પરિવાર વાદની મોનોપોલી માત્ર કોંગ્રેસમાં નહીં: દરેક રાજકીય પક્ષોમાં વંશવાદની બોલબાલા

08 April 2019 01:16 PM
India Politics
  • પરિવાર વાદની મોનોપોલી માત્ર કોંગ્રેસમાં નહીં: દરેક રાજકીય પક્ષોમાં વંશવાદની બોલબાલા

બસપા, જદયુ જેવા અપવાદોને બાદ કરતા મોટાભાગના પ્રાદેશિક પક્ષોમાં ભાઈ-ભત્રીજા વાદનો દબદબો: રસપ્રદ તથ્ય એ છે કે આવા વારસાગત ઉમેદવારોની સંભાવના અન્યોની સામે વધારે હોય છે

Advertisement

નવીદિલ્હી તા.8
કોંગ્રેસ સામે વિપક્ષો પરિવાર વાદનો, વંશવાદનો આક્ષેપ કરે છે પણ હકીકત એ છે કે આપણા દેશમાં અપવાદને બાદ કરતા દરેક રાજકીય પક્ષોમાં પારિવારિક વંશવાદ- વારસાનો દબદબો રહ્યો જ છે. વંશવાદને લઈને ચૂંટણીમાં ભલે અનેક આરોપ-પ્રત્યારોપ લગાવવામાં આવે પણ સચ્ચાઈ એ છે કે પારિવારિક વારસા દ્વારા રાજનીતિમાં આવનારાઓની સંખ્યા દરેક પક્ષોમાં છે. રસપ્રદ તથ્ય એ છે કે આવા ઉમેદવારોની જીતની સંભાવના પણ અન્ય ઉમેદવારોની તુલનામાં ઘણી હોય છે. એક રિપોર્ટમાં છેલ્લા 20 વર્ષનો હવાલો આપતા જણાવાયું છે કે દેશનો મુખ્ય રાજનીતિક પક્ષ હોય કે ક્ષેત્રીય પક્ષ દરેક જગ્યાએ વંશવાદ આગળ વધતા નેતાઓની ફોજનો દબદબો છે.
રિપોર્ટ મુજબ 1999થી અત્યાર સુધી કોંગ્રેસમાંથી લગભગ 36 સાંસદો એવા ચૂંટાયા છે, જેમના પરિવારના લોકો અગાઉ ચૂંટાયા હતા. આ જ રીતે ભાજપમાં આ સમયમાં 31 સાંસદો પારિવારિક વારસાની સાથે મેદાનમાં ઉતરેલા અને તેમને જીત હાંસલ થઈ હતી. વર્ષ 2009માં કોંગ્રેસ અને ભાજપ બન્નેમાં લગભગ સમાન સંખ્યામાં એવા સાંસદો ચૂંટાઈને આવ્યા જેમને રાજનીતિ વારસામાં મળી હતી. પ્રાદેશિક પક્ષોમાં બહુજન સમાજ પાર્ટી, જદયુને બાદ કરતા મોટાભાગના પ્રાદેશિક પ્રભુત્વવાળા પક્ષોમાં ટિકિટ વિતરણમાં ભાઈ-ભતીજા વાદનો જ દબદબો રહ્યો છે. ગત ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીમાં લગભગ 14 ટકા, લોકજન શકિત પાર્ટીમાં લગભગ 33 ટકા, બીજુ જનતા દળમાં 22 ટકા નજીકના લોકોને ટીકીટ અપાઈ હતી. આ વખતે પણ આ બાબતથી રાજકીય પક્ષોએ કોઈ પરહેજ નથી કયુર્ં. જોકે આના માટે એવો તર્ક કરવામાં આવે છે કે એવા ઉમેદવારોને ટીકીટ અપાઈ છક્ષે જે રાજનીતિમાં લાંબા સમયથી છે અને તે જીતવાની ક્ષમતા રાખે છે. જાણકારોનું કહેવું છે કે જીતવાની ક્ષમતાને કારણે જ ભાઈ ભતીજાવાદ કે વંશવાદનો આરોપ ચૂંટણીમાં ગૌણ થઈ જાય છે. વર્ષ 2018ના અભ્યાસ અનુસાર જો કોઈ ઘરમાં પિતા રાજનીતિમાં છે તો તેના પારિવારિક વારસની રાજનીતિમાં આવવાની સંભાવના સો ટકા રહે છે.

વંશવાદી રાજકારણમાં ઉત્તરપ્રદેશ અને બિહાર મોખરે
અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ 1952થી લઈને અત્યાર સુધીમાં સૌથી વધુ વંશવાદી ઉમેદવાર દેશના સૌથી મોટા રાજય ઉત્તર પ્રદેશમાંથી ચૂંટાઈને આવ્યા છે. આ મામલે બિહાર પણ વધારે પાછળ નથી. જાણકારો આ બાબતે આ રાજયોમાં જાતિવાદી રાજનીતિનો પ્રભાવ પણ જણાવે છે. જેમાં જાતીય ક્ષત્રપ પોતાના પરિવારોને વધારે મહત્વ આપે છે અને લોકોની વચ્ચે આવા પરિવારોનો ખાસ પ્રભાવ હોય છે.


Advertisement