ગડુની કોલેજને અડધા લાખનો દંડ ફટકારતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

15 May 2019 06:04 PM
Rajkot
  • ગડુની કોલેજને અડધા લાખનો દંડ ફટકારતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

પરીક્ષા ચોરી અને ગેરરીતિ કરનારા 75 વિદ્યાર્થીઓને કરાતી સજા માસ કોપીકેસમાં ઝપટે ચડી જનારા છાત્રોને 1+4ની સજા : ગડુની સૌરભ આર્ટસ કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ કરવા નરસિંહ મહેતા યુનિ.ને જાણ કરાશે : ગેરરીતિ પકડી પાડનારા અઘ્યાપકોને બિરદાવાશે

Advertisement

રાજકોટ તા.1પ
સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી દ્વારા લેવાયેલ વિવિધ ફેકલ્ટીની પરીક્ષા દરમિયાન ચોરી અને ગેરરીતિમાં ઝપટે ચડી જનારા વધુ 75 જેટલા વિદ્યાર્થીઓને આજે યુનિ. પરિક્ષા શુઘ્ધિકરણ સમિતિની મળેલી ખાસ બેઠકમાં સુનાવણી હાથ ધરી સજા ફટકારવામાં આવી છે. જયારે ગડુની સૌરભ આર્ટસ કોલેજને રૂા.અડધા લાખનો દંડ ફટકારવામાં આવેલ છે.
સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા લેવાયેલ પરીક્ષા દરમિયાન ગડુ કોલેજના 20 જેટલા વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓમાં એક સરખું લખાણ નીકળતાં આ તમામ વિદ્યાર્થીઓ સામે માસ કોપી કેસ કરી તેઓની આપેલી પરીક્ષા રદ કરી આગામી 4 સેમેસ્ટરની પરીક્ષામાં બેસવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવેલ છે. આમ આ 20 વિદ્યાર્થીઓને 1+4ની સજા આપવામાં આવી છે. આ ઉપરાંત ગડુની કોલેજમાં પરીક્ષા ચોરી થયાનું ખૂલતા આ સૌરભ આર્ટસ કોલેજને રૂા.અડધા લાખનો દંડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ફટકારવામાં આવેલ છે. અહીં એ ઉલ્લેખનીય છે કે હવે ગડુની આ કોલેજ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં સમાવિષ્ટ થઇ હોય, આ સૌરભ આર્ટસ કોલેજને પરીક્ષા કેન્દ્ર નહી ફાળવવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, નરસિંહ મહેતા યુનિવર્સિટી જાણ કરશે.
યુનિ. ખાતે યોજાયેલી આ પરીક્ષા શુઘ્ધિકરણ સમિતિ (ઇડીએસસી)ની આ બેઠકમાં સુનાવણી માટે આજે 30 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જયારે આ બેઠકમાં સુનાવણી માટે 75 જેટલા વિદ્યાર્થીઓને તેડુ મોકલી બોલાવવામાં આવેલ હતાં. આમ આ 75 વિદ્યાર્થીઓને પરીક્ષા ચોરીમાં દોષીત માની તમામ વિદ્યાર્થીઓને સજા આપવાનો નિર્ણય લેવામાં આવેલ છે.


Advertisement