રાજકોટ શહેરમાં સૂર્યના ખતરનાક કિરણોનું આક્રમણ: ઈન્ડેકસ લાલચોળ!

25 April 2019 04:10 PM
Rajkot Gujarat
  • રાજકોટ શહેરમાં સૂર્યના ખતરનાક કિરણોનું આક્રમણ: ઈન્ડેકસ લાલચોળ!
  • રાજકોટ શહેરમાં સૂર્યના ખતરનાક કિરણોનું આક્રમણ: ઈન્ડેકસ લાલચોળ!

બપોરે જ રાજકોટમાં તાપમાનનો પારો 41ને પાર: ત્રિકોણબાગ, રેલ્વે સ્ટેશન, સોરઠીયા વાડી, પ્રદ્યુમન પાર્ક વિસ્તારોમાં ધગધગી ઉઠયા : મનપા સેન્સરમાં રહેલા 20 પૈકી 19 વિસ્તારમાં આંક જોખમી ‘8’ને પાર: ગોંડલ ચોકડી, ગ્રીનલેન્ડ, મોરબી રોડ, કોઠારીયા રોડ, અટીકા, દેવપરા, હોસ્પિટલ ચોકમાંથી પસાર થવું મુશ્કેલ: દાઝી જવાય એવી હાલત : પ્રદ્યુમન પાર્ક અને રેસકોર્ષ પણ ધગધગી ઉઠયા

Advertisement

રાજકોટ તા.25
રાજકોટ શહેરમાં બે દિવસથી ગરમીનો પારો ધગધગી ઉઠયો છે અને હવામાન વિભાગના રીપોર્ટ પરથી મહાપાલિકાએ ઓરેન્જ એલર્ટ જાહેર કયુર્ં છે ત્યારે આજે બપોરે તો તાપમાનની સાથે લોકોના શરીર પર સીધુ ધગધગતું અને જોખમી આક્રમણ કરતા સૂર્ય કિરણોનો આંક તમામ વિસ્તારમાં જોખમી લેવલ ‘8’ને વટાવી ગયો છે. આ અલ્ટ્રા વાયોલેટ ઈન્ડેકસ 0 થી 8 વચ્ચે જ હોવો જોઈએ, પરંતુ 20 પૈકી 19 વિસ્તારમાં આંક 8ને વટી અમુક જગ્યાએ તો 9 અને 10 વટાવી ગયો છે.
આજે બપોરે તાપમાનની દ્દષ્ટિએ જોતા રેલ્વે સ્ટેશન રોડ, મનપા કચેરી, ગ્રીનલેન્ડ, આજીડેમ, અટીકા, ડીલક્ષ, દેવપરા, જીલ્લા પંચાયત, કાલાવડ રોડ વિસ્તારો ધગધગી ઉઠયા છે. જેમાં બપોરે 1.43 કલાકે સૌથી વધુ તાપ રેલ્વે સ્ટેશન રોડ પર 41.68 ડીગ્રી નોંધાયું છે તો ઉપરોકત તમામ વિસ્તારમાં પણ તાપમાન 38 ઉપર હતું. ત્રિકોણબાગમાં આ પારો 40.51 નોંધાઈ ગયો છે.
હવે આજે અલ્ટ્રા વાયોલેટ ઈન્ડેકસે પણ ચાલુ ઉનાળાની સીઝનનો વિક્રમ તોડી નાખ્યો છે. 8ની નજીક કે તેની ઉપર આંક આવે એટલે લોકોને રસ્તા પર સૂર્ય નીચેથી પસાર થવું મુશ્કેલ બની જાય છે. ખાસ કરીને ચાલીને કે ટુ વ્હીલરમાં જતા લોકો રીતસર દાઝી જાય છે. રીક્ષા કે બસમાં જતા લોકોને પણ આ ખતરનાક તાપનો અનુભવ થઈ જાય છે. આજે બપોરે આવી જ હાલત હતી.
ગોંડલ રોડ ચોકડીએ સૌથી વધુ 10.01નો આંક નોંધાયો હતો. તો ગ્રીનલેન્ડ ચોકડીએ આ યુવી ઈન્ડેકસ 9.85, મોરબી રોડ પર 9.79, અટીકામાં 9.31, રેલ્વે સ્ટેશન રોડ પર 9.59, સોરઠીયાવાડીમાં 9.14, કોઠારીયામાં 9.15, દેવપરામાં 9.8 નોંધાયો હતો. એક માત્ર હરીયાળી વચ્ચેના રેસકોર્ષમાં આ આંક 7.99 હતો પરંતુ રેસકોર્ષમાં પણ આજે આગ ઝરતી હોવાનો અનુભવ લોકોએ કર્યો હતો. પ્રદ્યુમાન પાર્કમાં પણ આંક 8.1 હતો.
20 પૈકી માત્ર એક વિસ્તારમાં આંક 8 નીચે હતો તે સિવાય તમામ વિસ્તારમાં આજે જોખમ રહ્યું હતું. આથી લોકોને બપોરે બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે.


Advertisement