લોકશાહી મજબૂત કરવા દરેક મતદાર અચુક મતદાન કરે : અધિક કલેકટર પંડયા

20 March 2019 06:50 PM
Rajkot
  • લોકશાહી મજબૂત કરવા દરેક મતદાર અચુક મતદાન કરે : અધિક કલેકટર પંડયા
  • લોકશાહી મજબૂત કરવા દરેક મતદાર અચુક મતદાન કરે : અધિક કલેકટર પંડયા

રાજકોટના બાલભવનમાં મતદાર જાગૃતિ અંતર્ગત મોદી શાળાના છાત્રોની રેલી : મત આપવા અપીલ

Advertisement

રાજકોટ તા.20
રાજકોટના જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા ભારત સ્કાઉટ સંઘ અને મોદી સ્કૂલ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ બાલભવન ખાતે અધિક નિવાસી કલેકટરશ્રી પરિમલ પંડયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. શાળાના સ્કાઉટ ગાઇડમાં રાષ્ટ્રપતિ અને રાજ્ય પુરસ્કાર મેળવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ અર્પણ કરી પ્રોત્સાહિત કરાયા હતા.
અધિક નિવાસી કલેક્ટર પરિમલ પંડ્યાએ મોદી સ્કૂલને શૈક્ષણિક પ્રવૃતિ ઉપરાંત મતદાન જાગૃતિ અભિયાનમાં પણ સહભાગી થવા માટે અભિનંદન પાઠવ્યા હતાં. તેમણે વધુમાં કહયુ હતું કે, લોકશાહી એટલે લોકો વડે લોકો દ્વારા, લોકો થકી ચાલતી સરકાર છે. આપણા ભારત સરકારની ચૂંટણીમાં લોકશાહીને મજબુત કરવા સૌ કોઇ મતદાન કરે તે ખૂબ જરૂરી છે. મતદાન કરવા માટે મતદાન યાદીમાં નામ નોંધાવવું જરૂરી છે.
જિલ્લા શિક્ષણધિકારીશ્રી આર.એસ.ઉપાધ્યાયે વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, ઘરે-ઘરે જઇને તમારે વડિલોને પેમ્ફલેટ આપીને સમજાવવાનું છે કે કંઇ રીતે વીજાણું મતદાન યંત્ર દ્વારા મતદાન કરવું જોઇએ.
મોદી સ્કૂલના ટ્રસ્ટી આર.પી. મોદીએ કહ્યું કે, લોકશાહીના પર્વમાં વધુમાં વધુ મતદાન થવું જોઇએ. આપણા પરિવારજનો, સબંધીઓ દ્વારા મતદાન થવું જ જોઇએ સ્કાઉટ ગાઇડના કારણે દેશદાઝ ઉભી થાય છે. તેમજ શરીર પણ તંદુરસ્ત બને છે. આ માટે શાળા દ્વારા સ્કાઉટ ગાઇડની પ્રવૃતિને મહત્વ આપવામાં આવે છે. આ પ્રસંગે મોદી સ્કૂલના 500 વિદ્યાર્થીઓ રેલીનું પ્રસ્થાન જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ઉપાધ્યાય અને ટ્રસ્ટી શ્રી આર.પી.મોદીએ કરાવ્યું હતું. 500 વિદ્યાર્થીઓની ટીમ રાજકોટ શહેરના 32 વિસ્તારોમાં ડોર ટુ ડોર જઇ મતદાન જાગૃતિ અંગે મતદારોને સમજણ આપી હતી. "મતદાન એજ મહાદાન” " પ્રતિબધ્ધ મતદાર સુગમ મતદાન” વગેરેના સુત્રોચ્ચાર અને બેનરો સાથે મતદારોને જાગૃતિ કર્યા હતા. પેમ્પલેટનું વિતરણ કર્યુ હતું.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન જિલ્લા ભારત સ્કાઉટ સંઘના મંત્રીશ્રી મનિષ મહેતાએ કર્યુ હતું. આ તકે સ્કાઉટ ગાઇડ રાજ્ય તાલીમ કમિશ્નર ભીખાલાલ સિદપરા, સ્ટેટચીફ જર્નાદન પંડ્યા, ટ્રસ્ટી ધવલ મોદી, અગ્રણી શીલુ, રાજ્યગુરૂ, ભરતભાઇ પરમાર, મોણપરા, સ્કાઉટ માસ્ટર અને ગાઇડ કેપ્ટન, શિક્ષણ ઉપસ્થિત રહયા હતા.


Advertisement