ભારત-પાક વચ્ચે ટેન્શન હળવું કરવામાં અમારી પણ ભૂમિકા: લીંબડજશ લેતું લુચ્ચુ ચીન

19 March 2019 06:38 PM
Hindi
  • ભારત-પાક વચ્ચે ટેન્શન હળવું કરવામાં અમારી પણ ભૂમિકા: લીંબડજશ લેતું લુચ્ચુ ચીન

મુંબઈ હુમલાને સૌથી કુખ્યાત ગણાવતુ ડ્રેગન

Advertisement

બૈજીંગ તા.19
પુલવામા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનોની શહાદતનો બદલો લેવા ભારતીય વાયુદળે પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઈક કર્યા પછી બન્ને દેશો વચ્ચે યુદ્ધની નોબત વાગી હતી. ચીને એવો દાવો કર્યો છે કે તેણે પાકિસ્તાન અને ભારત વચ્ચે તંગદીલી હળવી કરવામાં રચનાત્મક ભૂમિકા વિકસાવી હતી.
જો કે સમાચાર સંસ્થા રૂટર્સ પાંચ સ્ત્રોતને ટાંકી જણાવ્યું છે કે બન્ને દેશો વચ્ચેનો વિવાદ કાબુ બહાર જઈ શકે તેમ હતો, પણ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટન સહીત અમેરિકાના અધિકારીઓએ હસ્તક્ષેપ કરતાં મોટો સંઘર્ષ ટળી ગયો હતો.
એક તબકકે ભારતે પાકિસ્તાન પર છ મિસાઈલ દાગવા ધમકી આપી હતી. નવી દિલ્હી, ઈસ્લામાબાદ અને વોશિંગ્ટનમાંના પશ્ર્ચિમી રાજદૂતો અને સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ ઈસ્લામાબાદે પણ ભારત પર ત્રણ ગણા મિસાઈલો છોડવા વધતી ઘરાકી આવી હતી.
પાકિસ્તાનના એક પ્રધાનના જણાવ્યા મુજબ ચીન અને યુનાઈટેડ આરબ એમીરેટસએ પણ બન્ને દક્ષિણ એશિયાઈ પડોસીઓ વચ્ચે તંગદીલી ઘટાડવા હસ્તક્ષેપ કર્યો હતો.
ચીનના વિદેશ મંત્રાલયે સમાચાર સંસ્થાને પાઠવેલા નિવેદનમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન અને ભારત વચ્ચે શાંતિમય સહઅસ્તિત્વ દરેકના હિતમાં છે. ભારત અને પાકિસ્તાનના મિત્ર પડોસી તરીકે ચીને શાંતિમંત્રણાને પ્રોત્સાહન આવ્યું હતું, અમે તંગસ્થિતિ હળવી કરવા રચનાત્મક ભૂમિકા ભજવી હતી.
દરમિયાન, ચીને પાકિસ્તાનના લશ્કર-એ-તઈબા દ્વારા કરવામાં આવેલા 2008ના મુંબઈ આતંકી હુમલાને સૌથી વધુ કુખ્યાત આતંકી હુમલો ગણાવ્યો હતો.
પીપલ્સ રિપબ્લીક ઓફ ચાઈનાની સ્ટેટ કાઉન્સીલ ઈન્ફોર્મેશન ઓફીસ દ્વારા જારી વ્હાઈટ પેપરમાં મુંબઈ હુમલાનો અમેરિકામાં 11 સપ્ટેમ્બર, 2001ના હુમલા સાથે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એ સાથે 2002ના બાલી બોમ્બીંગ અને કેન્યાના 2013ના વેસ્ટગેટ શોપીંગ મોલમાં તેમજ પેરિસમાં 2015માં હુમલાને પણ કુખ્યાત આતંકી હુમલા ગણાવાયા છે.


Advertisement