કેસો પાછા ખેંચાયા બાદ ‘પાસ’નું વિસર્જન થશે: હાર્દિક

15 April 2019 01:48 PM
Ahmedabad Gujarat
  • કેસો પાછા ખેંચાયા બાદ ‘પાસ’નું વિસર્જન થશે: હાર્દિક

10% આર્થિક અનામત મળતાં પાટીદાર અનામત આંદોલન સમીતીનું મુખ્ય ધ્યેય પુરુ થયાનો લડાયક નેતાનો દાવ:2015થી રાજયને હચમચાવી નાખનારા આંદોલનનું નેતૃત્વ લેનાર સંગઠન વિખેરાઈ ચૂકયું છે

Advertisement

અમદાવાદ તા.15
પાટીદાર સમાજ માટે અનામત આંદોલન ચલાવવા હાર્દિક પટેલ અને તેના ટેકેદારો દ્વારા રચવામાં આવેલી પાટીદાર અનામત આંદોલન સમીતી (પાસ) અને અંધારામાં ઓગળી ગઈ છે. 2015 ચાલુ વર્ષની શરુઆત સુધી પાસએ અનામત આંદોલનનું નેતૃત્વ કર્યુ હતું.
અમદાવાદમાં રાહુલ ગાંધીની હાજરીમાં ગત મહીને કોંગ્રેસમાં જોડાનારા હાર્દિકના જણાવ્યા મુજબ આંદોલનનો મુખ્ય હેતુ સિદ્ધ થઈ ચૂકયો છે. આંદોલન દરમિયાન પાટીદારો સામે નોંધાયેલા ફોજદારી કેસો પાછા ખેંચી લેવાય એ પછી સંગઠનનું વિસર્જન કરવામાં આવશે.
25 વર્ષના પટેલે એક અંગ્રેજીમાં અખબારને જણાવ્યું હતું કે પાસની મુખ્ય માંગણી સમુદાયને અનામત મળે તે હતી અને એ પુરી થઈ છે. દેશના તમામ આર્થિક પછાતોને અમારા આંદોલનના કારણે 10% અનામત મળી છે. પાટીદારો સામે થયેલા ફોજદારી કેસો પાછા ખેંચાય જાય એ પછી પાસનું વિસર્જન કરાશે.
લાલજી પટેલની આગેવાની હેઠળના સરદાર પટેલ ગ્રુપ (એલપીજી)એ જુલાઈ 2015માં મહેસાણાથી પાટીદાર આંદોલનનો પ્રારંભ કર્યો હતો. હાર્દિક એ વકતે ગ્રુપનો સક્રીય સભ્ય હતો. પરંતુ તેણે ટેકેદારો સાથે એ વર્ષના અંતમાં છેડો પાડી પાસની રચના કરી હતી.
જાહેર તખતે પાસનું વિઘટન ક્રમશ: થયું છે. પાસ હાલમાં કોઈ જાહેર કાર્યક્રમ આપી રહ્યું નથી. એક વખત હાર્દિક ઉપરાંત સમીતીમાં વરુણ પટેલ, કેતન પટેલ, ચિરાગ પયેલ, કિરીટ પટેલ, લલિત વસોયા અને રાજયના અન્ય ભાગોના પાટીદાર નેતાઓ હતા. સમય જતાં ઘણાં નેતાઓ પાસ સાથે છોડી જુદા જુદા રાજકીય પક્ષોમાં ગયા હતા. ચિરાગ પટેલ, કેતન પટેલ અને વરુણ પટેલ ભાજપમાં જોડાયા હતા, જયારે વસોયા અને કિરીટ પટેલ કોંગ્રેસમાં જોડાયા હતા. ગત મહીને હાર્દિકે પણ એ જ માર્ગ પસંદ કર્યો હતો.
જાણકારો માને છે કે લોકસભાની ચૂંટણી હાર્દિક માટે સીસ્ટમ ટેસ્ટ બની રહેનાર છે. હાર્દિક કોંગ્રેસને કેટલો ફાયદો કરાવી આપે છે તેના પર રાજકીય પંડિતોની નજર છે.
પાસના નેતા મનોજ પનારાના જણાવ્યા મુજબ સમીતીના 1000 સક્રીય કાર્યકરો છે. ગુજરાતમાં પાટીદાર નેતાઓ સામે 330 કેસો પેન્ડીંગ છે.


Advertisement