દાનસંગ મોરી સાથેના કેસ મામલે વજુભાઇ વાળાના નિવેદનથી કારડીયા રાજપૂત નારાજ

18 March 2019 05:17 PM
Ahmedabad Gujarat

વિધાનસભાની ચૂંટણી વખતે મોરી સામેની ફરિયાદ પાછી ખેંચવાનું વચન આપ્યા બાદ સરકાર ફરી ગયાનો આરોપ

Advertisement

અમદાવાદ તા.18
2017 વિધાનસભાની ચૂંટણી જીતવા માટે ભાજપ સરકારે કારડીયા રાજપુત સમાજના આગેવાન દાનસંગ મોરી સામે નોંધવામાં આવેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચવાની જાહેરાત કરી સમાધાન કરી લીધુ હતું. પરંતુ ભાજપનો સ્વાર્થ પુરો થતાં હવે ભાજપ સરકારે તેમને ઠેંગો બતાડયો છે. ધંધુકાના રાજપુત આગેવાન નરેન્દ્રસિંહ અસવારના પિતાના અવસાન નિમિતે રાખવામાં આવેલી શોક સભામાં વજુભાઇ વાળા ખુદ આવ્યા હતા. ત્યાં રાજપુત આગેવાનો દ્વારા વજુભાઇ વાળા સામે દાનસંગ મોરીના કેસ પરત ખેંચવામાં આવ્યા નથી તેવી રજુઆત કરતા વજુભાઇ વાળાએ કહ્યું દાનસંગ સામે નોંધાયેલી પાંચ ફરિયાદ પૈકી એક ફરિયાદ પાછી ખેંચાઇ છે જયારે બાકીની ચાર ફરિયાદ પાછી ખેંચવાનો સરકાર ઇન્કાર કરે છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની આડોડાઇ સામે લડત માંડનાર ભાવનગરના બુધેલ ગામના કારડીયા રાજપુત આગેવાન દાનસંગ મોરી સામે વિવિધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના કારણે 2017માં રાજપુત સમાજે રાજય વ્યાપી મોટુ આંદોલન કર્યુ હતું અને રાજયભરના રાજપુતો એકત્રીત થયા હતા. આ આંદોલનને કારણે વિધાનસભાની ચૂંટણીમાં નુકશાન જશે તેવો ડર લાગી જતા ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને વજુભાઇ વાળા સહિતના રાજપુત આગેવાનો અને સરકારી અધિકારીઓને રાજપુતોને સમજાવવા માટે મોકલ્યા હતા.
આંદોલન વખતે મઘ્યસ્થીની ભુમીકા અદા કરનાર વજુભાઇ વાળા પોતે પણ કારડીયા રાજપુત છે અને તેઓ એક મરણ પ્રસંગે ધંધુકા આવ્યા ત્યારે રાજપુત આગેવાનોએ વજુભાઇને ભાજપે આપેલા વચન યાદ કરાવી ફરિયાદ કરાવી આપવાની માંગણી કરી હતી. પરંતુ બધાના આશ્ર્ચર્ય વચ્ચે વજુભાઇ વાળાએ ભાજપ સરકાર ચાર ફરિયાદ રદ કરવા તૈયાર નથી તેવુ નિવેદન કરતા રાજપુત આગેવાનો સ્તબ્ધ થઇ ગયા હતા. આ સમાજના યુવાનોને નારાજ કરી સમાધાન કર્યા પછી ભાજપે મૂર્ખ બનાવ્યા હોવાની લાગણી થઇ હતી. વજુભાઇ વાળાએ કરેલા નિવેદન બાદ રાજપુત આગેવાનો નારાજ અને ગુસ્સામાં છે. આ સંદર્ભે હવે ફરી લડાઇ શરૂ કરવાના એંધાણ મળી રહ્યા છે.


Advertisement