IPLમાં મુંબઈની જીતથી બુકી બજારમાં ‘અપસેટ’: કરોડો ડુબ્યા

13 May 2019 06:01 PM
Rajkot Gujarat Sports
  • IPLમાં મુંબઈની જીતથી બુકી બજારમાં ‘અપસેટ’: કરોડો ડુબ્યા

છેલ્લા દડા સુધી માત્ર 10 પૈસાના ભાવ સાથે ‘ચેન્નાઈ’ જ હોટ ફેવરીટ હતું:છેલ્લી 10 ઓવરોમાં અભૂતપૂર્વ અને કયારેય ન થઈ હોય તેવી ઉથલપાથલ થઈ: 3 વખત મુંબઈ અને 3-4 વખત ચેન્નાઈ ‘ફેવરીટ’ બન્યુ; વોટસનના ધમાકા પછી ચેન્નાઈ પર જ કરોડોના દાવા લાગ્યા હતા.:હાર્દિકની વિકેટ ધોનીના રનઆઉટ, વોટસનની સ્ફોટક બેટીંગવાળી બે ઓવર વખતે મોટી ઉથલપાથલ

Advertisement

રાજકોટ તા.13
ક્રિકેટ વિશ્ર્વમાં ભાગ્યે જ જોવા મળતો છેલ્લા દડા સુધીનો દિલધડક રોમાંચ રવિવારે આઈપીએલ ટુર્નામેન્ટના ફાઈનલમાં જોવા મળ્યો હતો અને તેમાં બુકી બજારમાં કરોડો રૂપિયાની ઉથલપાથલ થઈ હતી. છેલ્લા દડા સુધી ચેન્નાઈની જીત પર જ કરોડોના દાવ લાગતા હતા પરંતુ વિજય મુંબઈનો થતાં બુકીઓની જંગી રકમ ડુબી હોવાનો સુર વ્યકત થવા લાગ્યો હતો.
આઈપીએલની ફાઈનલના સટ્ટાની નાણાંકીય લેવડદેવડ પણ સરળતાથી પુરી થવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. કારણ કે હારજીતની રકમ મોટી થઈ ગઈ છે. આ મેચમાં ઓવરે-ઓવરે ચિત્ર પલટાતું રહ્યું હતું અને સમગ્ર મેચમાં 3 કે 4 વખત મુંબઈ અને 3-4 વખત ચેન્નાઈની જીતના ભાવ ફરતા રહ્યા હતા. બુકીબજાર માટેના આ ફાઈનલ મેચનું પરિણામ અપસેટ બની ગયુ છે.
ક્રિકેટ જગતની સૌથી લોકપ્રિય અને દિલધડક એવી આઈપીએલ ટુર્નામેન્ટમાં બુકીઓએ કરોડો-અબજોના દાવ ખેલ્યા જ હતા.ગઈકાલે રવિવારે ફાઈનલ હતો. મુકાબલો પણ બે બળીયા ટીમો વચ્ચે હતો એટલે આખરી મેચમાં બેફામ પાટો રમવાનો બુકીઓ પંટરોનો મિજાજ હતોજ.
મુંબઈએ ટોસ જીતીને પ્રથમ દાવ લીધો ત્યારે ટીમ 130 આસપાસ રન બનાવશે તેવા અંદાજ સાથે બુકીઓએ મુંબઈની જીતના ભાવ કાઢયા હતા. વખતોવખત વિકેટો ખડવા લાગી હોવા છતા મુંબઈને જ ફેવરીટ ગણવામાં આવતુ હતું. પરંતુ હાર્દિક પંડયાના આઉટ થતાની સાથે જ બુકીઓના ભાવના પાટીયા ફરી ગયા હતા અને ચેન્નાઈને ફેવરીટ ગણવાનું શરૂ થયુ હતું મુંબઈનો સ્કોર 170 ના અંદાજ સામે 149 જ થવાને કારણે ભાવો ફરી ગયા હતા.
150 રનનાં ટારગેટ સાથે ચેન્નાઈ સુપરકીંગ્સે સારી શરૂઆત કરતા તેની 9 ઓવરની ઈનીંગ્સ સુધી ચેન્નાઈને જ ફેવરીટ ગણવામાં આવતું હતું અને તેના પર જ દાવ લાગતા રહ્યા હતા. પરંતુ 10-11 મી ઓવરથી ઉથલપાથલનો ખેલ શરૂ થઈ ગયો હતો. ખાસ કરીને ધોની રનઆઉટ થતાની સાથે જ દોડધામ થઈ ગઈ હતી. મેચની સાથોસાથ બુકીબજારમાં પણ ટર્નીંગ પોઈન્ટ બની ગયો હોય તેમ ફરી મુંબઈ ઈન્ડીયન્સને ફેવરીટની કેટેગરીઝમાં મુકી દેવાયું હતું.
એક ટોચના બુકીએ કહ્યું કે છેલ્લી દસ ઓવરમાં 3 કે 4 વખત ઉથલપાથલ થઈ હતી. કયારેક મુંબઈ તો કયારેક ચેન્નાઈ ફેવરીટ બની જતુ હતું ચેન્નાઈની વિકેટો પડતા તથા ધોનીનાં રનઆઉટ વખતે મુંબઈ ફેવરીટ થઈ ગયુ હતું પરંતુ વોટસને મલીંગા તથા કુણાલ પંડયાની ઓવરમાં 20-20 રન લઈ લેતાં ફરી વખત ચેન્નાઈ ફેવરીટ થઈ ગયુ હતું. વોટસનની આ સ્ફોટક બેટીંગ પછી છેલ્લા દડા સુધી ચેન્નાઈ જ ફેવરીટ હતું.
છેલ્લા દડે ચેન્નાઈને જીત માટે માત્ર બે રન કરવાના હતા ત્યારે પણ તેની જીતનો ભાવ માત્ર 8 કે 10 પૈસા જ હતો બુકીઓની ગણતરી એવી હતી કે છેલ્લા દડે કદાચ બે રન ન થાય તો પણ બાય કે કોઈ અન્ય રીતે એક રન તો થઈ જ જશે. એટલે ટાઈ અથવા ચેન્નાઈની જીત જ ગણવામાં આવતી હતી. છેલ્લા દડે વિકેટ પડશે અને મુંબઈ જીતશે તેથી તો બુકીઓને કલ્પના પણ ન હતી. પરંતુ મૂંબઈની જીત સાથે જ હારજીતનો આંકડો કરોડોમાં થઈ ગયો હતો.
સુત્રોએ કહ્યું કે છેલ્લા બોલ સુધી ચેન્નાઈ પર જ દાવ લાગતા હતા. એટલે દાવ લગાડનારાઓએ કરોડો રૂપિયાની નુકશાની વેઠવાનો વખત આવ્યો છે. કેટલાંકને દેવાળુ ફુંકવાની નોબત આવે તેવી શકયતાનો પણ ઈન્કાર થઈ શકતો નથી. નિર્ધારીત સમયમાં નાણાકીય લેતીદેતીનાં વલણ થઈ શકવા વિશે શંકા છે.આવતા બે-ચાર દિવસમાં ચિત્ર સ્પષ્ટ થશે.
બુકીબજારનાં સુત્રોએ કહ્યું કે સટ્ટાકીય દાવમાં આખા મેચ દરમ્યાન અનેક વખત અસાધારણ વધઘટ જોવા મળી હતી.મુંબઈના પ્રથમ દાવ વખતે મુંબઈ ફેવરીટ ગણાતું હતું પરંતુ હાર્દિક પંડયા આઉટ થતા જ તેના પાટીયા બેસી ગયા હતા. ચેન્નાઈનાં દાવની શરૂઆત પૂર્વે તે ફેવરીટ હતું. વોટસન, ડૂપ્લેસીની સારી શરૂઆતથી તેના પર જ દાવ લાગતા હતા. પરંતુ એકાએક વિકેટો પડતા અને ધોની રનઆઉટ થતાં ફરી ઉથલપાથલ થઈ હતી. પછી વોટસને મલીંગા તથા કૃણાલ પંડયાની ઓવરોમાં આતશબાજી કરતા ફરી ચેન્નાઈ આગળ આવી ગયુ હતુ. છેલ્લા બોલ સુધી તે જ ફેવરીટ હતું આથી આવી અસાધારણ ઉથલપાથલવાળો ફાઈનલ મેચ નજીકનાં ભુતકાળમાં યાદ આવતો ન હોવાનું એક ટોચના બુકીએ કહ્યું હતું.


Advertisement