કરજ વધી જતા કિસાનનો ઝેર ગટગટાવી આપઘાત

12 April 2019 06:23 PM
Jamnagar Woman

જોડીયાના લખતર ગામે ત્રણ દિવસ પૂર્વે વિષપાન કર્યુ હતું : સારવારમાં મોત

Advertisement

જામનગર તા.12:
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના લખતર ગામે એક આધેડ ખેડુતે દેવું વધી જવાના કારણે આપઘાત કરી લીધો હોવાનું પોલીસ દફતરે નોંધાયું છે.
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના લખતર ગામે રહેતા મનસુખભાઇ અમરશીભાઇ દલસાણીયા નામના 50 વર્ષની આધેડ વયના ખેડુતે ગત તા. 10 ના રોજ બપોરે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જયાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યું નિપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના ભાઇ જયેશ દલસાણીયાએ પોલીસમાં કરેલી જાહેરાત અનુસાર મૃતક મનસુખભાઇએ આર્થિક ભીંસના લીધે તેમજ સગા-સબંધી પાસેથી લીધેલ હાથ ઉછીની રકમ ભરપાઇ કરી શકશે નહીં તેવું લાગતા આ પગલું ભર્યું હતું. ગઇરાત્રે જાહેર થયેલી આ ફરિયાદ અંગે જોડિયાના એ.એસ.આઇ. એ.બી. ચાવડાએ વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિક લોકોમાં થતી ચર્ચા અનુસાર મરનાર મનસુખભાઇને ખેતીમાં કોઇ ખાસ તકલીફ આ વખતે હતી નહીં પરંતુ કોઇ કારણસર તેના ઉપર જુનું કરજ હોય તેનાથી કંટાળી જઇ આ પગલું ભર્યું હોઇ શકે.


Advertisement