ગુજરાતમાં મતદાનની ટકાવારી ભાગ્ય પલટાવનારી: લોકો કચકચાવી મત આપે ત્યારે ભાજપને ફાયદો

26 March 2019 01:06 PM
Gujarat
  • ગુજરાતમાં મતદાનની ટકાવારી ભાગ્ય પલટાવનારી: લોકો કચકચાવી મત આપે ત્યારે ભાજપને ફાયદો

1998 પછી એકમાત્ર અપવાદને બાદ કરતાં આ ટ્રેન્ડ જળવાઈ રહ્યો છે:ગુજરાતની ટકાવારી કરતાં સૌરાષ્ટ્રમાં મતદાન ઓછું, દ. ગુજરાતમાં વધુ

Advertisement

અમદાવાદ તા.26
છેલ્લી પાંચ સામાન્ય ચૂંટણીમાં માત્ર મતદાનની ટકાવારી ધ્યાનમાં લઈએ તો મતદાનની ટકાવારી જયારે વધુ હોય ત્યારે ભાજપને વધુ સીટો મળે છે.
1999ની લોકસભાની ચૂંટણીને બાદ કરતાં 1998થી આવો ટ્રેન્ડ જળવાઈ રહ્યો છે. 1999માં પણ ઓછા મતદાન છતાં ભાજપને કોંગ્રેસ કરતાં વધુ બેઠકો મળી હતી.
2004 અને 2009માં મતદાન 45% થી 48% વચ્ચે હતું ત્યારે કોંગ્રેસ અને ભાજપ લગોલગ રહ્યા હતા. 2004માં ભાજપને 14 અને કોંગ્રેસને 12 બેઠકો મળી હતી. 2009માં ભાજપને 15 અને કોંગ્રેસને 11 બેઠકો મળી હતી.
મતદાનની ટકાવારી ઉંચી રહે ત્યારે ભાજપને ફાયદો થયો છે. 2014ની ચૂંટણીમાં 63.66% મતદાન થયું હતું અને એમાં ભાજપએ સપાટો બોલાવી વધુ 26 બેઠકો કબ્જે કરી હતી.
તેવી જ રીતે, 1998ની સામાન્ય ચૂંટણીમાં 59.31 મતદાન થયું ત્યારે ભાજપને 19 અને કોંગ્રેસને 7 બેઠકો મળી હતી.1999ની સામાન્ય ચૂંટણીમાં અપવાદ જોવા મળ્યો હતો. એ વખતે 45.11% જેટલું ઓછું મતદાન થયું હોવા છતાં ભાજપને 20 અને કોંગ્રેસને 6 બેઠકો મળી હતી. જો કે 1999ની ચૂંટણી અસાધારણ સંજોગોમાં થઈ હતી. એ વખતે વાજપેયી સરકારનું માત્ર 1 મતથી બહુમતીના અભાવે વિશ્ર્વાસના મતમાં પતન થયું હતું. સહાનુભૂતિના મોજા પર સવાર થઈ ભાજપએ 20 બેઠકો અંકે કરી હતી.
રાજકીય પંડિત ઘનશ્યામ શાહ કહે છે કે આ આંકડા ભાજપની ચડીયાતી સંગઠન તાકાત બતાવે છે. આરએસએસ અને ભાજપની કેડર મતદારોને મતદાન મથક લઈ જવામાં પાવરધી છે. આ વખતે પણ તે એવું કહી શકશે એવું મને લાગે છે. રસપ્રદ વાત એ છે કે લોકસભાની છેલ્લી બે ચૂંટણીમાં રાજયના ચારેય પેટાપ્રદેશોમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ઓછું મતદાન થયું હતું. એથી વિપરીત, દક્ષિણ ગુજરાતમાં દસકા દરમિયાન સતત ઉંચુ મતદાન નોંધાયું હતું. વિપરીત હવામાન (ગરમી) અને સૌરાષ્ટ્રમાંથી અન્ય યુવાનોના અન્યત્ર સ્થળાંતરને આ માટે જવાબદાર ગણવામાં આવે છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, પોરબંદર, ભાવનગર અને જુનાગઢ તથા કચ્છની આઠ બેઠકો આવે છે. 2009ની સામાન્ય ચૂંટણીમાં આ આઠેય બેઠકો પર સરેરાશ 45.42% મતદાન થયું હતું, જયારે ગુજરાતની ટકાવારી 47.89 હતી. એ સામે દક્ષિણ ગુજરાતની પાંચ બેઠકો માટે 53.34% મતદાન થયું હતું.
2014માં ભાજપએ એ વખતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કર્યા હોવાથી ગુજરાતમાં 63.66% મતદાન થયું હતું. પરંતુ, સૌરાષ્ટ્રમાં એ કરતા પાંચ ટકા ઓછું, 58.60% થયું હતું. એથી વિપરીત દક્ષિણ ગુજરાતમાં રાજયની સરેરાશ કરતા 7% વધુ, 70.6% મત પડયા હતા.


Advertisement