માધવન પાર્ટી પ્લોટની અગાશી પર યુવાનની ક્રૂર હત્યા કરનાર ચારેય આરોપીઓની શોધખોળ

14 March 2019 06:29 PM
Rajkot Crime
  • માધવન પાર્ટી પ્લોટની અગાશી પર યુવાનની ક્રૂર  હત્યા કરનાર ચારેય આરોપીઓની શોધખોળ
  • માધવન પાર્ટી પ્લોટની અગાશી પર યુવાનની ક્રૂર  હત્યા કરનાર ચારેય આરોપીઓની શોધખોળ

રૂ.70 હજારની ઉઘરાણી પ્રશ્ર્નેે પીલોર સાથે બાંધી તિક્ષ્ણ હથિયાર અને બોથડ પદાર્થનાં ઘા ફટકાર્યા બાદ ગળું દબાવી હત્યા નિપજાવી : આરોપીઓને ઝડપી લેવા રાજય બહાર પોલીસની ટીમ દ્વારા તપાસ

Advertisement

રાજકોટ, તા 14
માધાપર ચોકડી મોરબી બાયપાસ રોડ પર સ્થિત માધવન પાર્ટી પ્લોટમાં મંડપની મજૂરી કરતાં ચોટીલાના દેવપરાના 22 વર્ષનાં કોળી યુવાનની પાર્ટી પ્લોટની અગાશી પર ચાર સાથી મજૂરોએ પૈસાની લેતી દેતીમાં ક્રૂરતાપૂર્વક હત્યા નિપજાવેલી લાશ મળી આવ્યા બાદ ગાંધીગ્રામ પોલીસે યુવાનના ભાઈની ફરિયાદ પરથી હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી શોધખોળ હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ હત્યાનો ભોગ બનનાર મહેશ રમેશભાઈ ઓળકીયા મૂળ ચોટીલાનાં દેવપરા (આણંદપુર) ગામનો વતની હતો. બે ભાઈ, બહેનમાં સૌથી મોટો અને અપરિણીત હતો. છેલ્લા ચારેક વર્ષથી તે રાજકોટમાં મંડપ કામની મજૂરી કરતો હતો.
હાલમાં માધવન પાર્ટી પ્લોટ કે જે અજય ભૂરાભાઈ ડાંગરની માલીકીનો છે અને તેનું ગજાનંદ મંડપ સર્વિસ ચલાવતાં પરેશભાઈ જોશી સંચાલન કરે છે તેને ત્યાં નોકરી કરતો હતો. બે દિવસ અગાઉ મહેશને તથા તેની સાથે કામ કરતાં દિનેશ, લક્ષ્મણ, સુરેશ અને કાળુ સાથે પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી થઈ હતી. આ ચારેય આરોપીઓ મહેશ પાસે 70 હજારની ઉઘરાણી કરતા હતાં. મહેશ થોડા દિવસમાં પૈસાની વ્યવસ્થા કરી આપવાનું કહેતો હતો.
મંગવાર રાત્રે મહેશ અને તેનો મિત્ર વિશાલ ઉર્ફે ભૂરો ઉપરાંત ચારેય આરોપીઓ પાર્ટી પ્લોટની અગાશી પર રાત્રે 12 વાગ્યા સુધી બેઠા હતાં. ત્યાં ફરીથી આરોપીઓએ મહેશ સાથે પૈસા બાબતે રકઝક કરી હતી ત્યારબાદ વિશાલ ઉર્ફે ભૂરો જઈ સૂઈ ગયો હતો. તેનાં ગયા બાદ ચારેય આરોપીઓએ મહેશ સાથે ઉગ્ર બોલાચાલી કરી તેને તિક્ષ્ણ હથિયાર અને બોથડ પદાર્થનાં ઘા ઝીંકવા ઉપરાંત તેનું ગળું દબાવી, મોઢે મુંગો દઈ મોતને ઘાટ ઉતારી દીધો હતો.
મહેશની હત્યા થઈ ગયાનું જાણી ચારેય આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતાં. સવારે વિશાલ ઉર્ફે ભૂરાએ તેની લાશ અગાશી પર જોઈ ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં પોલીસે બનાવ સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
સ્થળ પર જરૂરી કાર્યવાહી બાદ પોલીસે લાશને પોસટમોર્ટમ માટે સિવિલમાં ખસેડી હતી. તબીબોએ મોઢે મુંગો દેવાયો હોવાથી શ્વાસ રૂંધાઈ જતા મોત થયાનો અભિપ્રાય આપ્યો હતો. પોલીસે મૃતકનાં ભાઈ નરેશની ફરિયાદ પરથી ચારેય આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો. તેણે પોલીસને કહ્યું કે, તે હાલ જસદણ ખાતે હરિબાપા ચેરીટેબલ ટ્રસ્ટમાં એફવાય બીકોમનો અભ્યાસ કરે છે. તેનાં પિતા રમેશભાઈ અને માતા હેમૂબેન ગામડે ખેતી કરે છે બે ભાઈ સિવાય એક નાની બહેન હેતલ છે. તે વિસેક દિવસ પહેલા તેનાં ભાઈ સાથે મંડપ કામની મજૂરી કરવા આવ્યો હતો.
બાદમાં પોતાનાં ઘરે જતો રહ્યો હતો આજે તેને ગાંધીગ્રામ પોલીસ તરફથી તેનાં ભાઈની હત્યા થયાની જાણ થઈ હતી. આઠેક દિવસ પહેલા તેને પણ તેનાં ભાઈએ કોલ કરી ચારેય આરોપીઓ તેની પાસે પૈસાની ઉઘરાણી કરી ઝઘડો કરતા હોવાનું કહ્યું હતું. પોલીસને ચારેય આરોપીઓ સામે હત્યા અંગેનો ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.ગાંધીગ્રામ પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પણ આરોપીઓ પગેરું મેળવવા વિવિધ દીશામાં તપાસ ચાલવામાં આવી રહી છે.


Advertisement