જામજોધપુરના ગીંગણી ગામે દારૂ પીધેલા પકડાવવાના મુદ્દે અથડામણ

15 May 2019 03:18 PM
Jamnagar

કોળી પરિવારના બે કુટુંબો વચ્ચે મારામારી : લોખંડના પાઇપ, લાકડીથી સામ સામે હુમલો થતા બંને પક્ષે એક-એક ઘાયલ

Advertisement

જામનગર તા. 15 :
જામજોધપુર તાલુકાના ગીંગણી ગામે દારૂ પીધેલ વ્યક્તિને પોલીસમાં પકડાવી દેવાની બાબતનો ખાર રાખી એક કોળી યુવાન ઉપર ચાર શખ્સોએ હુમલો કરી ઇજા પહોંચાડી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. આ પ્રકરણમાં સામે પક્ષે પણ દારૂમાં પકડાવવા બાબતનો ખાર રાખી ચાર શખ્સોએ યુવાનને માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી.
આ અંગેની વિગત એવી છે કે, જામજોધપુર તાલુકાના ગીંગણી ગામે રહેતા ભાવિન પ્રફુલ ડાભી (ઉ.વ.20) નામના કોળી યુવકને જેન્તી કડવા ડાભી, કારા સવજી ડાભી ભાવેશ સવજી ડાભી, મનજી જેન્તી ડાભીએ એકસંપ કરી લોખંડનો પાઇપ, લાકડીથી માર મારી લોહીલુહાણ કરી ઇજા પહોંચાડી હતી તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આથી આ અંગે ભાવિન ડાભીએ આ ચારેય શખ્સ વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા જામજોધપુર પોલીસે આઇપી.સી. કલમ 323, 324,504, 506(2), 114 અને જી.પી.એકટની કલમ 1385(1) અન્વયે આરોપીઓ સામે ગુન્હો નોંધ્યો હતો. ફરિયાદીએ આરોપી ભાવેશના કાકા બાલા ડાભીને દારૂ પીધેલી હાલતમાં પોલીસમાં પકડાવ્યા હતા તે બાબતનો ખાર રાખી ભાવેશ અને અન્ય ત્રણે આ હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવાયું છે.
સામે પક્ષે ભાવેશ સવજી ડાભી (ઉ.વ.30)એ પોતાના ઉપર લોખંડના પાઇપ, લાકડીથી હુમલો કરવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પ્રફુલ માધા ડાભી, ભાવિન પ્રફુલ ડાભી, સંજય માધા ડાભી, માધા છગન ડાભી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેણે પણ આરોપીને દારૂ પીધેલ હોય પોલીસમાં પકડાવ્યા હતા તેથી તે બાબતનો ખાર રાખી હુમલો કરાયાનું ફરિયાદમાં જણાવાયું છે.


Advertisement