ધ તાશકંદ ફાઇલ્સ : દેશ દુ:ખી છે!

13 April 2019 12:18 PM
Entertainment
  • ધ તાશકંદ ફાઇલ્સ : દેશ દુ:ખી છે!

Advertisement

કેમ જોવી? : (ખૂબ ગંભીરતાપૂર્વક અને સભાનતાપૂર્વક કહી રહ્યો છું કે) દેશને પ્રેમ કરતાં હો તો!
કેમ ન જોવી? : આનું પણ કારણ જોઇએ છે,
ખરેખર!?
Image result for shastri-the-tashkent-files-1200
દર અઠવાડિયે સામાન્યત: રીવ્યુનાં અંતે ફિલ્મ જોવા જવી કે નહીં એ અંગેનો મારો મત પ્રગટ કરતો હોઉં છુ, પણ આજે શરૂઆતમાં જ કહીશ! પ્લીઝ, ડોન્ટ મિસ ધિસ. ભૂલથીયે ચૂકવા જેવી ફિલ્મ નથી આ! પોતાની લાક્ષણિક રમતિયાળ હરકતોથી વેગળી રહીને આજનો દિવસ સિનેમાં થોડી ગંભીર વાતો કરવા માંગે છે. 11 જાન્યુઆરી, 1966નાં રોજ એવું તે શું બન્યું કે તાશકંદ કરાર પર હસ્તાક્ષર કર્યાનાં ગણતરીનાં કલાકોની અંદર પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનું મૃત્યુ નિપજ્યું? વર્લ્ડ-વોર પછી રશિયા, બ્રિટન, અમેરિકા જેવા દેશો સમગ્ર દુનિયા પર મૂક આધિપત્ય જમાવવાની ફિરાકમાં હતાં! તો શું આ ઘટનાનો સીધો સંબંધ આ દેશોની ખૂફિયા સર્વિસ સાથે જોડાયેલો હતો? વંશવાદને પ્રાધાન્ય આપતી સરકારે 6 દાયકાઓ સુધી સત્તા પર રહીને દેશનો શો હાલ કર્યો છે, એ તો સૌ જાણે જ છે. પરંતુ ‘ધ તાશકંદ ફાઇલ્સ’માં તો એમનાં શરીરેથી કપડાં ઉતારી લેવાયા છે એમ કહી શકાય! સાવ ઉઘાડા પાડીને ‘એમની’ વરવી વાસ્તવિકતાનું નગ્ન સત્ય ઉજાગર કરી આપ્યું છે. જોકે, જરૂરી પણ હતું! ચૂંટણી પંચ દ્વારા નરેન્દ્ર મોદીની બાયોપિક પર તો રોક લગાવી દેવામાં આવી, પરંતુ ‘ધ તાશકંદ ફાઇલ્સ’ એમના નાક નીચેથી સરકીને થિયેટર સુધી પહોંચી ગઈ હોય એવું લાગ્યુ. આશ્ર્ચર્યની વાત તો એ છે કે, ફિલ્મ અંગે કોઇ હવા પેદા નથી થઈ. ન કોઇ પ્રમોશન કે ન ખાસ કોઇ ફિલ્મ-ક્રિટિકનાં રિવ્યુ સ્ટ્રેન્જ રાઇટ? જી બિલ્કુલ. સબ્જેક્ટ જ એવો છે કે વધારે હવા મળે તો અમુકતમુક લોકોને ફરી પાછા ઇટાલી જઈને વસવાનો વખત આવે!
એકીસાથે ઘણા કલાકારોએ ફિલ્મમાં પાત્રો ભજવ્યા હોવાથી આપણે સીધા એમના પોતાના નામથી જ સંબોધન શરૂ કરીશુ. ‘ઇન્ડિયા ટાઇમ્સ’ અખબારમાં પોલિટિકલ જર્નલિઝમ કરી રહેલી શ્ર્વેતા બાસુ પ્રસાદને તેનાં જન્મદિન પર એક અજાણ્યો કોલ આવે છે, જેમાં તેને લાલ બહાદુર શાસ્ત્રીનાં મૃત્યુ અંગેની શંકાસ્પદ વિગતો પૂરી પાડવામાં આવે છે. મુદ્દો મીડિયામાં ખૂબ ચગે છે. જેની જાંચ માટે પ્રાઇમ મિનિસ્ટર નસરૂદ્દીન શાહ અને વિપક્ષી નેતા મિથુન ચક્રવર્તી આઠ વ્યક્તિની કમિટી બનાવે છે, જેમાં શ્ર્વેતા બાસુ પ્રસાદ, પંકજ ત્રિપાઠી, મંદિરા બેદી, પલ્લવી જોશી, રાજેશ શર્મા, પ્રકાશ બેલાવડીનો સમાવેશ થાય છે. એક પછી એક સબૂતો રજૂ થતાં જાય છે. આનાકાની વધતી જાય છે, દલીલો ચરમસીમા પર પહોંચે છે, ચીસો પાડી-પાડીને પોતાની વાત સાચી સાબિત કરવાના ભરપૂર પ્રયત્નો કરવામાં આવે છે. અંતે, શું થશે? લાલ બહાદુર શાસ્ત્રીનાં મૃત્યુને ક્લાયમેક્સમાં કેવી રીતે રજૂ કરવામાં આવ્યું છે એ જોવા માટે તો થિયેટર સુધી લાંબુ થવું જ પડશે.
સત્ય ઘટનાની પ્રેરિત આ ફિલ્મને યથાર્થતાની લગોલગ રાખીને બનાવવામાં આવી છે. શું હતું લાલ બહાદુર શાસ્ત્રીનાં મૃત્યુ પાછળનું રહસ્ય? હાર્ટ-અટૈક કે પછી ખૂન? શા માટે એમનાં પાર્થિવ દેહને પોસ્ટ-મોર્ટમ માટે ન મોકલાયો? શા માટે બે અલગ-અલગ મેડિકલ રીપોર્ટ બનાવવામાં આવ્યા? કારસો, ષડયંત્ર કે કુદરતનો ખેલ? શું ખરેખર કોઇ સામાન્ય માણસ વડાપ્રધાન પદ સુધી પહોંચે એ ગાંધી પરિવારને ક્યારેય પચ્યુ નથી? (ચા બનાવનાર વ્યક્તિ વડાપ્રધાન બને એ વાતને તેઓ આજે પણ ક્યાં સહન કરી શક્યા છે!?) મોરારજી દેસાઈ સીનિયર હોવા છતાં શા માટે લાલ બહાદુર શાસ્ત્રીનાં મૃત્યુ પછી ઇન્દિરા ગાંધીને સત્તા પર બેસાડવામાં આવ્યા? ‘મિથ્રોકિન આર્કાઇવ’માં શા માટે ભારત દેશને ‘ફોર સેલ’ દર્શાવવામાં આવ્યો હતો? લાલ બહાદુર શાસ્ત્રીનાં મૃત્યુ બાદ 10 વર્ષની અંદર ભારતનું પતન શરૂ થઈ ગયું! શા માટે આપણા પાઠ્ય-પુસ્તકોનાં પાના અને ઇતિહાસનાં ચોપડેથી લાલ બહાદુર શાસ્ત્રીનું નામ ભૂંસવાનો પ્રયત્ન થયો? અફસોસ, આજનાં રીવ્યુમાં અંગત અભિપ્રાયોને બદલે ફક્ત પ્રશ્ર્નાનાર્થ ચિહ્નો મૂકીને આપની પાસેથી વિદાય લઈ રહ્યો છું. આશા છે, ફિલ્મ જોયા બાદ આપને આપના તમામ પ્રશ્નોના ઉત્તર મળી જ રહેશે! જતાં પહેલા, ફરી એકવાર આખરી વિનંતી. મહેરબાની કરીને આ ફિલ્મ ચૂકશો નહીં.
bhattparakh@yahoo.com

: ક્લાયમેક્સ :
વિવેક ઓબેરોય ભલે સાહેબ બનીને ન આવ્યા, પણ વિવેક અગ્નિહોત્રીએ દિગ્દર્શક તરીકે ‘ધ તાશકંદ ફાઇલ્સ’ થકી લાજ રાખી લીધી! બિન્ગો.

: સાંજસ્ટાર:
ચાર ચોકલેટ


Advertisement