જખૌ, માંડવી બીચ, કંડલા પોર્ટ ખાલી કરાવવાનું શરૂ

12 June 2019 11:49 AM
kutch
  • જખૌ, માંડવી બીચ, કંડલા પોર્ટ ખાલી કરાવવાનું શરૂ

અંજાર-અબડાસામાં મૂકાતી એનડીઆરએફ ટીમ : તા.15 સુધી મીઠાના અગર બંધ

Advertisement

ભૂજ તા.12
કચ્છના કલેક્ટર શ્રીમતી રેમ્યા મોહને જિલ્લામાં વાયુ વાવાઝોડાની કોઇપણ સ્થિતિમાં નાગરિકોની સલામતી માટે સાવચેત રહેવા સાથે તમામ વિભાગોને એકશન મોડમાં રહેવા તાકીદ કરી છે.
અધિક નિવાસી કલેકટર કે.એસ.ઝાલાના જણાવ્યા પ્રમાણે એનડીઆરએફની બે ટીમો કચ્છ આવી ગઈ છે. એક ટીમ અંજાર અને એક ટીમને અબડાસાના કાંઠાળ વિસ્તારમાં રખાશે.
ઝાલાના જણાવ્યા અનુસાર તંત્ર દ્વારા કોસ્ટગાર્ડ, પોર્ટ, ફીશરીઝ, પોલીસ, નાગરિક સંરક્ષણ, ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર, ગાંધીધામ, નગરપાલિકાઓ, મામલતદારો માર્ગ-મકાન વિભાગ, વન વિભાગ, આરોગ્ય, પાણી પુરવઠા સહિતના વિભાગોને સતર્ક રહેવા સાથે જરૂર પડે તમામ પ્રકારે બચાવ-રાહત કામગીરી હાથ ધરવાના નિર્દેશો અપાયાં છે.
આપત્તિ વ્યવસ્થાપન કંટ્રોલરૂમને પણ કાર્યરત કરી દેવાયો છે. વાવાઝોડાની પરિસ્થિતિમાં કંટ્રોલરૂમ સહિત તાલુકા-શહેરી સ્તરના અધિકારીઓ સહિત તમામ ઇમરજન્સી ફોન નંબર જાહેર કરાયા છે. જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલરૂમ નં.02832-250923/252347 અને મોબાઇલ નં.9913919875 હોવાનું તેમજ વાવાઝોડા કે ભારે વરસાદ જેવી કોઇપણ આપત્તિની પરિસ્થિતિમાં કલેક્ટર, ડીડીઓ, જિલ્લાના પોલીસવડાઓ સહિત પ્રાંત અધિકારી, મામલતદારો, ચીફ ઓફિસરો, મત્સ્યોદ્યોગ,ખેતી, પશુપાલન વિભાગોનો પણ સંપર્ક સાધવા ઝાલાએ જણાવ્યું છે.
ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટરના રીજીયોનલ ફાયર ઓફિસર આઇ.વી.ખેરના જણાવ્યા અનુસાર વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા તમામ વાહનો અને સાધનો સાથે ફાયરસ્ટાફ પણ સજ્જ છે. ઈઆરસીના કંટ્રોલરૂમ નં. 02836-258101 ઉપરાંત મોબાઇલ નં.9879515966 અને ટોલ ફ્રી નં.101 છે. સિવિલ ડીફેન્સના તાલીમ અધિકારી હરેશભાઈ ઠાકરના જણાવ્યા અનુસાર નાગરિક સંરક્ષણ કંટ્રોલરૂમ નં.02832-230604 ચોવીસ કલાક શરૂ કરી દેવામાં આવ્યાં સાથે પ્રશાસનને મદદરૂપ થવા માટે વોર્ડન સર્વિસના સભ્યોને એલર્ટ રહેવા પણ જણાવી દેવામાં આવ્યું હોવાનું અને વોર્ડન સભ્યોની બેઠકમાં માર્ગદર્શન આપવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.
જિલ્લાના મત્સ્યોદ્યોગ વિભાગે સમુદ્રી કાંઠા વિસ્તારમાં વસતાં માછીમારોને સલામત સ્થળે જતા રહેવા સૂચના આપી દીધી છે. મત્સ્યોદ્યોગ કચેરીના નાયબ નિયામક જિજ્ઞેશ ગોહેલે જણાવ્યું હતું કે, જખૌમાં મોટાભાગના માછીમારો માઈગ્રેટરી એટલે કે અન્ય વિસ્તારનાં રહીશો છે. તેમને તેમની બોટ સલામત સ્થળે લાંગરી જખૌમાંથી હટી જવા સૂચના આપી છે. એ જ રીતે, કંડલા અને માંડવી-મુંદરાના કાંઠાળ પટ્ટાના ભદ્રેશ્વર, ઝરપરા સહિતના ગામોમાં પણ ફિશરીઝ ગાર્ડ દ્વારા લોકોને સલામત સ્થળે જતા રહેવાની સૂચના સાથે જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સામાન્ય રીતર 10 જૂનથી 15 ઑગસ્ટ દરમિયાન માછીમારીની ઑફ્ફ સીઝન હોય છે અને મત્સ્યોદ્યોગ કચેરી દ્વારા આ સમયગાળામાં માછીમારી પર પ્રતિબંધ મુકવામાં આવે છે. વાવાઝોડાને અનુલક્ષીને પગડિયા માછીમારો અને બીનયાંત્રિક હોડી (એકલકડી હોડી)થી થતી માછીમારી પર પણ પ્રતિબંધ મુકી દેવાયો છે. ફિશરીઝ વિભાગે કંટ્રોલરૂમ પણ કાર્યરત કર્યો છે જેના નં.02832-253785-252347-ફેક્ષ-224150 છે.
સંભવિત વાવાઝોડાને અનુલક્ષીને કંડલા પોર્ટના ચેરમેને બુધવારની સવાર સુધીમાં પોર્ટ પરથી તમામ લોકોને ખસેડી લેવા સૂચના આપી છે. પોર્ટમાં લાંગરનારાં તમામ જહાજ ચેનલમાં જ સ્થગિત કરી દેવાયાં છે. તો, જેટી પર લાંગરેલાં તમામ જહાજ આવતીકાલ બપોર સુધીમાં દૂર કરી દેવાશે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન મુજબ પોર્ટ પરના લોકોના સ્થળાંતર અને સલામતીના પગલાં લેવાઈ રહ્યાં છે.
સહેલાણીઓ માટે પ્રખ્યાત માંડવી બીચને પણ ખાલી કરાવી દેવાયો છે. બીચ પર જતા માર્ગો સીલ કરી દેવાયાં છે અને બીચ પર ફરતાં સહેલાણીઓને ત્યાંથી દૂર કરી દેવાયાં છે. બીચ પર રહેલાં લારી-ગલ્લાંને પણ તંત્રએ હટાવી દીધા છે. ખાણી-પીણીની હોટેલો પણ બંધ કરી દેવાઈ છે.
વાવાઝોડાની આફતને અનુલક્ષીને સોલ્ટ એસોસિએશને મીઠાના અગરોમાં રહેલાં તમામ અગરીયાઓ અને મજૂરોને ત્યાંથી સલામત સ્થળે ચાલ્યા જવા સૂચના આપી છે. 12મીથી 15 તારીખ સુધી અગરો બંધ રખાયાં છે. સ્થળાંતર કરનારાં અગરીયાઓ માટે જોગણીનાર ખાતે ભોજન અને આવાસની સગવડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.


Advertisement