ઓર્ગેનીક ખેતીથી ઉત્પાદિત કરેલી વસ્તુઓનું વેચાણ કરી કિસાનોને સંદેશો આપતા આધુનિક ખેડૂત

15 April 2019 02:50 PM
Veraval
  • ઓર્ગેનીક ખેતીથી ઉત્પાદિત કરેલી વસ્તુઓનું
વેચાણ કરી કિસાનોને સંદેશો આપતા આધુનિક ખેડૂત

ગીર વિસ્તારના વીરડી ગામના યુવા ખેડૂતે ગાય આધારીત ખેતીની પઘ્ધતિ વિકસાવી : વેરાવળમાં વેચાણ

Advertisement

વેરાવળ તા.1પ
ગીર વિસ્તારના વીરડી ગામના યુવા ખેડૂતની પ્રેરક પહેલ હોય જેમાં ખેતીની સાથે સાથે પોતે જ વેપારી બની ગાય આઘારીત પ્રાકૃતીક અને ઓર્ગેનીક ખેતીની અનોખી પહેલ સાથે સાચા અર્થમાં ગૌરક્ષાનો સંદેશ આપી પ્રેરણાસ્ત્રોત બનેલ છે અને વેરાવળ શહેરમાં આવી આ ઓર્ગેનીક વસ્તુઓનું વેચાણ કરી રહેલ છે.
સાંપ્રત સમય માં જંતુ નાશક દવાઓ વાળા ખોરાક ને પગલે અનેક જીવલેણ રોગો વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહેલ છે ત્યારે જન આરોગ્યના હીતમાં અને સાચા અર્થની ગૌરક્ષા માટે ગીરના વીરડી ગામના એક યુવા ખેડૂત દ્વારા ઓર્ગેનીક ખેતી માટે હામ ભીડી છે. આટલું જ નહીં પોતે ખેડૂતની સાથે વેપારી પણ બની પોતાની ઓર્ગેનીક ખેતીની ઉપજ પોતે જ માર્કેટમાં વેચવા નીકળી પડયો છે અને અન્ય ખેડૂતોને નવી રાહ ચીંધેલ છે.
વેરાવળ શહેરની મઘ્યમાં આવેલ ઇન્ડીયન રેયોન કંપનીના મેઇન ગેઇટ પાસે માંડવો નાખી ઓર્ગેનીક ખેતીની જુદી-જુદી વસ્તુઓનો સ્ટોલ માંડી ને ઉભેલો આ યુવા ખેડૂત ગીર ના વીરડી ગામનો રહેવાસી હોય અને તેનું નામ ભાવસીંહ ડોડીયા હોવાનું તેમજ પોતે છેલ્લા ત્રણેક વર્ષ થી ગૈા આઘારીત ઓર્ગેનીક ખેતી તરફ વળ્યો હોવાનું જણાવેલ છે.
ઉત્સાહ અને જોમ થી ભરપુર યુવા ખેડૂત ભાવસીંહ ડોડીયા એ મીડીયા સાથેની વાતમાં જણાવેલ કે, હાલ ના સમયમાં શાકભાજી થી લઇ તમામ ખોરાકમાં રસાયણીક દવાઓથી પકાવવામાં આવી રહેલ છે અને આ રસાયણીક દવાવાળો ખોરાક માનવ જીવ માટે ગંભીર ખતરો ઉભો કરી રહેલ છે.
હાલમાં કેન્સર જેવા જીવલેણ રોગના કીસ્સા છાસવારે જોવા મળી રહેલ છે જેના મુળમાં રસાયણીક દવાઓ વાળો ખોરાક છે. દીન પ્રતીદીન માનવ જીવ રસાયણીક ખોરાક ના પગલે જીવલેણ રોગોના વમળમાં ફસાઇ રહયો છે ત્યારે જો આ સમસ્યાનો કોઇ ઉકેલ હોય તો તે માત્ર ને માત્ર ઓર્ગેનીક ખેતી છે કે જેમાં કોઇ જાત ની જંતુ નાશક દવાઓ કે ખાતરોના વપરાશ વગર ગાય માતાના ગૈામુત્ર અને ગોબરથી તદન શુઘ્ઘ અને દેશી ઉપજ લેવામાં આવે આ માટે દરેક ખેડૂતોએ આગળ આવવું પડશે.
ભાવસીંહ ડોડીયા એ જણાવેલ કે અત્યારે ગૈારક્ષાની મોટી-મોટી વાતો થાય છે પરંતુ આજે પણ અનેક ગાય માતા રસ્તે રઝળી છે ત્યારે જો ગાય આઘારીત પ્રાકૃતીક ખેતી તરફ દરેક ખેડૂત વળે તો સાચા અર્થ માં ગૈારક્ષા પણ સાર્થક થાય તેમ છે. અને પોતાની ગાય આઘારીત પ્રાકૃતીક અને ઓર્ગેનીક ખેતીનું લેબ ટેસ્ટીંગ પ્રમાણ પત્ર મેળવેલ છે તેમજ ખોરાક અને ઐાષઘન નિયમન વિભાગનું પ્રમાણપત્ર મેળવી ઘઉં, સીંગ, તેલ સહીતની ઉપજનું પેકીંગ કરી બજારમાં વેચાણ કરી રહેલ છે તેમાં પણ વિશેષતા છે પોતે ખેડુતની સાથે વેપારી પણ બનેલ છે પોતાની ઉપજ પોતે જ બજારમાં સીઘું વેચાણ કરવા કટીકબઘ્ઘ બન્યો છે અને પોતે શહેરી વિસ્તારોમાં સ્ટોલ નાખી પોતાની ઓર્ગેનીક ઉપજ નું વેચાણ અને માર્કેટીંગ કરી રહયો છે આ માટે ભાવસીંહ નું કહેવું છે કે પોતે સીંઘુ માર્કેટમાં વેચાણ કરી રહેલ છે જેનાથી વચેટીયાઓનું કમીશન અને માર્કેટીંગનો ખર્ચ નીકળી જાય છે જેથી તે ગ્રાહકો ને વ્યાજબી ભાવે તેની જુદી-જુદી પ્રોડકટ વેચી શકે છે જેથી ગ્રાહકો ને પણ ફાયદો થતો હોવાનું ભાવસીંહ ડોડીયા અંતમાં જણાવેલ હતું.
વેરાવળ શહેરમાં ઇન્ડીયન રેયોન કંપનીના મુખ્ય ગેઇટ પાસે સ્ટોલ નાખી ઓર્ગેનીક પ્રોડકટનું વેચાણ કરતાં ભાવસીંહ ડોડીયા ને લોકો નો પણ સારો પ્રતિસાદ મળી રહેલ છે અને લોકો આ યુવા ખેડૂત ભાવસિંહ ડોડીયા ની પ્રેરક પહેલ ને બીરદાવી રહેલ હોવાનું ગ્રાહક જીતેન્દ્રભાઇ વ્યાસે જણાવેલ હતું.


Advertisement