મોરબી જિલ્લામાં 5953 લોકોનું સ્થળાંતર કરાશે : 39 ગામને અસર

12 June 2019 11:50 AM
Morbi Gujarat Saurashtra
  • મોરબી જિલ્લામાં 5953 લોકોનું સ્થળાંતર કરાશે : 39 ગામને અસર

માળીયા પંથકમાંથી 500 લોકોને ખસેડાયા : નવલખી બંદરે એલર્ટ : એનડીઆરએફની એક ટીમ આવી પહોંચી

Advertisement

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.12
મોરબી જિલ્લામાં આવતા નવલખી બંદર ઉપર વાયુ નામનું વાવાઝોડું ત્રાટકે તો વિકટ પરિસ્થિતને પહોચી વળવા માટેની તૈયારીઓ તંત્ર દ્વારા કરી લેવામાં આવી છે અને નવલખી બંદર ની આસપાસમાં આવેલા 39 જેટલા ગામોને આ વાવાઝોડું અસર કરે તેવી શક્યતા હોવાથી વહીવટી તંત્ર દ્વારા હાલમાં 5953 જેટલા લોકોનું સ્થળાંતર કરવું પડે તો તેમના માટેની વૈકલ્પિક વ્યવસ્થા સહિતની કામગીરી કરી લેવામાં આવી છે સાથોસાથ એનડીઆરએફની ટીમ આવી ગઈ હોવાથી તેને પણ દરિયા કાંઠાના વિસ્તારમાં તૈનાત કરી દેવામાં આવી છે.
નવલખી બંદર આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વાયુ નામનું વાવાઝોડું અસર કરે તેવી શક્યતા છે જેથી કરીને જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી, મામલતદાર, પી.એસ.આઈ સહિતના અધિકારીઓ દ્વારા બંદરની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. જો વાવાઝોડું આગામી સમયમાં નવલખી બંદર ઉપર કે તેની આસપાસના વિસ્તારમાં ત્રાટકે અથવા તો તેની અસર જોવા મળે તો અંદાજે 39 જેટલા ગામોમાંથી 5953 લોકોનું સ્થળાંતર કરવું પડે તેમ છે અને જો આવી સ્થિતિ નિર્માણ થાય તો લોકોને જુદી જુદી સરકારી શાળાઓ સહિતની કુલ મળીને 53 બિલ્ડીંગો આશરો આપવા માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે અને અત્યાર સુધીમાં 500 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હોવાનું માળીયાના મામલતદારે જણાવ્યું છે.
સૌરાષ્ટ્ર-કચ્છના દરિયા કાંઠાના વિસ્તારોમાં વાવાઝોડું આવે તે સમયે લોકોના જાનમાલને ઓછામાં ઓછું નુકસાન થાય તેના માટે રાજ્ય સરકાર દ્વારા હાલમાં દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર એનડીઆરએફની ટીમોને ફાળવવામાં આવી રહી છે ત્યારે મોરબી જીલ્લામાં પણ એનડીઆરએફની ટીમ એક આવી પહોંચી છે અને હાલમાં દરિયાકાંઠાના વિસ્તારમાં કઈ બાજુ કઈ કેટલા લોકો રહી રહ્યા છે તેને લગતી માહિતીઓ એકત્ર કરવામાં આવી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 1998માં મોરબી પંથકમાં વાવાઝોડું ત્રાટક્યું હતું તે સમયે નવલખી બંદરઅને તેની આસપાસના તમામ ગ્રામ્ય વિસ્તારો સાફ થઈ ગયા હતા જેથી આગામી સમયમાં જો આ વિસ્તારની અંદર વાયુ નામનું વાવાઝોડુ ત્રાટકે તો તે સમયે લોકોના જાનમાલને ઓછામાં ઓછું નુકસાન થાય તેના માટે વહીવટીતંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે પગલાં લેવામાં આવી રહ્યા છે અને લોકોને પણ સલામત સ્થળે જવા માટેની તાકીદ કરવામાં આવી રહી છે. સાથોસાથ રાજ્ય સરકાર તરફથી પણ મોરબી જિલ્લાને એનડીઆરએફની એક ટીમ આવી પહોંચી છે. નવલખી બંદર ની આસપાસના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત એનડીઆરએફની ટીમ દ્વારા લેવામાં આવી રહી છે અને લોકોને સમજાવવામાં આવી રહ્યું છે કે વાવાઝોડું આવે તો પોતાનો અને અન્ય લોકોના જીવ કેવી રીતે બચાવી શકાશે.
તંત્ર એલર્ટ: નીરજ હિરવાણી
અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમને કારણે હાલમાં વાયુ નામનું વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવે થાય તેવી શક્યતા છે તેને લઈને મોરબી જિલ્લાના નવલખી બંદર ઉપર પણ સલામતીની વ્યવસ્થા કરવામાં આવી છે અને હાલમાં તંત્ર દ્વારા તમામ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે આટલું જ નહી માછીમારો સહિતના જે લોકો દરિયાકાંઠે રહેતા હતા તે લોકોને સલામત સ્થળે ખસેડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને હાલમાં નવલખી બંદરે બે નંબરનું સિગ્નલ પણ લગાવવામાં આવ્યું છે
સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાયુ નામનું વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા છે જેથી કરીને હાલમાં રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સલામતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે દરમિયાન મોરબી જિલ્લામાં આવેલા નવલખી બંદરના પોર્ટ ઓફિસર નીરજ હિરવાણી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે હાલમાં જે કોઈ સલામતીના પગલાં લેવાની જરૂરિયાત છે તે તમામ પગલા લેવામાં આવી રહ્યા છે અને દરિયામાં જતા માછીમારોને પણ રોકી દેવામાં આવ્યા છે આ ઉપરાંત જે માછીમારો હાલમાં નવલખી બંદર ની આસપાસ માં રહે છે તે લોકોને પણ જરૂર જણાયે ત્યાંથી સલામત સ્થળે ખસેડવા માટેની કામગીરી કરવામાં આવશે અને આ ઉપરાંત સ્થાનિક વહીવટી તંત્રને પણ સાબદા રહેવા માટેની જાણ કરવામાં આવેલ છે.


Advertisement