અમરેલી, ગોહિલવાડ પંથકમાં વરસાદ: ચોમાસાની ગતિવિધીની તૈયારી

18 May 2019 01:18 PM
Amreli Saurashtra
  • અમરેલી, ગોહિલવાડ પંથકમાં વરસાદ: ચોમાસાની ગતિવિધીની તૈયારી
  • અમરેલી, ગોહિલવાડ પંથકમાં વરસાદ: ચોમાસાની ગતિવિધીની તૈયારી

દિવસભર અસહ્ય ઉકળાટ બાદ ખાંભા, સાવરકુંડલા, રાજુલા, જસદણના ગ્રામ્ય પંથકમાં મીની વાવાઝોડા અને કરા સાથે વરસ્યા વરસાદી ઝાપટા:આજથી ફરી કાળઝાળ ગરમીનો આવશે નવો રાઉન્ડ: ચાર પાંચ દિવસ 40-44 ડીગ્રી પારો તાપમાન બાદ શરૂ થશે પ્રિ-મોન્સુન એકટીવીટી

Advertisement

રાજકોટ તા.18
આગામી સપ્તાહથી વિધીવત રીતે ચોમાસાની ગતિવિધી શરૂ થવાની આગાહી વચ્ચે ગઈકાલે પૂર્વાનુમાન મુજબ સૌરાષ્ટ્ર-કચ્છના વાતાવરણમાં આવેલા પલ્ટા સાથે કોઈક સ્થળે છુટાછવાયા વરસાદી ઝાપટા મીની વાવાઝોડા સાથે વરસી ગયા હતા તો હવે આજથી હવમાન સ્વચ્છ થતાની સાથે જ મહતમ તાપમાનનો પારો ઉચકાઈને ફરી 40-44 ડીગ્રી વચ્ચે પહોંચી જવાનો સંકેત જોવા મળે છે.
પખવાડિયા પહેલા આકાશમાંથી ગરમીનું જોરદાર આક્રમણ શરૂ થયા બાદ પારો 44 ડીગ્રી નજીક કે તેથી ઉપર પણ પહોંચી ગયો હતો. લગભગ એકાદ સપ્તાહ ગરમીએ હાહાકાર મચાવ્યા બાદ તાપમાનમાં મામુલી રાહત વચ્ચે અપરએર સાયકલોનીક સરકયુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ કોઈક સ્થળે વરસાદી છુટા છવાયા હળવા ઝાપટાનો દૌર શરૂ થયો હતો. જે અવિરત ગઈકાલ સુધી ચાલુ રહ્યો હતો. જેમાં ગઈકાલે સવારથી અસહ્ય ગરમી અને બફારાનું આક્રમણ રહ્યા બાદ બપોર પછી સૌરાષ્ટ્ર કચ્છના વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. જેની અસર હેઠળ સાવરકુંડલા, ખાંભા, રાજુલા, ભાવનગર, ગોહિલવાડ, જસદણ પંથકમાં તો તોફાની પવનથી કેટલાક સ્થળે દુકાનોના છાપરા, બેનરો પણ ઉડી ગયાના વાવડ મળી રહ્યા છે. તો રાજકોટ સહિતના સ્થળે પણ વાદળા ચડી આવતા વરસાદી માહોલ બંધાયો હતો. પરંતુ વરસાદ પડયો હતો નહિ.
દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છમાં ગઈકાલે મોટાભાગના વિસ્તારમાં દક્ષિણ, પશ્ર્ચિમ કે દક્ષિણ પશ્ર્ચિમના ફુંકાતા ભેજવાળા પવનની અસર હેઠળ બફારાનું પ્રમાણ સવિશેષ વધી જતા બફારાના આક્રમણથી રાહત મેળવવા લોકો તડપતા જોવા મળતા હતા. તો આ બફારો હવે ઘાતક બની રહ્યો હોય તેમ છેલ્લા ત્રણ દિવસથી હાર્ટએટેકના પ્રમાણ વધી રહ્યા છે તો હજુ આગામી દિવસોમાં આ બફારો વધુ ઘાતક બનવાની પણ સંભાવના હોય બીપી, ડાયાબીટીસ, હદયરોગ સંબંધી બીમારી ધરાવનારાઓને સાવચેત રહેવા જણાવાયું છે.
એવામાં આજે સવારથી જ હવામાન સ્વચ્છ તઈ ગયું છે અને સવારથી જ સૂર્યનારાયણ દેવે રંગ દેખાડવાનું શરૂ કર્યુ છે. જેથી આજે 40 ડીગ્રી ઉપર પારો પહોંચવા સાથે આગામી સપ્તાહ સુધીમં ફરી કાળઝાળ ગરમીનું આક્રમણ શરૂ થતા મહતમ તાપમાન 40-44 ડીગ્રી સુધી પહોંચી જવાનો સંકેત આપવા સાથે આગામી સપ્તાહના અંતિમ દિવસોથી વિધિવત રીતે ચોમાસાની ગતિવિધી શરૂ થશે તેવું અનુમાન હાલમાં લગાવાઈ રહ્યું છે.
રાજકોટ
રાજકોટમાં ગઈકાલે સવારથી જ સૂર્ય નારાયણે આક્રમક મિજાજ દેખાડતા ફરીને ગરમીનો પારો 40 ડીગ્રી પાર પહોંચી ગયો હતો તો ઉતર પશ્ર્ચિમના પવન ફુંકાવા છતા પણ હવામાં વધતા ભેજથી બફારાનું સવિશેષ પ્રમાણ રહેતા શહેરીજનો ત્રાહીમામ જોવા મળતા હતા.
શહેરનું ન્યુનતમ તાપમાન આજે 26.1 ડીગ્રી નોંધાયુ હતું તો હવામાં સવારે 76 ટકા ભેજ નોંધાયો હતો. પવનની ઝડપ સરેરાશ 19 કી.મી. પ્રતિ કલાક રહી હતી તો 32 ડીગ્રીને પાર થઈ જતા મહતમ તાપમાન 40 ડીગ્રી પાર રહેવાની શકયતા જોવા મળે છે.
અમરેલી
રાજુલાના ડુંગરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો જેના કારણે આકાશમાંથી તડકો ગાયબ થઈ ગયો છે અને લોકોને ગરમીથી થોડી રાહત મળી હતી. રાહત મળતાની સાથે જ ડુંગરમાં ધોધમાર વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાયો હતો. ડુંગર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદી છાંટા અને કરા પણ પડયા હતા. આવા કમૌસમી વરસાદને લીધે ધરતીપુત્રોની મુશ્કેલીમાં વધારો થયો છે. તેની સાથે રાજુલા પંથકમાં અમુક વિસ્તારો જેવા કે મોટા આગરી, ઝીંઝકા, કુંભારીયા, ડુંગર પરડા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદની સાથે કરા પણ પડયા હતા.
વીજપડી
વીજપડીમાં ગઈકાલે બપોરના 2 વાગ્યે વરસાદી માવઠુ તેમજ ઠંડી પવનની લહેર પડેલ હતી. આજે વીજપડીના લોકોએ ગરમીથી થોડીવાર માટે રાહત મેળવેલ.
સાવરકુંડલા
સાવરકુંડલા તાલુકાના મેરિયાણા અને થોરડી ગામમાં કાળઝાળ ગરમીમાં વરસાદ આવતા લોકોને ગરમીમાં રાહત મળી હતી.
ભાવનગર
ગોહિલવાડ પંથકમાં ગઈકાલે બપોરે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. શહેર અને જીલ્લામાં વાદળછાયા વાતાવરણ બાદ તડકો નીકળ્યો હતો અને કમોસમી વરસાદ પડયો હતો. શહેરમાં વરસાદથી માર્ગો ભીંજાઈ ગયા હતા. ભાવનગર શહેર ઉપરાંત જિલ્લાના સિહોર, મહુવા પંથકમાં પણ હળવો વરસાદ પડયના અહેવાલ પ્રાપ્ત થયા છે. ભાવનગર શહેરનું મહતમ તાપમાન 37.0 ડીગ્રી અને લઘુતમ તાપમાન 27.4 ડીગ્રી નોંધાયુ હતું. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 59 ટકા અને પવનની ઝડપ 22 કિ.મી. પ્રતિકલાકની રહી હતી. શહેરમાં 0.2 મીમી વરસાદ નોંધાયો છે.


Advertisement