આરોગ્યની દ્રષ્ટિએ કેરી, તરબુચ અને સકકરટેટીનું વિશેષ મહત્વ

07 June 2019 02:56 PM
Health
  • આરોગ્યની દ્રષ્ટિએ કેરી, તરબુચ અને સકકરટેટીનું વિશેષ મહત્વ
  • આરોગ્યની દ્રષ્ટિએ કેરી, તરબુચ અને સકકરટેટીનું વિશેષ મહત્વ
  • આરોગ્યની દ્રષ્ટિએ કેરી, તરબુચ અને સકકરટેટીનું વિશેષ મહત્વ

જામનગરમાં ડીકેવી કોલેજ પાછળ ગુરૂદત્તાત્રેય મંદિર રોડ પર કાર્યરત શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ સોસાયટીમાં દવાખાનામાં સવાર-સાંજ સેવા આપતા વૈદ્ય ડી.પી. મહેતા નીચે મુજબની માહિતી આપેલ છે.
ગ્રીષ્મ ઋતુ (ઉનાળાની મોસમ)માં બહારનું હવામાન એકદમ ગરમ થઇ જાય છે. દિવસના લૂ વરસે છે આવા હવામાનમાં આપણો આહાર કેવો જોઇએ તે આપણે આયુર્વેદ વિજ્ઞાનના મતે જોઇએ તો ગ્રીષ્મ ઋતુમાં સ્વાભાવિક પ્રક્રિયા રૂપે જ શરીરના પિત દોષની વૃધ્ધિ થાય છે. પિત દોષની વૃધ્ધિ કરનારા ખારો ખાટો અને તીખો રસ આ ઋતુમાં ઓછા પ્રમાણમાં લેવો જોઇએ અને તેના સ્થાને પિત દોષનું શમન કરનારા કડવા, તુરા અને મધુર રસોનું વધુ સેવન કરવું જોઇએ.
આ ઋતુમાં ફળોના ઉપયોગ ખુબજ લાભદાયક છે. ફળોમાંથી પાકી કેરી, તરબુત, સકકરટેટી, લીલી દાક્ષ, સંતરા, મોસંબી વગેરે લેવા હિતકારી છે.
ગ્રીષ્મ ઋતુમાં લોકોને સુખી થવા માટે પરમેશ્ર્વરે આવા રસભાર અને મધુર ફળો ઉત્પન્ન કરેલા છે. આ ઉપરથી પરમેશ્ર્વરની મનુષ્ય ઉપર કેટલી કૃપા છે. તે સમજાય છે.
આ ઋતુમાં આરોગ્ય જાળવવા અને શરીરની શક્તિ જાળવવા વધારવા માટે પાકી મીઠી કેરીનો નિત્ય ઉપયોગ કરવો કેરીમાં એવા ઓષધિય તત્વો છે. કે જે આ ઋતુના દોષોને દુર કરી મનુષ્યનો પોષણ અને બળ આપે છે. તથા નિરોગી રાખે છે. આંબાનો તાજો ગુંદ દાદરના સત્વરે નાશકરે છે. એમ જૈનગ્રંથમાં કહેલ છે.
કેરી અને તેનું વૃક્ષ અનેક રીતે ઉપયોગી છે. આંબાની છાલમાંથી ઝરતો રસ ગુંદર તરીકે ઉપયોગી નિવડે છે. આંબાની છાલ પાણીમાં ભીજવી રાખી એ પાણી સ્ત્રીઓના પ્રદર (સફેદ પાણી પડવું) રોગમાં પીવા માટે અપાયછ ે. આંબકા લાકડા ઇમારત કામમાં ઉપયોગ આવે છે તથા તેના પાન પણ અનેક રીતે ઉપયોગી છે. આ રીતે આંબાના દરેક અંગ અનેક રીતે ઉપયોગી છે.
આયુર્વેદના મહર્ષિ ભગવાન ચરકે પોતાના ગ્રંથ ચરક સંહિતાના હૃદય (હાર્ટ) ને માટે ફાયદાકારક દસ ઔષધોમાં કેરીની પણ ગણતરી કરી છે.
આયુર્વેદના યોગ રત્નાકર નામના ગ્રંથમાં કેરીને ફળોનો રાજા ની સંજ્ઞા આપવામાં આવે છે. એમ કહેલું છે કે જે રીતે સ્વર્ગમાં અમૃતનું મહત્વ છે તેવી રીતે આ પૃથ્વીપર કેરીનું મહત્વ છે. કેરી સર્વપ્રિય અને સર્વપ્રસિધ્ધ ફળ છે. સંસારના બધા ફળોમાં ઉત્તમ અને અધિક ગણકારી કેરીનું ફળ છે. તે અનેક રોગોના નાશ કરનાર સમસ્ત ઇન્દ્રિયોને તૃપ્ત કરનાર અને મનને પ્રિય લાગે એવું ફળ છે. આ રીતે કેરી ગરમીના ઉનાળાની ઋતુમાં એક અતિ ઉપયોગી ઉમદા મેવો છે.
કેરીના અનેક (લગભગ 1200 જાતો છે) પ્રકારો છે. આયુર્વેદના રાજ નિઘંટુ નામના પુસ્તકમાં 1200 જાતોનો સમાવેશ મુખ્ય પાંચ પ્રકારમાં બતાવેલ છે. આપણે ત્યાં રતનાગીરી, હાફુસ, કેસર, પાયરી, લંગડો, રાજાપુરી વગેરે અધિક પ્રકારમાં ખવાય છે.
કેરીના રહેલા ગુણા: આયુર્વેદમાં કાચી અને પાકીના કેરીના ગુણો વિશે લંબાણપુર્વક વર્ણન છે પાકી મીઠી કેરીમાં વિટામીન એ અને સી બંને પુષ્કળ પ્રમાણમાં છે. કેરીમાં સાઇટ્રીક એસિડ અને ગેલિક એસિડ પણ છે. કેરીના રસમાં રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) પણ હોય છે. પાકી મીઠી કેરીનો રસ શીત (ઠંડો) ગણાય છે અને પચવામાં ભારે હોય છે. મીઠી કેરીનો રસ ઉત્તમ પિત્ત શામક તથા વાયુને હરનાર અને કફ વધારનાર છે. તે બળ તાકાત વધારે છે અને શરીર પુષ્ટિ આવે છે. (દુબળા મનુષ્યોને માટે તેનું વજન વધારવા કેરી સર્વોત્તમ સાધન છે.) કેરીના રસમાં લોહીને શુધ્ધ કરવાનો અને લોહીની (હિમોગ્લોબીન તથા લાલકરણ વધે છે) વધારવાનો ગુણ છે. પાકી મીઠી કેરી ભોજન સાથે લેવાથી મેદ (ચરબી) વધે છે. પેશાબ વધારે લાવનાર છે. ઝાડો (દસ્ત) સાફ લાવનાર (જે લોકોને કબજિયાત રહેતી હોય તેમને માટે તો એ અમૃત સમાન છે.) વીર્યને અત્યંત વધારનાર અત્યંત કામોતેજક, નેત્ર માટે અત્યંત હિતકારક તથા આંતરડાના રોગો હોજરીના રોગો લીવરના રોગમાં કેરી ઉત્તમ કાર્ય કરે છે. સારી પાકી મીઠી કેરી ટી.બી.ના દર્દીઓ માટે બહુજ ઉપયોગી છે. સારી પાકી મીઠી કેરી ખાવાથી (શરીરની ત્વચના વર્ણને અધિક સુંદર બનાવનાર) થાય છે. આવી રીતે કેરી રોગી અને નિરોગ બંનેને માટે પરમ હિતકારી છે.
કેરીનો આમ્રકલ્પ નામનો પ્રયોગ વિધિવત કરવાથી અનેક રોગોમાં આશ્ર્ચયજનક લાભ થાય છે. શરીરના સ્વાસ્થ્યના રક્ષણ માટે અને આરોગ્યની પ્રાપ્તિ માટે કરીને સમજપૂર્વક ખાવી જોઇએ. રસ ચૂસીને ખાધેલી કેરી પચાવવામાં હલકી અને કાપીને ખાધેલી કેરી પચાવવામાં ભારે પડે છે. કેરી ધોળીને ચુસીને જ લેવી કેરી ધીમે ધીમે ચૂસીને ખાવાની વિશેષ ફળદાયી થશે કાપેલી કેરી કે કેરીનો રસ વાયુ (ગેસ) કર્તા બનતો હોવાથી બહુ લાભકારક નથી.
વધારે કેરીઓ ખાવાથી અપચો કે અર્જીણ થાય તો પાણી સાથે સુંઠણું ચુર્ણ લેવાથી અથવા સંચળ સાથે જીરાનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે.
કાચી કેરી: કાચી કેરીમાં ખટાશ વધુ હોય છે કારણ કે તેમાં વિટામીન સી વધુ હોય છે. આઇટીક એસિડ વધુ હોય છે. કાચી કેરીમાંથી વિવિધ પ્રકારના અથાણા બનાવવામાં આવે છે. કાચી કેરીની અથાણા રૂચિકર હોય છે અને તેને કારણે પાચનશક્તિમાં વધારો (ભુખને ખુબ ઉઘાડનાર) થાય છે. તથા પેટને શાંતિ પમાડનાર છે.
સારી જાતના મોટી કાચી કેરીના મુરબ્બો ખાવાથી પિત શામક ઓ રૂચિકારક બને છે. મુરબ્બો પૌષ્ટિક પણ છે. અને લોહીની વૃધ્ધિ પણ કરે છે.
કાચી કેરીને કુટીને ખાંડ નાખીને બનાવેલ શરબત દર બીજા કે ત્રીજા દિવસે પીવાથી લું લાગવી ઉનાળાની ગરમીનો તાપ લાગવો વગેરેથી સુરક્ષા મળે છે. કાચી કેરી સાથે અથવા ખાટી કેરીના રસ સાથે દૂધને સેવન કરવાથી નુકશાન થાય છે. ખાટી કેરી વધારે ખાવાથી તે જઠરાગ્નિને મંદ કરે, લોહીના રોગો કરે છે. કબજિયાત કરે પેટના તથા નેત્રના રોગો પણ ઉત્પન્ન કરે છે. માટે ખાટી કેરીઓ બહુ ખાવી નહીં.
પાયોરીયા નામના દાંતના રોગોમાં કાચી કેરીના આમુરિયા (આમોળિયા) એટલે કે કાચી કરીની સુકવણી કરવાની એનુ શાક ખાવાથી વિશેષ લાભ (દાંતને સાફ મજબુત બનાવે છે) થાય છે.
કેરીની ગોટલી: કેરીની ગોટલીમાંથી નિકળતું તેલ સ્નાયેઓના દુ:ખાવામાં ઘણો ફાયદો કરે છે. ગોટલીને ભાંગીને ભુકો કરીને તે મુખવાસ તરીકે ઉપયોગ કરવાથી તે ઘણો જ આરોગ્યપ્રદ ગણાય છે. કેરીની અંદરની ગોટલીને ચુર્ણ મધ સાથે લેવાથી દુઝતા હસર ઝાડા લોહીના ઝાડા (મરડો) તેમજ સ્ત્રીઓના શ્ર્વેત પ્રદર અને રકત પ્રદર (વધારે માસિક આવવું સફેદ પાણી પડવું) ઘણો ફાયદો થાય છે. ગોટલીનું ચુર્ણ ખાવાથી પેટના કૃમિ (કરમિયા મરીને બહાર આવે છે.
તરબુચ: તરબુચ ઉનાળાની ગરમીથી બચવા માટે અને ઠંડક લાવવા માટે ખવાય છે. વૈશાખ અને જેઠ માંસમાં જ તરબુચ ખાવા યોગ્ય થાય છે. માટે વસંત ઋતુમાં પુરી થયા પછી જ તરબુચનો ઉપયોગ કરવો.
તરબુચમાં રહેલા ગુણ તથા ઔષધ તરીકે ઉપયોગ: તરબુચમાં તુષા અને તરસને શાંત કરવાનો ઉત્તમ ગુણ છે. તરબુચ શીતલ બળ આપનાર, મધુર પૃત્તિકારક પૌષ્ટિક પિત્તશામક, કફ વધારનાર મુત્રલ (પેશાબ પેદા કરનાર) તથા વિશેષ કરીને શરીરનો દાહ (બળતરા) શામક છે.
પેશાબના રોગોમાં પથરી માથાનો દુ:ખાવો, ખાસી, કૃમિરોગ, નાક, દાંત અને મોંમાથી ઝરતા લોહીના સ્ત્રાવ ને તરબુચ બંધ કરાવે છે. આ બધા રોગોમાં તરબુચ અને તેના બીજો ઉપયોગ લાભ કારક છે.
દરેક માણસે તેની પ્રકૃતિ પ્રમાણે જ તરબુચ ખાવા જોઇએ તરબુચના વિવેકહીન ઉપયોગથી કે આડેધડ તરબુચ ખાવાથી નુકશાન થાય છે. તરબુચ બહુ ખાવાથી મગજને શિથિલ કરી બુધ્ધિનો નાશ કરે છે. આથી જ કેટલાક લોકો તરબુચને કુમતિયા (મતિ બગાડનાર ગણે છે)
તરબુચ કોણે ન ખાવું?: કફજ (ઠંડી) પ્રકૃતિવાળા જેને વારંવાર શરદી થતી હોય શ્ર્વાસ તથા હેડકીના રોગવાળા તેમજ ચામડીના રોગવાળાએ તથા ડાયાબીટીસના દર્દીને તરબુચનુ સેવન હાનીકારક છે. વિશેષ કરીને સાંજના સમયે અથવા રાત્રે તરબુચ ન જ ખાવું જોઇએ.
સકકરટેટી: તાજી અને મીઠી સકકરટેટીના ઉપયોગથી શરીરના અવયવો મજબુત થાય છે. શરીરની ગરમી દુર થાય છે. યાદશક્તિ વધે છે. વીર્ય વૃધ્ધિ થાય છે. કબજિયાત દુર થાય છે. તથા વાત-પિત શામક છે સકકર ટેટી ઉધરસ અને શરદી કરનાર છે. તેથી કફના રોગીઓએ તેની ઉપયોગ કરવો નહીં.
સંકલન: વૈદ્ય ડી.પી. મહેતા
(આયુર્વેદ દવાખાનું, ગુરૂદત્તાત્રેય મંદિર રોડ, જામનગર)
મો.94280 88842


Loading...
Advertisement