ભારત : સલમાનની પાંચ અલગ-અલગ શોર્ટ ફિલ્મો!

08 June 2019 01:56 PM
Entertainment
  • ભારત : સલમાનની પાંચ અલગ-અલગ શોર્ટ ફિલ્મો!
  • ભારત : સલમાનની પાંચ અલગ-અલગ શોર્ટ ફિલ્મો!

કેમ જોવી? : સલમાન અને કેટરીનાની જોડીને મોટા પડદે જોવાનાં અભરખા હજુય પૂરા ન થયા હોય તો! કેમ ન જોવી? : કારણકે જગત મિથ્યા છે, સલમાનનું ‘ભારત’ બગાસાજનક છે માટે!

Advertisement

સલમાન ખાન પર માછલા ધોવાની કોઇ જ ઇચ્છા નથી. કારણકે બાળક જ્યારે જિદ્દી હોય ત્યારે એની માં એને રેઢો મૂકી દે છે. એવી જ રીતે, દર વખતે ગંદી રીતે પિટાતો હોવા છતાં સલમાન એની ફિલ્મ બનાવવાની જીદ્દ છોડવા તૈયાર નથી, એટલે આજે એની ખરાબ અભિનયક્ષમતા પર ચર્ચા કરવાને બદલે અન્ય બાબતો પર વધુ ધ્યાન આપીશું. ભારત એટલે મૂળે તો પાંચ અલગ-અલગ શોર્ટ ફિલ્મને જોડીને બનાવેલી ફૂલ-ફ્લેજ્ડ ફિલ્મ! જુદા જુદા પાંચ લુક, પાંચ સમયગાળા, પાંચ પરિસ્થિતિઓ, પાંચ વાર્તાઓ અને એક સલમાન! કારણકે અગાઉ ચર્ચા કરી ગયા એમ, સલમાને પાંચ અલગ-અલગ વયજૂથમાં પોતાની જાતને ઢાળવાની કોશિશ કરી છે પરંતુ સફળ નથી થયો.
1947માં ભાગલા વખતે પાકિસ્તાનમાં જ્યારે મારો-કાપોની સ્થિતિ સર્જાઈ ત્યારે ગૌતમ (જેકી શ્રોફ) પોતાના પરિવારને લઈને ભારત આવીને વસવાનું નક્કી કરે છે. એનો દીકરો ભારત (સલમાન ખાન), પત્ની (સોનાલી કુલકર્ણી) અને બીજા બે ત્રણ સંતાનો સાથે ટ્રેન પર ચડવાની કોશિશમાં એક દીકરીનો સાથ છૂટી જાય છે. જેને શોધવા માટે ગૌતમ પણ સ્ટેશન પર જ રહી જાય છે. પરિવારને સંભાળવાનું વચન આપીને ભારત એ સમયે દિલ્હી આવીને વસી જાય છે. અને જિંદગીના અલગ અલગ પડાવ પર નવા નવા અનુભવો અને ખતરાઓ સામે બાથ ભીડે છે. ક્યારેક સોમાલિયાના સમુદ્રી લૂંટારાઓ સાથે, તો ક્યારેક પોતાના ખાનદાની કરિયાણા-સ્ટોરને જમીનદોસ્ત કરીને ત્યાં મોલ બનાવવા માંગતા ગુંડાઓ સામે!
ટાઇગર ઝિંદા હૈ, સુલતાનનાં ડિરેકટર અલી અબ્બાસ ઝફરની એક નવી પેશકશ! આ વખતનો પ્લસ પોઇન્ટ એ છે કે સલમાન સિવાય ફિલ્મનાં તમામ કેરેકટર્સમાં દમ છે, સાહેબ! દરેક પાસે અભિનયની કળા છે. એ પછી બ્રિજેન્દ્ર કાલા હોય કે કાશ્મીરા ઇરાની! શશાંક અરોરા, કુમુદ કુમાર મિશ્રા, સોનાલી કુલકર્ણી, સુનિલ ગ્રોવર, આસિફ શૈખ (જી હાં, ભાભીજી ઘર પર હૈ શોનાં કલાકાર જ તો વળી!) જેવા સક્ષમ અભિનેતા-અભિનેત્રીઓ પણ ખરા! ગ્લેમર ડોલ કેટરીના કૈફે પ્રમાણમાં ઠીકઠાક પર્ફોમન્સ આપ્યું છે. તબુ, દિશા પટણી, નોરા ફતેહી અલપ-ઝલપ દેખાયા છે પરંતુ નોંધપાત્ર અસર છોડતા ગયા છે. પરેશાની તો ત્યાં શરૂ થાય છે જ્યારે સલમાન અને કેટરીના બુઢ્ઢા હોવાની એક્ટિંગ કરે છે. 70 વર્ષનો સલમાન અને લગભગ એ જ ઉંમરની કેટરીના વૃદ્ધત્વને પોતાના પર્ફોમન્સમાં ઢાળી શક્યા નથી. જેના લીધે બધું જ કૃત્રિમ, પ્રાણવિહીન બની ગયું છે. એમાં પાછી પાંચ જુદી જુદી સ્ટોરીને કારણે ફિલ્મનો ટ્રેક જળવાયો નથી. એવું જ લાગે જાણે પાંચ જુદા જુદા ટુકડાઓને જોડીને આખું પિક્ચર શૂટ કરવામાં આવ્યું હોય! ‘સ્લો મોશન’ અને ‘ચાસણી’ ગીત સાંભળવાલાયક છે, એ સિવાય ત્રાસ! વિશાલ-શેખરનું મ્યુઝિક રોમેરોમ જુસ્સો અપાવે એવું છે, પરંતુ વાર્તાનાં લૂપહોલ્સ અને નબળા મુખ્ય કિરદારોને કારણે એની જોઇએ એવી અસર પ્રેક્ષકો પર પેદા નથી થઈ શકી. સલમાનને એક્ટિંગ છોડાવી શકે એ મહાનુભાવ માટે હવે ઇનામ જાહેર કરવું પડે એવી હાલત થઈ ગઈ છે. સાઉથ કોરિયન ફિલ્મ ‘ઓડ ટુ માય ફાધર’ની આ રી-મેક સલમાન ફેન સિવાય કોઇને પચે એવી નથી. અલી અબ્બાસ ઝફર અહીંથી અટકતાં નથી. ફિલ્મનાં ક્લાયમેક્સમાં એમણે સિક્વલની પણ જાહેરાત કરી દીધી છે!
bhattparakh@yahoo.com

: સાંજસ્ટાર:
બે ચોકલેટ

: ક્લાયમેક્સ :
હદ્દ તો ત્યારે થઈ ગઈ જ્યારે ફિલ્મમાં અધવચ્ચે રાષ્ટ્રગાન ટપકી પડે છે અને તમામ પ્રેક્ષકોને પરાણે એમની સીટ પરથી ઉભા થવાની ફરજ અદા કરાવવામાં આવે છે! ફિલ્મની શરૂઆતમાં રાષ્ટ્રગાન માટે ઉભું રહેવું એ શાન છે, વ્યક્તિગત ચોઇસ છે.. પરંતુ આ રીતે પરાણે પ્રેક્ષકોને ઉભા થવા માટે મજબૂર કરવા એ જુલમ છે.


Advertisement