કોઇ સમયે ગુજરાતના રાજકારણમાં ભૂકંપ લાવનાર અલ્પેશ, હાર્દિક, જિજ્ઞેશ ખોવાઇ ગયા!

12 April 2019 06:50 PM
Ahmedabad Gujarat
  • કોઇ સમયે ગુજરાતના રાજકારણમાં ભૂકંપ લાવનાર અલ્પેશ, હાર્દિક, જિજ્ઞેશ ખોવાઇ ગયા!

ચૂંટણી લડવાનું હાર્દિકનું સપનું કોર્ટે રોળ્યું, જિજ્ઞેશ હાલ કયાંય ચિત્રમાં નથી, અલ્પેશે કોંગ્રેસથી છેડો ફાડયો

Advertisement

અમદાવાદ તા.12
ગુજરાતના રાજકારણમાં એક સમયે ભૂકંપ લાવનાર હાર્દિક, અલ્પેશ અને જિજ્ઞેશની ત્રિપુટીનો આજકાલ કયાંય પત્તો નથી લાગી રહ્યો.
બહુ દૂરના ભૂતકાળની નહીં બસ 18 મહિના પહેલા જ 2017માં ગુજરાતમાં વાગી રહેલા વિધાનસભા ચૂંટણીના પડઘમની વાત કરીએ તો પણ ભાજપ કોંગ્રેસની સાથે જે ત્રણ નામ યાદ આવે તે અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણી છે. પંરતુ આજે ફરી ગુજરાત લોકસભા ચૂંટણીને લઈને મહત્વના ટર્નિંગ પોઇન્ટ પર આવીને ઉભું છે ત્યારે આ ત્રણેયનો કોઈ પત્તો લાગી રહ્યો નથી. વર્ષ 2015-16માં ત્રણેય યુવા નેતાઓએ વ્યક્તિગત રીતે રાજ્યના સત્તાધારી પક્ષ ભાજપને ચિંતા કરાવે તેવી સ્થિતિ પેદા કરી હતી અને તેનો લાભ કોંગ્રેસે 2017ની ચૂંટણીમાં ખૂબ લીધો. પાછાલા દોઢથી વધુ દાયકા પછી કોંગ્રેસ ગુજરાત વિધાનસભામાં મજબૂત આંકડા સાથે જગ્યા બનાવી શક્યું તો તે આ ત્રણને આભારી જ છે.પરંતુ, આજે કોંગ્રેસના આ ત્રણેય લડવૈયાઓ હાંસિયામાં ધકેલાઈ ગયા હોય તેવી સ્થિતિ છે. ભાગ્યે જ તેઓ કોઈ પ્રચારમાં જોવા મળી રહ્યા છે. તો તેમાંથી એક અલ્પેશ ઠાકોરે તો બરાબર ચૂંટણી ટાંકણે કોંગ્રેસનો હાથ જ મુકી દીધો છે. રાધનપુરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીતીને પોતાની રાજકીય કારકિર્દીની શરુઆત કરનાર અલ્પેશે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામુ આપી દીધુ છે. આ સાથે તેને જાહેર કર્યું છે કે તે હવે ફક્ત અહીંથી લડતા અપક્ષ ઠાકોર ઉમેદવાર માટે જ પ્રચાર કરશે. જ્યારે આ લોકસભા ચૂંટણીથી પોતાની રાજકીય કારકિર્દી રચવાના સપન જોતા હાર્દિકના સપનામાં ત્યારે પંક્ચર પડી ગયું જ્યારે ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ બંનેએ રાહત આપતી અરજીને ફગાવી દીધી હતી. આ જ રીતે કોંગ્રેસના ટેકા સાથે અપક્ષ ધારાસભ્ય તરીકે જીતેલ જીગ્નેશ મેવાણી પોતાને રાષ્ટ્રીય કક્ષાએ દલીત નેતા સાબિત કરવામાં લાગ્યા હોવાથી પ્રચારમાં ક્યાંય દેખાઈ રહ્યા નથી.
2015માં પાટીદાર અનામત આંદોલન અને ત્યારબાદ ફાટી નીકળેલા તોફાનોમાં 14 પાટીદાર યુવાનોના મૃત્યુ પછી પોલીસ ધરપકડના કારણે હાર્દિક ખૂબ લાઈમલાઇટમાં આવી ગયો હતો. રાજ્યના મતદારોમાં 12 ટકા જેટલો મહત્વનો ફાળો ધરાવતા પાટીદાર સમાજ વચ્ચે તે ખૂબ મોટા યુવા નેતા તરીકે છવાઈ ગયો હતો. જોકે પોતાના આંદોલનની શરુઆતથી જ રાજકરણમાં જોડાવાના ના-ના પાડતા પાડતા અંતે એકાદ મહિના પહેલા જ હાર્દિક કોંગ્રેસમાં જોડાઈ ગયો હતો.
આજ સમયગાળામાં રાજ્યના ઓબીસી સમાજમાં મોટી વસ્તી ધરાવતા ઠાકોર કોમ્યુનિટીમાંથી આગળ આવેલ અલ્પેશ ઠાકોરે પણ પાટીદારો ઓબીસી અનામતમાં ભાગ પડાવશેના ભય વચ્ચે ઓબીસી ક્વોટામાં આવતી જુદી જુદી જાતીઓને એક મંચ હેઠળ લાવવમાં સફળતા મેળવી હતી અને તેણે તમામ ઓબીસી સમાજના નેજા હેઠળ ઠાકોર સેનાની રચના કરી હતી. જેના દ્વારા અલ્પેશે દારુના ગેરકાયદે વેપાર વિરુદ્ધ સફળતા પૂર્વક રાજ્યવ્યાપી લડત ચલાવી હતી. ભાજપ અને કોંગ્રેસ બંનેમાં અલ્પેશ માટે ખુલ્લા દરવાજા હતા ત્યારે અલ્પેશે 2017ની ચૂંટણી સમયે કોંગ્રેસનો હાથ પકડ્યો હતો અને ચૂંટણીમાં રાધનપુર બેઠક પરથી 14000થી પણ વધુ મત સાથે જીત મેળવી હતી.
તો, હાર્દિક અને અલ્પેશના સામાજીક ફલક પર આવ્યાના થોડા સમય બાદ 2016માં થયેલા ઉનાકાંડને લઈને રાજ્યમાં દલીતોના આગેવાન તરીકે જીગ્નેશ મેવાણીએ પોતાનું કદ વધાર્યું હતું અને 2017માં કોંગ્રેસના પીઠબળથી વડગામ વિધાનસભા જીતીને રાજકીય કારકિર્દીની શરુઆત કરી હતી. જોકે હાલની સ્થિતિમાં કોંગ્રેસના આ ત્રણેય યુવા નેતાઓનો રાજકીય ફલક પર ગેરહાજરી ઉડીને આંખે વળગે છે.


Advertisement