જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક માટે સેન્સ લેવા કોંગ્રેસના નિરીક્ષકોનું આગમન

18 March 2019 07:08 PM
Jamnagar

ત્રણ દરવાજા નજીક અમૃતવાડી ખાતે દાવેદારો અંગે સેન્સ લેવાઇ : નિરીક્ષક ડો.ચંદ્રિકા ચુડાસમા, જશવંત ભટ્ટી, બ્રિજેશ મેરજા અને જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ-દાવેદાર જે.ટી.પટેલ સમક્ષ કોંગી આગેવાનો-કાર્યકરોએ રજૂ કરેલા મંતવ્ય

Advertisement

જામનગર તા.18
77 જામનગર (ગ્રામ્ય)વિધાનસભા બેઠકના ધારાસભ્ય વલ્લભ ધારવીયાએ પક્ષ પલ્ટો કરી ધારાસભ્યપદેથી રાજીનામું આપી દેતા લોકસભાની સાથે જ આ બેઠકની પેટાચુંટણી યોજનાર છે. આથી ઉમેદવારની પસંદગી કરવાના ભાગરૂપે પ્રદેશ કોંગ્રેસ દ્વારા નિમાયેલા ચાર નિરીક્ષકોએ આજે બોપરે દાવેદારો અંગે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી હતી.
77 જામનગર (ગ્રામ્ય) વિધાનસભા બેઠક ઉપરથી ડીસેમ્બર 2017માં યોજાયેલી ચુંટણીમાં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા અને ઉમેદવાર બનેલા રાઘવજી પટેલ સામે ભાજપ છોડી કોંગ્રેસમાં આવેલા અને ઉમેદાવાર બનેલા વલ્લભ ધારવીયા વિજેતા થઇ ધારાસભ્ય બન્યા હતાં. પરંતુ તેમણે તાજેતરમાં કોંગ્રેસ છોડી દિધી હતી અને ધારાસભ્ય પદેથી પણ રાજીનામું ઘરી દઇ ભાજપમાં પ્રવેશ કર્યો હતો.
આથી ખાલી પડેલી આ બેઠકની પેટાચુંટણી પણ 23 એપ્રિલે યોજનાર છે. આ બેઠક માટે થયેલા દાવેદારો અંગે સેન્સ લેવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વાર નિરીક્ષક તરીકે નિમાયેલા આગેવાનોનું આજે જામનગરમાં આગમન થયું હતું.
ડો.ચંદ્રીકાબેન ચુડાસમા, જશવંતસિંહ ભટ્ટી, બ્રિજેશ મેરજા આજે બપોરે જામનગર આવી પહોંચ્યા હતાં. જયારે ચોથા નિરીક્ષક તરીકે જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જશમતભાઇ પટેલ (જે.ટી.પટેલ) પણ ઉપસ્થિત રહયા છે. આજે બપોરે 1 વાગ્યા બાદ જામનગરમાં ત્રણ દરવાજા નજીક આવેલ અમૃતવાડી ખાતે દાવેદારોના નામ અંગે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ થઇ હતી. જે બપોરના 3 વાગ્યા સુધી ચાલું રહેવા પામી હતી.
જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના દાવેદારોમાં વોર્ડનં.1ના કોર્પોરેટર અને જામનગર જિલ્લા પંચાયતના વિપક્ષના પૂર્વ નેતા કાસમભાઇ ખફી, શહેર કોંગ્રેસ પ્રમુખ ગિરીશભાઇ અમેથિયા, જામનગર જિલલા પંચાયતના ઉપપ્રમુખ વશરામભાઇ રાઠોડ, જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જીવણભાઇ કુંભારવડીયા, યુવા અગ્રણી અને ધ્રોલ ન.પા.ના સભ્ય કલ્પેશ હડીયલનો સમાવેશ થાય છે.


Advertisement