ગુજરાતી રંગભૂમિનો આંખો આંજી દેનારો ‘ફલેશ’ બેક!

26 March 2019 02:09 PM
Gujarat
  • ગુજરાતી રંગભૂમિનો આંખો આંજી દેનારો ‘ફલેશ’ બેક!
  • ગુજરાતી રંગભૂમિનો આંખો આંજી દેનારો ‘ફલેશ’ બેક!
  • ગુજરાતી રંગભૂમિનો આંખો આંજી દેનારો ‘ફલેશ’ બેક!
  • ગુજરાતી રંગભૂમિનો આંખો આંજી દેનારો ‘ફલેશ’ બેક!
  • ગુજરાતી રંગભૂમિનો આંખો આંજી દેનારો ‘ફલેશ’ બેક!
  • ગુજરાતી રંગભૂમિનો આંખો આંજી દેનારો ‘ફલેશ’ બેક!

27મી માર્ચે વિશ્ર્વ રંગભૂમિ દિન નિમિતે ગુજરાતની ભવ્ય રંગભૂમિના ઇતિહાસની ઝાંખી :આજે મનોરંજનના ઢગલાબંધ વિકલ્પના યુગમાં નાટકે પોતાનું અસ્તિત્વ બરકરાર રાખ્યું છે, આ ભવ્ય ઇમારતના પાયા પણ એટલા જ મજબૂત છે, એ જમાનામાં નાટકોના હજારો શો થતા, રાજાથી માંડીને રંક સુધીના લોકો નાટકોથી પ્રભાવીત હતા, ‘રાજા ભરથરી’ નાટક જોઇને કેટલાય લોકોએ સંસારની મોહમાયા છોડીને વૈરાગ્યનો પંથ પકડેલો! એ જમાનામાં સ્ત્રીઓને નાટક જોવાની મનાઇ હતી! સમય જતા સ્ત્રીઓ માટે બપોરે 12 વાગ્યે અલગ શો રખાતો જે મેટીની શો કહેવાતો!

Advertisement

રાજકોટ તા.26
આજે આંગળીના ટેરવે મોબાઇલની સ્ક્રીન પર મનોરંજનના અનેક વિકલ્પો છે પણ એક સમય એવો હતો જયારે રંગભૂમિ પર ભજવાતું નાટક લોકોના મનોરંજનનો વિકલ્પ હતો, અલબત એ સિવાય પણ અનેક પારંપરીક લોક માઘ્યમો લોકોનું મનોરંજન કરતા હતા પણ આ બધા નાટકમાં અનોખું હતું. આપણે ત્યાં નાટય પરંપરા સેંકડો નહી બલકે હજારો વર્ષથી ચાલી આવી છે. આપણા ચાર વેદો છે તેમાં નાટકને પાંચમાં વેદનું સન્માન મળ્યું છે.
રસપ્રદ બાબત એ છે કે આજના ડીજીટલ યુગમાં નાટકનું સ્થાન બરકરાર છે. આજે પણ અનેક ભાષાઓમાં નાટકો લખાય છે, ભજવાય છે. લોકપ્રિય અને કલાસીક એમ બંને પ્રકારના નાટકોને પોતાનું આગવું ઓડીયન્સ છે. આજે એટલી ગુજરાતી ફિલ્મો નથી જોવાતી જેટલા નાટકો જોવાય છે. આમા કોઇને અતિશયોકિત લાગે પણ આજના ડીજીટલ યુગમાં નાટકે પોતાનું અસ્તિત્વ જાળવી રાખ્યું છે એટલું જ નહીં, પણ નવા રંગ રૂપ ધારણ કર્યા છે. આજના યુગમાં મનોરંજનના વિકલ્પો વઘ્યા છે એક જમાનામાં સિનેમાની શોધ થઇ ત્યારે કેટલાકને લાગ્યું હતું કે નાટકનો અંત આવી જશે પણ આવુ કંઇ ન થયું બલકે શ્રેષ્ઠ કે હિટ નાટકો ફિલ્મનો વિષય બન્યા. આજે ટીવી ચેનલો, મોબાઇલ ટીવી સીરીઝો, વેબ સીરીઝો અને સોશ્યલ મીડિયાના જમાનામાં જીવતી આજની નવી પેઢીને રંગભૂમિના ભવ્ય ભૂતકાળની ઝાંખી કરાવી છે. ત્યારે આટલી હદે પ્રસાર કે પ્રચાર માઘ્યમો નહોતા તેમ છતાં હજારો લોકોના મનમાં નાટકો રાજ કરતા હતા.
ગુજરાતી રંગભૂમિનો ઇતિહાસ 166 વર્ષથી વધારે વર્ષનો છે. એ જમાનાના નાટકોમાં ખાસ નાવીન્ય નહોતું. પૌરાણિક ઐતિહાસીક તો કોઇક સંજોગોમાં સામાજીક નાટકોનું વિષય વસ્તુ રહેતું. આ નાટકોના એક હજારથી પણ વધારે પ્રયોગો થતા ગામે ગામથી ગાડામાં બેસીને લોકો નાટક જોવા ઉમટી પડતા હતા. સામાન્ય વર્ગથી માંડીને ધનપતિઓ અને રાજા મહારાજાઓ પણ નાટકોથી અભિભૂત હતા.
રાજકોટના નાટય કર્મી સ્વ.નિર્ભયભાઇ ભટ્ટે આ લેખનારને કેટલાક દાયકા પહેલા જૂની રંગભૂમિના ભવ્ય ઇતિહાસની ઝાંખી કરાવતા જણાવ્યું હતું કે જૂની રંગભૂમિના નાટકોની લોકપ્રિયતા એટલે સુધી હતી કે આજના ફિલ્મ ગીતોની જેમ આ નાટકોના ગીતો લોકમુખે રમતા હતા. એ જમાનામાં જાહેર કાર્યક્રમોમાં કે મહેફીલોમાં રાજા ભરથરી સૌ ભાગ્ય સુંદરી વગેરે નાટકોના લોકપ્રિય ગીતો ગવાતા હતા. તો નવરાત્રીમાં બહેનો ડાહ્યાભાઇ ધોળશાજીના નાટકોના ગરબાઓ ગાતી હતી. તેમ રસકવી રઘુનાથ બ્રહ્મભટ્ટે એક સ્મરણમાં નોંધે છે. એવુ નથી કે ત્યારે બધુ સારૂ જ હતું. જૂની રંગભૂમિના કેટલાક નાટકોમાં બેંતબાજી અને કુત્રિમતાજીસ પણ જોવા મળતી તો કયારેક તેમાં અશ્ર્લીલતા પણ જોવા મળતી. ગુજરાતી રંગભૂમિમાં આજે પણ આ પરંપરા જળવાઇ રહી છે! દ્વિઅર્થી કોમેડી નાટકો આજે પણ જોવાય છે અને હીટ જાય છે! એ જમાનામાં પારસી નાટક મંડળીઓના આવા નાટકો સામે ગુજરાતી રંગકર્મી રણછોડદાસ ઉદયરામને આવા ચીપ નાટકો ન ગમ્યા. પારસી નાટક મંડળીઓ સામે તેમણે કંઇક સ્વચ્છ કહી શકાય તેવુ ઓલ ટાઇમ (એ જમાનામાં) લોકપ્રિય કથા વસ્તુ ધરાવતું નાટક હરિશ્ચંદ્ર લખ્યું એ જમાનામાં આ નાટકના એક હજાર શો થયા હતા અને એ જમાનામાં આ નાટક ભજવનાર માલિક 18 હજાર રૂપિયા (જેની આજના જમાનામાં લાખો કરોડો રૂપિયા ગણતરી થાય!) કમાયા હતા.
આ નાટક સાથે રસપ્રદ બાબત એ સંકળાયેલી છે કે આ નાટકથી સ્ત્રીઓ નાટક જોતી થઇ હતી! જીહા એે પહેલા સ્ત્રીઓને નાટક જોવાની છૂટ નહોતી! તેમ સ્વ.નિર્ભયભાઇ ભટ્ટે જણાવ્યું હતું. નિર્ભયભાઇએ વધુ એક રસપ્રદ માહિતી આપતા જણાવ્યું હતું કે મુંબઇમાં કુટુંબ સાથે લોકો આ નાટક જોવા આવતા જેમાં સ્ત્રીઓ માટે બપોરે 12 વાગ્યે અલગ મેટીની શો એટલે કે સ્ત્રીઓ માટેનો શો રાખવામાં આવતો. આજે પરિસ્થિતિ એ છે કે આપણે બપોરના 12 કે 1 વાગ્યાના ફિલ્મના શોને મેટીની શો તરીકે ઓળખીએ છીએ!
એક નાટકની શું અસર થાય? આજે ફિલ્મો કે ટીવી સીરીયલો લોકોને અવળા માર્ગે કયારેક દોરતી હોય છે. ત્યારે જૂની રંગભૂમિના યુગમાં મોરબીના વાઘજી આસારામ અને મૂળજી ખાસારામના નાટક જોઇને કેટલાય લોકો સંસાર છોડીને વૈરાગ્યનો પંથ પકડી લીધાના દાખલા છે. અત્રે માત્ર જૂની રંગભૂમિની ઝાંખી કરાવી છે. જૂની રંગભૂમિનો ઇતિહાસ ભવ્ય છે.
રાજકોટની જૂની રંગભૂમિના સ્મરણો વાગોળે છે નાટયકર્મી દંપતિ ભરત યાજ્ઞિક-રેણુ યાજ્ઞિક
એ જમાનામાં રાજકોટના નાટક રસિયાઓ ખાડો ગાળેલા ‘ઓડીટોરીયમ’માં બેસી નાટક જોતા!
રાજકોટમાં નાટક ભજવવા પૃથ્વીરાજ કપુર અવાર-નવાર આવતા
રાજકોટ તા.26
રાજકોટનો રંગભૂમિ સાથે જૂનો નાતો છે. રાજકોટની ભૂમિએ અનેક રંગમંચ સંસ્થાઓ નાટયકર્મીઓ આપ્યા છે. રાજકોટની જૂની રંગભૂમિની ઝાંખી કરીએ તો આ બારામાં રાજકોટના વરિષ્ઠ નાટયકર્મી ભરતભાઇ યાજ્ઞિક જણાવે છે જૂની ધંધાદારી મંડળીઓના નાટકો રાજકોટના કેવડાવાડી તથા લાતી પ્લોટ વિસ્તારના ડેલાઓમાં અને સાંગણવા ચોકના લક્ષ્મી ભુષણ (જે બાદમાં શ્રી રાજ ટોકીઝ બન્યું અત્યારે એ પણ બંધ છે) તથા કરણપરામાં બાઇ સાહેબ બા ક્ધયા શાળા પાસેના નૂતન થિયેટર (જે બાદમાં રાજશ્રી ટોકીઝ બન્યું જે હાલ નવા રંગરૂપ સાથે સક્રિય છે)માં નાટકો ભજવાતા હતા.
ભરત યાજ્ઞિક વધુમાં જણાવે છે કે દેશના વિભાજન બાદ પછી અલગ નવા સૌરાષ્ટ્ર રાજયની સ્થાપ્ના થઇ આ સાથે જ નવી રંગભૂમિના ઉદયરૂપે 1947માં રાજકોટમાં પ્રથમ નાટય સંસ્થા સૌરાષ્ટ્ર કલા કેન્દ્રની સ્થાપના થઇ (આ જગ્યા હાલ સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટી તરીકે વસાહત થઇ ગઇ છે) હતી. જેમાં પ્રથમ નાટક આઇએનટીનું ડિસ્કવરી ઓફ ઇન્ડિયા (જે નહેરૂના આ જ ટાઇટલ ધરાવતા પુસ્તક આધારીત હતું) રજૂ થયુ: હતું. આ સંસ્થામાં સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં છેલ્લુ નાટક વહુએ વગોવ્યા મોટાખોરડા રજૂ થયેલું. સૌરાષ્ટ્ર કલા કેન્દ્રનું આયુષ્ય લગભગ 15 વર્ષ રહ્યું તેમ ભરતભાઇ જણાવે છે.
રાજકોટના રંગકર્મીઓમાં દામુ સાંગાણીનું અનોખું સ્થાન હતું. તેમના હાસ્ય નાટકો ખૂબ ભજવાતા. જૂની પેઢીમાં રાજકોટમાં રામજીભાઇ વાણિયા, હાસ્ય અભિનેતા રમેશ મહેતાનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. રાજકોટમાં ફિલ્મ અને રંગભૂમિના મહારથી પૃથ્વીરાજ કપૂરે પણ અનેક નાટકો ભજવ્યા છે તેમ ભરત યાજ્ઞીક જણાવે છે. રાજકોટમાં મોચી બજાર પાસે શ્રી કૃષ્ણ ટોકીઝ પૃથ્વીરાજ કપૂર ભાડે લેતા અને તેમાં નાટકને અનુરૂપ ફેરફાર કરાવતા હાલ આ શ્રી કૃષ્ણ ટોકીઝનું અસ્તિત્વ નથી, કેટલાકદાયકાઓ પહેલા તેમાં ફિલ્મો રજૂ થતી હતી.
નવી પેઢીએ માનવા તૈયાર નહીં થાય કે રાજકોટમાં નાટકો જોવા માટે લોકો ખાડામાં બેસતા હતા! રેણુબેન યાજ્ઞિક આ દિવસોને યાદ કરતા જણાવે છે કે ગુંદાવાડી કેવડાવાડી, લાતી પ્લોટ વિસ્તારમાં ઓડિયન્સ માટે ખાડા તૈયાર કરવામાં આવતા હતા અને તેમાં બેસીને લોકો નાટક જોતા હતા.
રાજકોટમાં ભરત યાજ્ઞિકની સંસ્થા કલા નિકેતન સંસ્થાએ તુગલક જેવા કલાસીક દરજ્જાના અનેક નાટકો આવ્યા છે. ગુજરાતી ફિલ્મોના સુવર્ણદાયકામાં પોતાની ઓળખ ઉભી કરનાર સ્વ.સુરેશ રાવલના શિવમ થિયેટર્સ પણ પત્તાની જોડ જેવા અનેક નાટકો આવ્યા છે. સ્વ.હરસુખ કીકાણી જેવા કલાકારો તો તેમના જમાનામાં નલિની જયવંત સાથે ગુજરાતી ફિલ્મ વારસદારમાં ચમકી ચૂકયા હતા. રાજકોટની જૂની રંગભૂમિતેની સંસ્થાઓ, કલાકારોની યાદી ખૂબ મોટી છે સ્થળ સંકોચના કારણે વધુ ચર્ચા નથી કરી શકતો.


Advertisement