ભાવનગર છજજના સરકાર્યવાહનો પુત્ર કોપી કેસમાં ઝડપાતા ભારે ચકચાર

07 May 2019 06:03 PM
Rajkot
  • ભાવનગર છજજના સરકાર્યવાહનો પુત્ર કોપી કેસમાં ઝડપાતા ભારે ચકચાર

કૃષ્ણકુમાર યુનિ.માં ભાજપ પ્રદેશ અધ્યક્ષનો પુત્ર કોપી કેસમાં ઝડપાયા બાદ વધુ એક ઝડપાયો

Advertisement

રાજકોટ તા.7
ભાવનગરની વિખ્યાત કૃષ્ણકુમાર યુનિ.માં એમ.કોમ.પાર્ટ-1 ની પરીક્ષામાં ગઈકાલે શહેરના આર.એસ.એસ.ના સર કાર્યવાહનો પુત્ર કોપી કેસમાં ઝડપાતા ભારે ચકચાર જાગી છે. આ અગાઉ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીનો પુત્ર પણ કોપી કેસમાં ઝડપાયો હતો. આ ચોરીના બનાવને ભીનુ સંકેલવા આર.એસ.એસ.ભાજપના ટોચના આગેવાનોએ દોડધામ કરી મુકી હોવાનું પણ બહાર આવ્યુ છે. ભાવનગરના મોટામાથા ગણાતા અને આર.એસ.એસ.ના સહ કાર્યવાહ મનોજભાઈ વ્યાસનો પુત્ર તુષાર વ્યાસ કોપી કેસમાં પકડાતા જીલ્લાનાં રાજકારણમાં ઘેરા પ્રત્યાઘાતો ઉઠયા છે.
ભાવનગરની કૃષ્ણકુમાર યુનિવર્સીટીની ગઈકાલે એમ.કોમ.પાર્ટ-1 ની પરીક્ષાનું પેપર હતું. પેપર આપવા આવેલા આર.એસ.એસના સહ કાર્યવાહ મનોજ વ્યાસનો પુત્ર તુષાર વ્યાસ ઘેરથી જ પેપરની ઉતરવહી લખીને આવ્યો હતો.તુષાર વ્યાસ ઘેરથી ઉતરવહી લખીને આવ્યો હતો અને તે ઉતરવહી સાથે જ સુપરવાઈઝરે ભારે મકકમતા દાખવી તેને ઝડપી લીધો હતો અને કોપી કેસ દાખલ કરતાં ભાજપ-સંઘના ટોચના આગેવાનોમાં દોડધામ મચી ગઈ હતી. આ સમગ્ર પ્રકરણ ભીનુ સંકેલવા ધમપછાડા આદર્યા હતા.
ભાવનગરની કૃષ્ણકુમાર યુનિ.માં પરીક્ષામાં ભાજપ-સંઘને ચૂંટણી કરતાય વધુ પરીક્ષાનું ટેન્શન હોવાનું સમજાય છે. ચૂંટણી કારણમાં હરીફ પક્ષોને હંફાવવામાં માહિર ભાજપ-સંઘને યુનિ.ની પરીક્ષા દરમ્યાન પરસેવો વળી જાય તેવી સ્થિતિનો સામનો કરવો પડયો છે. આ અગાઉ ભાજપનાં પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીનો પુત્ર કોપી કેસમાં ઝડપાયા બાદ ઉભા થયેલા ઉહાપોહ બાદ અંતે જીતુ વાઘાણીએ પુત્રની પરીક્ષાથી વેગડા થઈ નિવેદન આપવાની ફરજ પડી હતી અને તમામ કાનુની કાર્યવાહી તેના પુત્ર સામે થાય તેવુ જણાવી અંદરખાનેથી પ્રકરણ દબાવવા પ્રયાસો કર્યા હતા. દરમ્યાન ભાવનગર આર.એસ.એસ.નાં સહ કાર્યવાહ મનોજભાઈ વ્યાસનો પુત્ર તુષાર વ્યાસ એમ.જે.કોમર્સ કોલેજમાં સુપરવીઝન કરવા માટે પણ નિયુકત થયો હતો અને કોલેજમાં જ ફરજ બજાવતો હોવાનું બહાર આવેલ છે. રેગ્યુલર લેવાતી પરીક્ષામાં પણ તેણે સુપરવીઝન કર્યું હોવાનું બહાર આવ્યું છે. વિઝીટીંગ ફેકલ્ટી હોવાના કારણે સપ્લીમેન્ટરી મેળવી લઈ ઘેરથી જ પ્રશ્ર્નપત્રના જવાબો લખી ઉતરવહીઓ લઈને કોલેજનાં પરીક્ષા કેન્દ્રમાં આવ્યો હતો. આ બનાવથી એક વાત એવી ફલીત થાય છે કે યુનિ.માં લાલીયાવાડી કંઈ હદે ચાલે છે ભાજપ પ્રદેશ પ્રમુખનાં પુત્ર બાદ સંઘના સહ કાર્યવાહનો પુત્ર કોપી કેસમાં ઝડપાતા જીલ્લાના રાજકારણમાં ભારે ચકચાર જાગી છે.


Advertisement