જાગનાથમાં ગટરનું પાણી પીવાની લાઈનમાં ભળી ગયું: તંત્ર ગટરમાં

15 May 2019 05:57 PM
Rajkot
  • જાગનાથમાં ગટરનું પાણી પીવાની લાઈનમાં ભળી ગયું: તંત્ર ગટરમાં
  • જાગનાથમાં ગટરનું પાણી પીવાની લાઈનમાં ભળી ગયું: તંત્ર ગટરમાં
  • જાગનાથમાં ગટરનું પાણી પીવાની લાઈનમાં ભળી ગયું: તંત્ર ગટરમાં
  • જાગનાથમાં ગટરનું પાણી પીવાની લાઈનમાં ભળી ગયું: તંત્ર ગટરમાં

દિવસોથી દૂષિત પાણી મળતા લોકો થાકયા: વાપરવામાં પણ કામ ન આવે એવા પાણીનું કરવું શું: માંડ માંડ લીકેજ શોધતું તંત્ર

Advertisement

રાજકોટ તા.15
રાજકોટ શહેરમાં એક તરફ મહાપાલિકા અને સરકાર દ્વારા મહામહેનતે રોજ પાણી વિતરણ કરાઈ રહ્યું છે ત્યારે ચોરી અને બગાડની ફરિયાદો વચ્ચે દૂષિત પાણી વિતરણનો ત્રાસ પણ દૂર થતો નથી તે હકીકત છે. તેવામાં વોર્ડ નં.7ના જુના જાગનાથ વિસ્તારમાં તો દિવસોથી ભૂગર્ભ ગટરની લાઈન પીવાની લાઈન સાથે ભળી જતા લોકોને નળ વાટે મળતું પાણી ગોબરૂ ગંધારૂ બની ગયું છે. આજે મહાપાલિકા તંત્રને માંડ ફોલ્ટ મળ્યો છે અને હજુ એકાદ બે દિવસ બાદ લોકોને શુધ્ધ પાણી મળતું થાય તેવી શકયતા છે.
જાગનાથની ત્રણથી ચાર શેરીઓમાં વાપરવા લાયક પણ પાણી મળતું નથી. આ પાણી એટલી હદે દૂષિત છે કે રોગચાળો ફેલાયો નથી તે જ સારી વાત છે તેવું પોશ એરીયાના લોકોએ કહ્યું હતું.
આ અંગે સેન્ટ્રલ ઝોનના વર્ષો જુના આ જાગનાથ વિસ્તારના લોકોએ કરેલી ફરીયાદ પરથી ‘સાંજ સમાચાર’ના પ્રતિનિધિએ વિસ્તારની મુલાકાત લીધી હતી. જુના જાગનાથના શેરી નં.3, 10,11 તથા નજીકની શેરીઓમાં સવારે 10-45 કલાકે પાણી વિતરણ થાય છે. આ સમયે જુદા જુદા મકાન અને એપાર્ટમેન્ટમાં બહેનો પાણી ભરવા ઉતર્યા હતા. પરંતુ દિવસોથી આ લાઈનમાંથી પીવાનું પાણી ભરી જ શકાતું નહીં હોવાનું બહેનોએ કહ્યું હતું. આમ છતા ડોલ અને ડબલામાં પાણી ભરીને દેખાડતા પાણીમાં કયાંય તળીયુ ન દેખાય એટલું પ્રદુષણ હતું.
અમુક વિસ્તારમાં તો બે બે મહિનાથી આવું પાણી આવી રહ્યાનું મહિલાઓએ જણાવ્યું હતું. બીજી તરફ દિવસોથી મહાપાલિકાની ટીમ કઈ જગ્યાએ ભૂગર્ભ અને પીવાની લાઈન લીક થઈને મિકસ થઈ ગઈ છે તે શોધી શકતી ન હતી. આજે માંડ આ મીકસીંગ વાળી લાઈનનું લોકેશન મળતા તાબડતોબ રીપેરીંગ શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ હજુ એકાદ બે દિવસ બાદ પૂરી લાઈન સાફ થાય એટલે શુધ્ધ પાણી મળશે તેવું સુત્રોએ જણાવ્યું છે.
જાગનાથ વિસ્તારમાં તાજેતરમાં પાણીચોરી પણ મોટા પ્રમાણમાં પકડાતી હતી. પરંતુ સાથે સાથે જુના જાગનાથમાં દૂષિત પાણીનો પ્રશ્ર્ન પણ હલ થતો નથી તે વાસ્તવિકતા છે. મનપાના કોલ સેન્ટરમાં રોજ દૂષિત પાણીની ફરિયાદોનો ઢગલો થાય છે. હજારો ઘરમાં આવુ પાણી જાય છે પરંતુ નાના પોકેટ પૂરતી ફરીયાદોનો કાયમી નિકાલ થઈ શકતો ન હોય લોકોમાં આવા પાણીથી ચિંતાની લાગણી પણ વધી રહી છે.

કયાંથી પાણી બચે? બે માસમાં 406 ઘરમાંથી મોટર પકડાઈ: 38 જગ્યાએ લાઈનમાંથી બગાડ
રાજકોટ તા.15
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા બે મહિનાથી ચાલતી પાણી ચોરી સામેની ઝુંબેશ દરમ્યાન મોટા પ્રમાણમાં પાણીચોરી અને લાઈનમાંથી બગાડ પકડાતા હોય કાળઝાળ ઉનાળામાં પણ રોજ પાણી મેળવવા માટે નસીબદાર રાજકોટમાં પાણી કયાંથી બચશે તે મોટો સવાલ લાગે છે.
ગત તા.13/3થી તા.14/5 સુધીમાં મ્યુનિ. કોર્પોરેશનની ત્રણે ઝોનની વોટર વર્કસ શાખા દ્વારા પાણી ચોરી રોકવા માટે અભિયાન ચલાવાયું છે અને હજુ ચાલી રહ્યું છે. બે મહિનામાં જુદા જુદા વિસ્તારમાં કુલ 38 જગ્યાએ પાઈપલાઈન લીકેજ અથવા વાલ્વ લીકેજ મળ્યા હતા. તેમાં સૌથી વધુ સેન્ટ્રલ ઝોનમાં 19 અને વેસ્ટ ઝોનમાં 11 જગ્યાએ આવો પાણીનો બગાડ મળ્યો હતો. સામા કાંઠે 8 જગ્યાએ પાણીનો બગાડ દેખાયો હતો.
પાણી ચોરીની વાત કરીએ તો મનપાએ સેન્ટ્રલ ઝોનમાં 13409, વેસ્ટ ઝોનમાં 9746 અને ઈસ્ટ ઝોનમાં 13034 મળી 36189 મકાનમાં ચેકીંગ કર્યુ હતું. આ દરમ્યાન ત્રણે ઝોનમાંથી અનુક્રમે 24, 3 અને 54 મળી 81 ભૂતિયા નળ પકડાતા કાપવામાં આવ્યા છે. ધસમસતુ પાણી ખેચતી 406 મોટર પકડાઈ છે. તેમાં સૌથી વધુ વેસ્ટ ઝોનમાં 188, સેન્ટ્રલમાં 141 અને ઈસ્ટમાં 77 પકડાઈ છે. આ પૈકી 225 મોટર જપ્ત કરીને નોટીસ આપવામાં આવી છે.
પાણી ચોરીના કેસમાં સૌથી વધુ દંડ સેન્ટ્રલ ઝોનમાં 2.57 લાખ વેસ્ટમાં 1.31 લાખ અને ઈસ્ટમાં 65 હજાર મળી 4.53 લાખની વસુલાત થઈ છે તો પાણીના બગાડ બદલ લોકોને રૂા.38250 મળી કુલ રૂા.4.92 લાખની વસુલાત કરવામાં આવી છે.


Advertisement