કાલે વધુ એક તહેવારે સીટી બસ સેવામાં કાપ મુકવા નિર્ણય

20 March 2019 06:47 PM
Rajkot
  • કાલે વધુ એક તહેવારે સીટી બસ સેવામાં કાપ મુકવા નિર્ણય

માત્ર વિદ્યાર્થીઓને જ કાયમી મુસાફર ગણતું તંત્ર

Advertisement

રાજકોટ તા.20
આવતીકાલે રંગભર્યા ધૂળેટીના પર્વે મ્યુનિ. કોર્પોરેશને પોતાની સીટી બસ સેવા રવિવારના રજાના શેડયુલમાં ચલાવવાનો નિર્ણય કર્યો છે. એટલે કે વધુ એક વખત તહેવારના દિવસોમાં સામાન્ય નાગરિકોને સીટી બસમાં આંશીક લાભ જ મળવાનો છે.
મ્યુનિ. કોર્પોરેશનની સીટી અને બીઆરટીએસ બસ સેવાનું સંચાલન કરતી કંપની રાજકોટ રાજપથ લી. દ્વારા તા.21ના ગુરૂવારે ધૂળેટીના તહેવાર પર શહેરની શાળા અને કોલેજોમાં શૈક્ષણિક કાર્યમાં રજા હોવાથી સીટી તથા બીઆરટીએસ બસ સેવા સન્ડે શેડયુલ મુજબ જ ચલાવવામાં આવશે તેની ઉતારૂઓને નોંધ લેવા જણાવવામાં આવ્યું છે.
રવિવાર અને તહેવારના દિવસોમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રજા હોય છે. આથી બસમાં બહુ ટ્રાફીક રહેતો નથી. 150 ફૂટ રોડના બીઆરટીએસ રૂટ પર 10 એ.સી. તથા શહેરના 44 રૂટ પર 100 બસ લોકો માટે દોડાવવામાં આવે છે પરંતુ શૈક્ષણિક રજામાં રવિવારની રજાની જેમ મર્યાદિત સંખ્યામાં બસ દોડતી હોય સામાન્ય મુસાફરોને પણ મર્યાદિત સેવા મળે છે.
અગાઉ પણ ઘણા તહેવારમાં કોર્પો.ની બસ સેવા બંધ રહેતી હોય લોકોને નાછૂટકે રીક્ષા ભાડામાં લૂંટાવું પડે છે. પરંતુ તંત્ર શાળા કોલેજોને ધ્યાનમાં રાખીને જ આ શેડયુલ નકકી કરે છે. આથી આવતીકાલે પણ લોકોને મર્યાદામાં જ સીટી બસ મળશે એ વ્યવસ્થા યથાવત રાખવામાં આવેલ છે.


Advertisement