2017ની ધારાસભા ચૂંટણી સમયે ગુમાવેલી વિધાનસભા બેઠકોના આધારે પ્રચારનો વ્યુહ

15 April 2019 06:27 PM
Ahmedabad
  • 2017ની ધારાસભા ચૂંટણી સમયે ગુમાવેલી વિધાનસભા બેઠકોના આધારે પ્રચારનો વ્યુહ

નબળા પોકેટ પર મોદી-અમીત શાહ તથા રૂપાણી જેવા સ્ટાર પ્રચારકોને ભાજપે ઉતાર્યા : જુનાગઢમાં મોદીની સભા યોજાઈ ગઈ આજે અમીત શાહ કોડીનારમાં પ્રચાર કરી ગયા: વિજય રૂપાણી બે દિવસ સમગ્ર જીલ્લાને આવરી લેશે : મોદી હવે અમરેલી, સુરેન્દ્રનગર, આણંદ, સાબરકાંઠા અને હિંમતનગરમાં પ્રચાર કરશે: તમામ બેઠકોમાં કોંગ્રેસ સાથે જબરી સ્પર્ધાના સંકેત મળ્યા

Advertisement

રાજકોટ: આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપે તેના ‘નબળા પોકેટ’ પર ખાસ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી અમીત શાહ તથા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પક્ષના સ્ટાર પ્રચારકો વધુને વધુ રેલી-સભા આ બેઠકો પર યોજે તેવી સ્થિતિ બનાવી છે. વડાપ્રધાન શ્રી મોદીએ તેમના પ્રથમ તબકાના પ્રચારમાં સૌરાષ્ટ્રમાં જુનાગઢ અને દક્ષિણ ગુજરાતમાં બારડોલીના સોનગઢમાં સભા સંબોધવાનું પસંદ કર્યુ હતું અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી અમીત શાહ પણ આજે જુનાગઢ-લોકસભા બેઠક હેઠળ આવતી કોડીનાર ધારાસભા બેઠક પર પ્રચાર શરુ કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે અને આવતીકાલે બે દિવસ જુનાગઢ અને પોરબંદર લોકસભા બેઠક આવરી લે તેવી ધારણા છે. મોદી આ પછી હિમતનગર, અમરેલી, સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર પ્રચાર કરશે.
ધારાસભાની 2017ની ચૂંટણીમાં જુનાગઢ સંસદીય ક્ષેત્રમાં ભાજપે એકમાત્ર કેશોદ ધારાસભા જીતી હતી અને અહી કોંગ્રેસ તથા ભાજપના કોળી ઉમેદવારો વચ્ચે જંગ છે જેમાં કોંગ્રેસના વિમલ ચુડાસમા ને ખેડવવાનો ભાજપનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. આમ જુનાગઢમાં કોળી મતોમાં ભાગલા પડશે તો પાટીદારોમાં કોંગ્રેસ પક્ષે સૌરાષ્ટ્રમાં 2017ની જેમ પાટીદાર ફેકટર પર વધુ આધાર રાખીને વિજય મેળવ્યો હતો તે જ રીતે જુનાગઢ જીલ્લામાં પાટીદાર મતો કોંગ્રેસને મળશે તેવી આશા રાખે છે સાથે કોળી સમુદાયને બેલેન્સ કરવાનો પ્રયાસ કર્યો છે. કુંવરજીભાઈના ભાજપ ગમન બાદ હવે પુંજાભાઈ વંશ અને સોમા ગાંડા પટેલ કોંગ્રેસ માટે મુડી જેવા બની રહ્યા છે.
આવી જ રીતે અમરેલીમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી લડે છે તો તેની સામે ભાજપે આંતરિક વિખવાદ છતાં સીટીંગ સાંસદ નારણભાઈ કાછડીયાને ટિકીટ આપી છે. અહી 2017માં તમામ ધારાસભા બેઠકો કોંગ્રેસે જીતી હતી અને તેથી જ મોદીએ આ બેઠક પર પ્રચાર માટે આવવાનું પસંદ કર્યુ છે. આવી જ સ્થિતિ સુરેન્દ્રનગરમાં છે જેમાં પીઢ રાજકારણી અને કોંગ્રેસના ઉમેદવાર સોમા ગાંડા પટેલ સામે ભાજપના નવોદીત ડો. મહેન્દ્ર મુંજપરાનો છે. 2017માં સુરેન્દ્રનગર જીલ્લામાં ભાજપને મોટો ફટકો પડયો હતો તેના કારણે પક્ષ અહી સાવધ થઈ ગયો છે અને વડાપ્રધાન મોદીની સભા ફાળવી છે તો બીજી તરફ આણંદમાં કોંગ્રેસના હેવીવેઈટ નેતા ભરતસિંહ સોલંકી સામે ભાજપના યુવા નેતા મીતેશ પટેલ છે. આ વિસ્તારમાં ઓબીસીનું વજન છે અને ભરતસિંહ અગાઉ બે વખત સાંસદ રહી ચૂકયા છે. પરંતુ 2017માં અહી ભાજપને સારા પરિણામ મળ્યા ન હતા અને તેથી જ આ બેઠકમાં ભરતસિંહને હરાવવાનું મહત્વનું છે અને ભાજપે એડીચેટીનું જોર લગાવ્યું છે.
આણંદ લોકસભા બેઠકમાં 7 વિધાનસભામાંથી 5 કોંગ્રેસ પાસે છે અને ખુદ આણંદ સીટીની બેઠક કોંગ્રેસે જીતી છે અને આથી ભાજપ માટે ચિંતા હોય તે સ્વાભાવિક છે. સાબરકાંઠા લોકસભા બેઠકમાં ભાજપના આંતરીક વિખવાદ બાદ ભાજપે તેના સીટીંગ સાંસદ દીપસિંહ રાઠોડને ફરી ટીકીટ આપી છે અને તેની સામે કોંગ્રેસના મજબૂત રાજેન્દ્રસિંહ ઠાકોર મેદાનમાં છે. અહી મોદીની હીમતનગરમાં રેલી યોજાવાની છે. 2014માં દીપસિંહએ આ બેઠક 84 હજાર મતે શંકરસિંહ વાઘેલાને હરાવીને જીતી હતી અને તેથી જ મોદીને અહી પક્ષે ચૂંટણીમાં ઉતાર્યા છે. સાબરકાંઠાની ચાર ધારાસભા બેઠક કોંગ્રેસના કબ્જામાં છે. મોદીની અહી હિંમતનગરમાં રેલી થવાની છે. આમ ભાજપે તેના સ્ટાર પ્રચારકોને ટફ બેઠકમાં ઉતારીને જીતવાની બાજી બનાવી છે.


Advertisement