સુરેન્દ્રનગરમાં 25500 નળ કનેકશન ધારકો પાસે 8 કરોડનો વેરો વસુલવો બાકી

15 April 2019 03:43 PM
Surendaranagar

9.20 કરોડની સામે માત્ર 79.86 લાખની વેરા વસુલાત પાલિકાને મળી

Advertisement

(ફારૂક ચૌહાણ) વેરાવળ તા.15
સુરેન્દ્રનગર પાલિકામાં પાણી વેરાની કુલ બાકી રકમ રૂપિયા 8 કરોડને પાર થઇ ગઇ છે. જ્યારે વર્ષ 2018-19માં કુલ બાકી રકમ રૂપિયા 9.20 કરોડ હતી. જેની સામે શહેરના માત્ર 5730 લોકોએ જ પાણી વેરો ભરતા પાલિકાને રૂપિયા 79,86,000ની આવક થઇ હતી. એટલે કુલ બાકી રકમના 10 ટકા કરતા પણ ઓછી વસુલાત થઇ શકી હતી. ત્યારે આગામી સમયમાં પાલિકા દ્વારા બાકી રકમની વસુલાત માટે કડક કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. સુરેન્દ્રનગર પાલિકાના કુલ 11 વોર્ડમાં અંદાજે 1.80 લાખથી વધુ લોકો વસવાટ કરે છે. અને પાલિકાના ચોપડે રહેણાંક અને બિન રહેણાંક સહિત કુલ 31,230 નળ કનેક્શનો નોંધાયેલા છે.પાલિકા દ્વારા શહેરીજનોને પુરી પડાતી પાણીની સુવિધા સામે નક્કી કરેલો વેરો વસુલ કરવામાં આવે છે. જેમાં રહેણાંક મકાન માટે વાર્ષિક રૂપિયા 600 અને બિન રહેણાંક એટલે કે દુકાનો, હોટલો, શોપીંગ સેન્ટરો માટે રૂપિયા 1 હજાર વસુલવામાં આવે છે. પરંતુ શહેરીજનો વર્ષ દરમિયાન મળતી પાણીની સુવિધાની સામે નજીવી રકમનો વેરો ભરવામાં પણ ઉદાસીન હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે પાલિકામાં અગાઉના વર્ષોથી બાકી ખેંચાઇ આવતી રકમ સહિત નળ વેરા પેટેની કુલ બાકી રકમ રૂપિયા 9.20 કરોડ જેટલી હતી. જેની સામે વર્ષ 2018-19માં 5730 નળ કનેક્શન ધારકોએ જ વેરાની રકમ ભરી હતી. જેની કુલ આવક રૂપિયા 79.86 લાખ થતાં કુલ બાકી રકમના 10 ટકા કરતા પણ ઓછી વસુલાત થઇ હતી. અને વર્ષ 2018-19 બાદ પણ કુલ બાકી રકમ 8,40,14,000 ની વસુલાત બાકી રહે છે. ત્યારે આગામી સમયમાં બાકી રકમની વસુલાત માટે પાલિકા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવાના એંધાણ પણ વર્તાઇ રહ્યાં છે.


Advertisement