કચ્છમાં તસ્કરોની રાત્રી રોન : ત્રણ મકાનોમાં ખાબકી માલ મતાની ચોરી

15 May 2019 11:38 AM
kutch

મુન્દ્રાના મોટા કપાયામાં બનેલ બનાવથી પોલીસ દોડી

Advertisement

ભૂજ તા.15
મુન્દ્રા તાલુકાના મોટા કપાયા ગામે તસ્કરોએ સામુહીક આક્રમણ કરી,લાખોની માલમતાની ચોરી કરતાં ચકચાર ફેલાઈ છે. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ ચોરીનો બનાવ રાત્રીના સમયે બનવા પામ્યો હતો. તસ્કરોએ મોટા કપાયા ગામે આવેલા ત્રણ બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા. જેમાં જીવાભાઈ રાજગોરના મકાનના તાળા તોડી ચોરો ઘરમાં પ્રવેશ્યા હતા.
આ ઘરમાં સરસામાન વેર વિખેર કરી કબાટના તાળા તોડી તેમાં રહેલા સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા 40 હજાર મળી અંદાજીત લાખથી દોઢ લાખની માલમતા તફડાવી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જીવાભાઈના પત્ની માવતરે બિદડા ગામે ગયા હતા અને જીવાભાઈ ગામમાં જ રહેતા પોતાની માતાના ઘરે સુવા ગયેલા ત્યારે તસ્કરો કળા કરી ગયા હતા તો અન્ય બે બંધ મકાનોના તાળા તોડી તેમાંથી પણ મસમોટી માલમતા ચોરી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આ મકાનના માલીકો હાજર ન હોવાથી મકાન માલીક કોણ અને કેટલાની માલમતાની તસ્કરી તે જાણી શકાયું નથી.
આ બાબતે મુન્દ્રા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધતા ચોરીના બનાવને સમર્થન મળ્યું હતું પરંતુ આ લખાય છે ત્યાં સુધી સત્તાવાર ફરિયાદ નોંધાયેલ ન હોવાનું જણાવ્યું હતું.મોટા કપાયામાં ત્રણ બંધ મકાનોમાંથી ચોરી થયાની જાણ થતાં કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી હતી તો ચોરીના બનાવથી રહેવાસીઓમાં ફફડાટ મચી ગઈ હતી અને આવા બનાવો અટકાવવા પોલીસ પેટ્રોલિંગ સધન બનાવવા માંગ ઉઠી હતી.


Advertisement