આવકવેરા મુક્તિ મર્યાદા વધારાતા ઈન્કમટેકસે 2500 કેસ પાછા ખેંચ્યા

26 March 2019 02:16 PM
Ahmedabad Gujarat
  • આવકવેરા મુક્તિ મર્યાદા વધારાતા
ઈન્કમટેકસે 2500 કેસ પાછા ખેંચ્યા

ગુજરાતના કાનૂની વિવાદમાં અટવાયેલા કરદાતાઓને રાહત

Advertisement

અમદાવાદ તા.26
કેન્દ્ર સરકારના વચગાળાના બજેટમાં આવકવેરા મુક્તિ મર્યાદામાં વધારો કરી દેવામાં આવ્યો હતો જેને પગલે ગુજરાત ઈન્કમટેકસે 2500 જેટલા વિવાદીત કેસો પાછા ખેંચી લીધા છે.
કેન્દ્ર સરકારના વચગાળાના બજેટમાં આવકવેરા મુક્તિ મર્યાદા પાંચ લાખ કરવાની ઘોષણા કરવામાં આવી હતી. આ પગલાથી એપલેટ ટ્રીબ્યુનલ કે હાઈકોર્ટ જેવા જુદા-જુદા સ્તરોએ વિવાદીત-કાનૂની કેસોમાં પણ અસર થાય છે. કરચોરી, ચડત વેરો નહીં ચુકવવા જેવા ગુજરાતના 2500 જેટલા કેસો પાછા ખેંચી લેવામાં આવ્યા છે.
આવકવેરા ખાતાના એક સીનીયર અધિકારીએ જણાવ્યું હતું કે સૌથી નીચા ટેકસ સ્લેબમાં આવતા કરદાતાઓના આવા અંદાજીત 2500 કેસો પાછા ખેંચી લેવામાં આવ્યા છે.
આવકવેરા ખાતા દ્વારા યોજાયેલા ઓપન હાઉસમાં મોટી સંખ્યામાં કરદાતાઓ ઉમટયા હતા. મોટાભાગની ફરિયાદો ટીડીએસ તફાવત, રીટર્નમાં ક્ષતિને લગતી હતી. એક નિવૃત શિક્ષકના કપાયેલા ટેકસ અને ઈન્કમટેકસ વિભાગના રેકોર્ડમાં રકમમાં તફાવત હતો.
અન્ય એક કરદાતાએ બળજબરીપૂર્વક બેંક ખાતુ સ્થગીત કર્યુ હોવાની ફરિયાદ કરી હતી.
ઈન્કમટેકસ અધિકારીઓના કહેવા પ્રમાણે સીએ કે વકીલો નહીં રાખી શકતા નાના કરદાતાઓની સમસ્યા-ફરિયાદોનો નિકાલ કરવા માટે ઓપન હાઉસનો માર્ગ અપનાવવામાં આવ્યો છે.


Advertisement