પ્રચાર વગરનું કામ બંધ! ચૂંટણીના કારણે ચકલીઓને ‘આવાસ’ ન મળ્યા

20 March 2019 06:46 PM
Rajkot Gujarat
  • પ્રચાર વગરનું કામ બંધ! ચૂંટણીના કારણે ચકલીઓને ‘આવાસ’ ન મળ્યા

દર વર્ષે વિશ્ર્વ ચકલી દિને કરાતું માળાનું વિતરણ આજે ન કરાયું: બજેટમાં જોગવાઈ પણ છે: એક લાખ ચકલી ઘર કોઈએ યાદ પણ ન કર્યા..

Advertisement

રાજકોટ તા.20
પૂરા દેશ અને દુનિયામાં આજે 20 માર્ચના રોજ વર્લ્ડ સ્પેરો ડે (ચકલીદિન)ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે લુપ્ત થતી જતી ચકલીને બચાવવાની જનજાગૃતિના ભાગ રૂપે અનેક કાર્યક્રમ રાખવામાં આવે છે. તેમાં રાજકોટ મ્યુનિ. કોર્પોરેશને વર્ષોથી શરૂ કરેલી ચકલીના માળા (ઘર)ના વિતરણનો પર્યાવરણની રક્ષા કરતો કાર્યક્રમ પડતો મૂકી દેતા ચકલીપ્રેમીઓમાં આઘાતની લાગણી પ્રસરી છે. આ મામુલી ખર્ચનો છતા ભવિષ્યની પેઢીને પણ અગત્યનો સંદેશ આપતો પ્રયત્ન ફંડના કારણે નહીં પરંતુ ચૂંટણી આચારસંહિતાના કારણે બંધ રાખવાની નોબત આવી છે.
મહાપાલિકાના શાસકો દર વર્ષે મોટો કાર્યક્રમ અને ફોટોસેશન ગોઠવીને ચકલીના માળાનું વિતરણ કરે છે. પરંતુ આ વખતે પદાધિકારીઓ કોઈ કાર્યક્રમ યોજી શકે તેમ ન હોય કાર્યક્રમ વગર વિતરણનો વિચાર પણ કોઈને આવ્યો નથી તે હકીકત છે.
આજે 20 માર્ચે વર્લ્ડ સ્પેરો ડેની ઉજવણી પર્યાવરણ પ્રેમીઓએ અલગ અલગ રીતે કરી છે. લુપ્ત થતી જતી ચકલીઓને બચાવવા અને આશરો આપવા જનજાગૃતિ પણ ચલાવવામાં આવે છે. આ પ્રયાસોમાં સહભાગી થવાનો સૌ પ્રથમ વિચાર રાજકોટના પૂર્વ મેયર અને ભાજપના સંનિષ્ઠ, સજજન પૂર્વ કોર્પોરેટર જનકભાઈ કોટકને આવ્યો હતો. પોતાના મેયરના કાર્યકાળમાં તેઓએ ચકલીઓની રક્ષા યાદ કરીને કોર્પોરેશનમાં ખાસ ભંડોળ ઉભુ કરાવ્યું હતું. ત્યારથી જ દર વર્ષે મહાપાલિકા દ્વારા પર્યાવરણ પ્રેમીઓને વિનામૂલ્યે ચકલીના માળાનું વિતરણ કરવામાં આવે છે. આવા ખૂબ જ અગત્યના પ્રયાસ માટે મનપાને માંડ પાંચેક લાખનો ખર્ચ થાય છે. આ પ્રેરક કાર્ય લોકોને પણ એટલું પસંદ આવ્યું કે દર વર્ષે બજેટમાં આ માટે હવે જોગવાઈ પણ થવા લાગી છે.
દરમ્યાન આ વર્ષે વર્લ્ડ સ્પેરો ડે લોકસભાની ચૂંટણીની આચારસંહિતા વચ્ચે આવ્યો છે. પદાધિકારીઓ સરકારી સેવાનો ઉપયોગ કરતા નથી કે કોઈ રાજકીય કાર્યક્રમ પણ રાખી શકતા નથી. કાર્યક્રમમાં હાજરી આપી શકે પરંતુ પ્રવચન કરી શકતા નથી. કોઈપણ કાર્યનો પ્રચાર પણ આચારસંહિતા ભંગ સમાન ગણવામાં આવે છે. આથી આ વર્ષે કોર્પોરેશનના કોઈ ચૂંટાયેલા સભ્ય કે અધિકારીએ ચકલીના માળાનું વિતરણ કરવાનું યાદ કર્યું નથી.
પૂંઠાના ઘર અને પાણી માટે કુંડુ મનપા વિતરણ કરે છે. આવા એકાદ લાખ ચકલી ઘરનું વિતરણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં એટલી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે કે ભાજપના મોટા નેતાઓ પણ તેમાં હાજરી આપીને ફોટોસેશન કરાવે છે. આ વખતે આવું કંઈ થયું નથી. એટલે કે આ વર્ષે ચકલીઓને સાચવવા માંગતા લોકોએ પોતે જાતે આવા ચકલી ઘરની વ્યવસ્થા કરવાની થશે.
ચૂંટણી આચારસંહિતામાં રોજીંદા કામ ન થઈ શકે તેવો કોઈ આકરો નિયમ નથી. પ્રજાલક્ષી જરૂરી કામકાજ રોજ મહાપાલિકાનું વહીવટી તંત્ર તો કરી જ રહ્યું છે. પદાધિકારીઓ ચેમ્બરમાં અવર જવર કરીને જરૂરી કામ કરે છે. તેઓ કોઈ જાહેરાત કરી શકતા નથી. હવે આવા કાર્યક્રમ પ્રચાર વગર શકય હોવાનું જાણકારો કહી રહ્યા છે. મનપા ભવિષ્યની મંજૂરીના આધારે ઘણા ખર્ચ કરતી હોય છે. કાર્યક્રમોના મહિનાઓ બાદના બીલ પણ આવે છે. હાલ દરેક વોર્ડમાંથી આરોગ્યલક્ષી યોજનાના કાર્ડ આપવાનું કામ પણ ચાલી રહ્યું છે તો મહાપાલિકા વોર્ડ ઓફીસોએથી આવા ચકલીના માળાનું વિતરણ કેમ ન કરી શકે તેવો સવાલ આજે વર્લ્ડ સ્પેરો ડે પર કોર્પોરેશન કચેરીએ આવેલા પર્યાવરણ પ્રેમીઓએ કર્યો હતો.
આ રીતે આ વર્ષે તો મનપાએ ચકલીઘર વિતરણ કરવાનું પ્રચાર વગર કા તો ટાળી દીધુ છે અથવા ભૂલી જવાયું છે. આવા કામ થઈ શકે કે કેમ તે અંગે ચૂંટણી તંત્રનું માર્ગદર્શન લેવામાં આવ્યું હોય કે ખર્ચ મંજુર થઈ ગયા હોય તો વિસ્તારોમાં વિતરણ થઈ શકે તેવો અભિપ્રાય હકારાત્મક પ્રયાસો પરથી આવી શકે તેવું પણ જાગૃત લોકો કહેતા હતા.


Advertisement