ચે વિજ પુરવઠો કાપી નખાયો : નર્મદા, વલસાડ, વાપીમાં પણ ગાજવીજ સાથે વરસાદ: ડાંગમાં શાળાના પતરા ઉડયા; 3 બાળકો ઈજાગ્રસ્ત: સુરત-તાપીમાં છાપરા ઉડયા; 3ના મોત : કોડીનારના માઢવાળ બંદરના દરિયાના પાણી ગામમાં ઘૂસ્યા-સ્થળાંતર: ઉના પંથકમાં મકાનની દિવાલો પડી ગઈ: ખાનાખરાબી

Advertisement

અમદાવાદ તા.12
આરબી સમુદ્રમાં સર્જાયેલા વાયુ વાવાઝોડાના પ્રભાવ હેઠળ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હવામાનપલ્ટો થયો છે. વાદળો છવાવા સાથે આકાશ ગોરંભાયુ છે ત્યારે અમરેલી સહીત અનેક જીલ્લાઓમાં વરસાદના વાવડ છે. દીવમાં વરસાદને પગલે વિજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે.
રાજકોટ સહીત ગુજરાતના મોટાભાગના જીલ્લાઓમાં હવામાનપલ્ટો થયો છે. સૂર્યતાપને બદલે આકાશમાં વાદળો દેખાવા લાગ્યા છે અને અનેક ભાગોમાં વરસાદ છે. આજે સવારે પુરા થયેલા ચોવીસ કલાક દરમ્યાન રાજયના અર્ધોડઝન જીલ્લાના 23 તાલુકાઓમાં સામાન્ય-હળવો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત આજે સવારથી અમરેલી, કોડીનાર, રાજુલા, દીવ સહીતના સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદના મંડાણ થયા છે.
દીવમાં આજે સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો જેને પગલે વિજપુરવઠો કાપી નાખવામાં આવ્યો હતો. કોડીનાર, જાફરાબાદ, અમરેલી, રાજુલામાં પણ વરસાદ હતો.
વાવાઝોડાની અસર મુખ્યત્વે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વધુ થવાની છે છતાં ગુજરાતના કાંઠાળ ભાગોમાં પણ અસર વર્તાઈ છે. વલસાડ, વાપી, નર્મદા, ડાંગના 23 તાલુકાઓમાં સામાન્યથી હળવો વરસાદ થયો હતો.
સાયકલોનીક સીસ્ટમના પ્રભાવ હેઠળ દરિયામાં તોફાની-ઉંચા મોજા ઉછળવા લાગ્યા છે. આજે સવારે ભાવનગરના દરિયામાં બે ફુટ ઉંચા મોજા ઉછળતા હોવાના રીપોર્ટ હતા. આ સિવાય પોરબંદર, અમરેલી, જામનગરના દરિયામાં પણ જોરદાર કરંટ સાથે ઉંચા મોજા ઉછળતા રહ્યા છે.


દરિયાકાંઠાના વિસ્તારોને અગાઉ જ અલર્ટ કરી દેવામાં આવ્યા જ છે. લોકોના સ્થળાંતર કરાવવામાં આવ્યા છે. ઉપરાંત દરિયા આસપાસ સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. જયાં જવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.
હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પવન સાથે હળવા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને પગલે પોરબંદર, અમરેલી, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, રાજકોટ, જામનગર, દીવ સહીતના જીલ્લાઓમાં વહીવટીતંત્ર સાવધ છે. એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે અને સૈન્ય ટીમોને પણ સ્ટેન્ડ-ટુ રાખવામાં આવી છે.
આજે દક્ષિણ ગુજરાતના વ્યારા, ઉનાઈ, નવસારીના આસપાસના વિસ્તારો સહીત વલસાડના અમુક વિસ્તારો સાથે ડાંગ અને સાપુતારામાં ભારે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. વરસાદના પગલે અને વાવાઝોડાની આગાહીના પગલે લોકોમાં ભયનો માહોલ પેદા થયો છે. ડાંગના ગાઢવી ગામમાં શાળાના પતરા ઉડતાં ત્રણ વિદ્યાર્થીઓને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવા પડયાં હતાં.
સુરત અને તાપી જીલ્લામાં એક ખેડુત અને બે મહિલાનો ભોગ લેવાયો છે. જયારે ડોલવણ અને સોનગઢના જુની કેઈલીવેલ ગામે પવનના કારણે ઘરના છાપરા ઉડી ગયા હતાં. મહુવાના વસરાઈ ગામે ખેડુતની મોટરસાયકલ પર ઝાડ પડતા અકસ્માતમાં મોત થયુ હતું. જયારે વ્યારાના ખુશાલપુરા ગામે ખેતરમાં કામ કરતી વૃદ્ધા પર વીજળી પડતા મોત થયું હતું અને સોનગઢના જુનીવાવલી ગામે મહિલા પર વીજળી પડતા મોત થયું છે. મહુવા તાલુકામાં મંગળવારના રોજ સાંજે 5 વાગ્યા બાદ અચાનક ભારે પવન સાથે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. ભારે પવનને લઈ સાંજે 5.30 વાગ્યાના અરસામાં મહુવા અનાવલ સ્ટેટ હાઈવે પર ભગવાનપુરા અને વસરાઈ ગામની સીમમાં આવેલ ગુલમહોરનું તોતીંગ વૃક્ષ ધરાશાયી થયુ હતું.


જો વૃક્ષ દેદવાસણ ગામેથી પરવળ લઈ વલસાડા ગામે આપવા જતા ખેડુત ગુલાબભાઈ મગનભાઈ પટેલ ની મોટરસાયકલ નંબર જી.જે.19એજે 3628 પર પડયું હતું. જેથી ખેડુત ગુલાબભાઈ પટેલ મોટરસાયકલ પરથી રોડ પર પટકાતાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. મહુવા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની લધુ તપાસ આદરી હતી. જયારે વ્યારા તાલુકાના ગોરૈયા ગામે નારણભાઈ ભીલાભાઈ ગામીતનું ખેતર ખુશાલપુરા ગામની સીમમાં આવેલું છે. જયાં ભાત કાપણી માટે સોનગઢ તાલુકાના ખગોળ ગામના 15 મજુરોને બોલાવેલા હતા. કાપણીની કામગીરી ચાલુ હતી. તે દરમિયાન સાંજે ચાર કલાકના સુમારે વાદળછાયા વાતાવરણ અને ગાજવીજ શરૂ થયા હતા. જે દરમિયાન આકાશમાંથી વિજળી પડી હતી.જે 65 વર્ષીય નુરીબેન વેચ્યાભાઈ ગામીત (રહે.ખગોળ, તા.સોનગઢ) ના ઉપર પડતાં ગંભીર રીતે દાઝી ગયા હતા.
ભરૂચ જીલ્લાના વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. નેત્રંગ અને વાલીયામાં મંગળવારે મોડી સાંજે વાવાઝોડા સાથે વરસાદ તુટી પડયો હતો. ભારે પવન સાથે તૂટી પડેલા વરસાદમાં બંને તાલુકામાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયાં હતાં.
વાયુ વાવાઝોડાની અસર તાપી જીલ્લામાં પણ જોવા મળી હતી. તાપીના વાતાવરણમાં પલ્ટો આવતા અનેક જગ્યાએ છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો તો કેટલાક વિસ્તારોમાં ભારે પવનએ માઝા મુકી હતી.
ભારે પવનને કારણે સહકારી મંડળક્ષના પતરા ઉડી ગયા હતા અને ભારે પવન જોવા મળ્યો હતો. અનેકો વિસ્તારોમાં ભારે પવન અને વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પણ પ્રસરતા લોકોએ ગરમીથી થોડે અંશે રાહત પણ મેળવી હતી.
ડાંગ જીલ્લાના વહીવટી મથક આહવા સહીત પુર્વ પટ્ટી પંથકોમાં મંગળવારે તોફાની વાવાઝોડાની સાથે થોડાક સમય માટે મધ્યમ સ્વરૂપનો વરસાદ તૂટી પડયો હતો. વરસાદને પગલે ઠેર ઠેર પાણી પાણી થઈ ગયું હતું. જેમાં તોફાની વાવાઝોડાએ ગાઢવી પ્રા.શાળા ઉપર કહેર વર્તાવતા પતરા ઉડીને ધરાશાયી થઈ જતા જંગી નુકાન થયાની માહિતી સાંપડી છે.


Advertisement