ગુજરાતમાં કપાસનું ઉત્પાદન દસકામાં સૌથી ઓછું

12 April 2019 03:26 PM
Ahmedabad Gujarat
  • ગુજરાતમાં કપાસનું ઉત્પાદન દસકામાં સૌથી ઓછું
  • ગુજરાતમાં કપાસનું ઉત્પાદન દસકામાં સૌથી ઓછું

વાવેતર વિસ્તારમાં વધારા છતાં ઓછી ઉત્પાદકતાના કારણે 82.5 લાખ ગાંસડીનું ઉત્પાદન: ઓછો વરસાદ અને સીંચાઈના પાણીનો અભાવ કારણભૂત

Advertisement

અમદાવાદ તા.12
સામાન્ય કરતાં વધુ વિસ્તારમાં વાવેતર થયું હોવા છતાં ગુજરાતમાં કપાસનું ઉત્પાદન એક દસકામાં સૌથી ઓછું થશે. કપાસ પકવતા વિસ્તારોમાં ઓછો વરસાદ પડતા હેકટરદીઠ ઉત્પાદકતા ઘટવાના કારણે આમ બન્યું છે.
કોટન એસોસીએશન ઓફ ઈન્ડીયા (સીએઆઈ)ના છેલ્લા અંદાજ મુજબ ભારતમાં સૌથી વધુ કપાસ પકવતા ગુજરાતમાં 2018-19માં ઉત્પાદન 82.5 લાખ ગાંસડી થશે. (એક ગાંસડી 170 કિલો) થશે. 2017-18માં ઉત્પાદન 105 લાખ ગાંસડી હતું.
શહેર સ્થિત કોટનના વેપારી અરુણ દલાલના જણાવ્યા મુજબ આ વર્ષે કપાસનું ઉત્પાદન 2008 પછી સૌથી ઓછું રહેશે. બીટી કોટનને સામાન્ય રીતે વધુ પાણી જોઈએ છે. આ વખતે સીંચાઈનું પાણી પૂરતું ન મળતાં ઉત્પદકતાને ફટકો પડયો છે.
ગુજરાતમાં હેકટરદીઠ ઉત્પાદન 2018-19માં 532 કિલો જેટલું ઘટશે. આટલા વર્ષે હેકટરદીઠ 619 કિલો ઉત્પાદન થયું હતું.
અંદાજીત ઉત્પાદનમાંથી 61 લાખ ગાંસડીઓ બજારમાં આવી ગઈ છે.
રાજયના કૃષિ વિભાગના ડેટા મુજબ 2017-18માં કપાસનો વાવેતર વિસ્તાર 26.02 લાખ હેકટર હતો તે 2018-19માં વધી 27.12 લાખ હેકટર થયો છે. ગુજરાતમાં ઓછા ઉત્પાદનના કારણે દેશનું કુલ ઉત્પાદન પણ ઘટયું છે. આગલા વર્ષે દેશમાં 365 લાખ ગાંસડીના ઉત્પાદન સામે 2018-19માં 321 લાખ ગાંસડીનું ઉત્પાદન થયાનો અંદાજ છે.
સીએઆઈના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે કપાસના ઓછા ઉત્પાદન માટેનું મુખ્ય કારણ કેટલાક રાજયોમાં પાણીની અછત છે. વળી, ત્રીજા અને ચોથા ફાલની વાટ જોયા વગર ખેડુતોએ 70-80% વિસ્તારોમાંથી કપાસના છોડ કાઢી નાખ્યા હતા.
ઓછા ઉત્પાદનના અંદાજથી વર્ષભર કપાસના ભાવ ઉંચા રહ્યા હતા. બેંચમાર્ક શંકર 6 કપાસના ભાવ ઓકટોબરમાં મોસમની શરુઆતમા ખાંડીદીઠ (356 કિલો) 40000થી 42000 રહ્યા હતા. હવે ભાવ વધી રૂા.46500થી 47000 બોલાય છે. આમ એક મહિનામાં જ ખાંડીદીઠ ભાવ 3000 વધી ગયા છે.


Advertisement