કેનાલ રોડ-કરણપરામાં 25 દિવસથી પાણીનો વેડફાટ

20 March 2019 06:48 PM
Rajkot
  • કેનાલ રોડ-કરણપરામાં 25 દિવસથી પાણીનો વેડફાટ

ચૂંટણી જાહેર થતા કોંગ્રેસ ગુમ, માત્ર પ્રવકતાની જાગૃતિ પર ચાલતું કોર્પોરેશન! : મનપાને ફરિયાદ છતા કોઈ પગલા નહીં: નવી લાઈનના કામમાં જુની લાઈનોનો કચ્ચરઘાણ

Advertisement

રાજકોટ તા.20
રાજકોટ શહેરમાં પાણીની ચોરી અને લોકો દ્વારા થતા બગાડ સામે કોર્પોરેશન દ્વારા કડક પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે અનેક વિસ્તારોમાં થતા પાણીના બગાડ માટે કોઈની જવાબદારી ફીકસ થતી નથી. આવા જ કારણોથી વોર્ડ નં.7 અને 14ના કરણપરા તથા કેનાલ રોડ પર 25 દિવસથી લાઈન લીકેજ હોવા છતા કોઈ કાર્યવાહી કરાતી ન હોય હવે બેદરકારોને દંડ કરવા માંગણી થઈ રહી છે.
લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી એકશન મોડમાં આવવાને બદલે કોંગ્રેસ ઉમેદવાર સહિતની બાબતમાં મૌન થઈ ગઈ છે. મનપા કોંગ્રેસના સભ્યો રોજીંદા કામ કરતા હશે, પરંતુ આચારસંહિતા ભંગથી માંડી પાણીના બગાડ જેવી ગંભીર ફરીયાદ કોઈ કોર્પોરેટર નહીં પરંતુ માત્ર શહેર કોંગ્રેસના પ્રવકતા કરી રહ્યા હોય કોર્પો. કોંગ્રેસનું ગાડુ માત્ર આ જાગૃત પ્રવકતા પર દોડતું હોવાનું લાગે છે.
પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલાએ મનપાને કરેલી વધુ એક ફરિયાદમાં જણાવ્યું છે કે પાણી બચાવવા અને બગાડ ન કરવાની સલાહ તંત્ર આપે છે. પરંતુ આ સલાહ ખુદ તંત્રના બાબુઓને લાગુ પડતી નથી. કેનાલ રોડ પર 25 દિવસ પાણી વેડફાતું રહ્યું હતું. વોર્ડ નં.14 અને 7માં ડીઆઈ પાઈપલાઈનના ખોદકામના કારણે જુની લાઈનો બિસ્કીટની જેમ ભાંગીને ભુકકો થઈ જાય છે. ફરિયાદ કરવામાં આવતા ત્યાંથી અધિકારીઓને કહો તેવા જવાબ મળે છે. વેપારીએ આ અંગે જાણ કરતા તેઓ સ્થળ પર ગયા હતા. ચરેડામાં ખોદકામ બાદ પથ્થરો નાંખીને લેવલીંગ કરાતા આ લાઈન ભાંગતી હોવાનું દેખાયું હતું.
કેનાલ રોડ અને કરણપરા 12/13માં પાણીનો મોટો જથ્થો બગાડ થયા બાદ તાત્કાલીક રીપેરીંગ કામ કરાયું હતું. 126 અધિકારીની ટીમ ઘરે ઘરે ભૂતિયા જોડાણ લેનારા અને પાણીનો બગાડ કરનારાને દંડ કરે છે. પરંતુ તેમાં પણ ખોદયો ડુંગર અને કાઢયો ઉંદર જેવી હાલત છે. લાઈનલોસ અને પાણીની લાઈન સમયે રીપેર ન થાય તો જવાબદાર કોન્ટ્રાકટર કે ઈજનેરને દંડ કરવાની માંગણી તેમણે કરી છે.


Advertisement