આરોગ્ય ક્ષેત્રે ટોપ 10 રાજયોમાં ભાજપ શાસીત માત્ર બે, કોંગ્રેસના ત્રણ અને પ્રાદેશિક પક્ષોના પાંચ રાજયો

10 April 2019 03:47 PM
Health India
  • આરોગ્ય ક્ષેત્રે ટોપ 10 રાજયોમાં ભાજપ શાસીત માત્ર બે, કોંગ્રેસના ત્રણ અને પ્રાદેશિક પક્ષોના પાંચ રાજયો

બાળકોના કુંઠિત શારીરિક વિકાસ (સ્ટન્ટીંગ) મામલે મોદી, રાહુલ, સોનિયા સહીતના મતક્ષેત્રોનો ખરાબ દેખાવ : ભાજપ સરકાર આયુષ્યમાન ભારત માટે હકારાત્મક અસરોનો ઢંઢેરો પીટી રહી છે. રાહુલ ગાંધીએ પણ કોંગ્રેસ સતા પર આવે તો જાહેર આરોગ્ય માટે જીડીપીના 3% ખર્ચ કરવા વચન આપ્યું છે. બન્ને મુખ્ય રાજકીય પક્ષોએ યુનિવર્સલ હેલ્થ કેર માટે કામ કરવાનું જાહેર કરતાં પ્રથમ વખત ચૂંટણી ઈતિહાસમાં આરોગ્ય મુદાની ચર્ચા થઈ રહી છે

Advertisement

નવી દિલ્હી: માર્ચ 2019માં સરકારે ભારે વિલંબ કર્યા બાદ નેશનલ ઈન્ડીકેટર ફ્રેમવર્ક (એનઆઈએફ) તથા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (એસડીજી)નો હંગામી રિપોર્ટ જારી કર્યો હતો. 2030ની ડેડલાઈનમાં મહત્વાકાંક્ષી એલહીજી તરફથી પ્રગતિ 2015ના બેસલાઈન રિપોર્ટમાં દર્શાવેલા સૂચકાંકોના આધારે જાણી શકાશે.
આ કારણે 1થી16 સુધીના એસડીજી માટેના 306 આંકડાકીય સૂચકાંકો સહીત ભારતને સૌથી મોટું મોનીટરીંગ ફ્રેમવર્ક મળશે. આમાં આર્થિક વિકાસ, સામાજીક સમાવેશ અને પર્યાવરણ સંરક્ષણ જેવા વિષયો પણ આવરી લેવાયા છે.
નીતિ આયોગે જાહેર કરેલા એસડીજી બેસલાઈન રિપોર્ટમાં દેશમાં આરોગ્ય સેવાના વિકાસમાં અસમતોલ સ્વરૂપ પ્રકાશમાં આવ્યું છે. હેલ્થ એસડીજીમાં સારો દેખાવ કરનારામાં ભાજપ અને તેના સાથીઓ દ્વારા શાસીત બે રાજયોનો સમાવેશ થાય છે. ત્રણ કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષો દ્વારા અને પાંચ પ્રાદેશિક પક્ષો દ્વારા શાસીત રાજયો છે.
બીજી બાજુ, છેવાડાના-તળીયાના 10 રાજયોમાં ભાજપ-સહયોગી પક્ષો શાસીત 7, કોંગ્રેસ અને તેના સાથી પક્ષો દ્વારા શાસીત 1 રાજય અને બે કેન્દ્ર શાસીત પ્રદેશોનો સમાવેશ થાય છે.
ઉતરપ્રદેશ (ભાજપ પ્લસ), રાજસ્થાન (કોંગ્રેસ) અને બિહાર (ભાજપ પ્લસ) એ ખરાબ દેખાવ કર્યો છે. નાના રાજયોમાં મિઝોરમ (એમએનએફ) મણીપુર (ભાજપ) અને મેઘાલય (ભાજપ) એ શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા અને નાગાલેન્ડે ખરાબ દેખાવ કર્યો હતો.
હેલ્થ ઈન્ડેકસના જુદા જુદા પાસા રસપ્રદ રાજયકક્ષાની પેટર્ન સૂચવે છેં. કેરળ (ડાબેરી), પંજાબ (કોંગ્રેસ), તામીલનાડુ (એઆઈએડીએમકે) અને મહારાષ્ટ્ર (ભાજપ યુતિ) એ નેશનલ હેલ્થ પોલીસી (એનએચપી) 2017માં દર્શાવવામાં આવેલા 1000 બાળજન્મ સામે 16 શિશુનો મૃત્યુદર 2025 પહેલાં જ હાંસલ કરી લીધો છે. કેરળે 1000 જન્મ સામે 12 મૃત્યુનો 2030નો ટાર્ગેટ પુરો કરી દીધો છે.
આમ છતાં, ઓરિસ્સા (બીજુ જનતાદળ), મધ્યપ્રદેશ (કોંગ્રેસ), ઉતરપ્રદેશ (ભાજપ) રાજસ્થાન (કોંગ્રેસ) અને બિહાર (ભાજપ)માં હજુ પણ ઉંચો શિશુ મૃત્યુદર છે.
બિહાર (ભાજપ), મધ્યપ્રદેશ (કોંગ્રેસ, ઝારખંડ (ભાજપ), છતીસગઢ (કોંગ્રેસ) અને મણીપુર (ભાજપ)ના પ્રાથમીક આરોગ્યમય કેન્દ્રમાં ખાલી જગ્યાઓની સંખ્યા વધુ છે.
ડેટા દર્શાવે છે કે અરુણાચલ પ્રદેશ (ભાજપ), છતીસગઢ (કોંગ્રેસ), હરિયાણા (ભાજપ), આસામ (ભાજપ) અને નાગાલેન્ડ (ભાજપ સાથી પક્ષો) એ સમગ્રતયા નીચો સ્કોર કર્યો છે, પણ જન્મ નોંધણીમાં 100% સિદ્ધિ મેળવી છે.
ઈન્ડીયા સ્પેન્ડના અહેવાલ મુજબ જુદા જુદા પક્ષોના રાષ્ટ્રીય નેતાઓના મતક્ષેત્રોમાં જુદા જુદા પ્રકારનું કુપોષણ જોવા મળ્યું છે. સ્ટ્રન્ટિંગ (ઉંમરના પ્રમાણમાં ઓછી ઉંચાઈ, ઠીંગણા) બાબતમાં 10 નેતાઓના મતવિસ્તારમાંથી 8 ભાજપના છે. ગુલબર્ગ, અમેઠી, ગુના અને વારાણસી મતવિસ્તારનો દેખાવ ખરાબ રહ્યો છે.
ભારતમાં પહેલી જ વખત આરોગ્ય સંબંદી સમસ્યાઓ પહેલી જ વાર ચૂંટણીમાં મુદા બન્યા છે. એનડીએ સરકારે આયુષ્યમાન ભારતની રચનાત્મક અસરોનો આક્રમક પ્રચાર કર્યો છે, તો રાહુલ ગાંધીએ તેમનો પક્ષ સતા પર આવે તો ભારતમાં તમામને યોગ્ય તબીબી સારવાર મળી રહે એ માટે જીડીપીના 3% આરોગ્ય માટે વાપરવા જાહેરાત કરી છે. બન્ને રાષ્ટ્રીય પક્ષોએ સાર્વત્રિક આરોગ્ય સેવા માટે કામ કરવા અને નાણાકીય સંસાધનો પુરા પાડવા સંકલ્પ જાહેર કરતાં એ સંકલ્પ વાસ્તવિકતામાં પલ્ટાવાની તક મળી છે. હવે આરોગ્ય સંબંધી માહિતી હાથવગી થતાં સ્કીમના અમલ, તેની અસરો જાણવા અને સરકારની ખબર લેવામાં મદદ મળશે. અલબત, ભારતમાં હેલ્થ ઈન્કોર્પોરેશન સીસ્ટમની ગુણવતા, વિશ્ર્વસનીયતા જોઈએ તેમ નથી.


Advertisement