લાઠી-લીલીયાનાં પૂર્વ ધારાસભ્ય હનુભાઇ ધોરાજીયા ભાજપમાં જોડાયા

14 March 2019 05:34 PM
Amreli
  • લાઠી-લીલીયાનાં પૂર્વ ધારાસભ્ય
હનુભાઇ ધોરાજીયા ભાજપમાં જોડાયા

વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીનાં ગઢમાં ગાબડુ : ભાજપમાંથી કોંગ્રેસમાં ગયા બાદ પુન: ભાજપમાં ઘરવાપસી : અમદાવાદ ખાતે પ્રદેશ આગેવાનોની હાજરીમાં કેસરીયો ખેસ ધારણ કર્યો

Advertisement

(મિલાપ રૂપારેલ) અમરેલી તા.14
અમરેલી જીલ્લાના લીલીયા તાલુકાના હાથીગઢ ગામના વતની અને હાલ સુરત વ્યવસાય કરતા પૂર્વ ધારાસભ્ય હનુભાઇ ધોરાજીયા આખરે ફરીથી ભાજપનો ખેસ પહેરી લઇ પોતાના ઘર વાપસી કરતા કોંગ્રેસ પક્ષનાં વધુ એક આગેવાન ભાજપમાં ભળી ગયા છે.
પૂર્વ ધારાસભ્ય હનુભાઇ ધોરાજીયા સુરત ખાતે વ્યવસાય કરે છે. ત્યારે તેમના વતન હાથીગઢના વતની હોવાના કારણે હનુભાઇ ધોરાજીયાને જિલ્લા ભાજપના આગેવાનોની ભલામણના કારણે સને 2007ની ધારાસભાની ચૂંટણી સમયે તેઓ ભાજપમાંથી લાઠી-લીલીયામાંથી ચૂંટાઇ આવ્યા હતા.
જયારે સને 2012ની ધારાસભાની ચૂંટણીમાં ભાજપે ફરી તેને નવા સીમાંકન પ્રમાણે લાઠી-બાબરા બેઠક થતાં ભાજપે ટીકીટ આપી ભાજપના ઉમેદવાર બનાવ્યા હતા પરંતુ સને 2012ની ધારાસભાની ચૂંટણીમાં તે સમયે બાવકુભાઇ ઉંઘાડ સામે હનુભાઇનો પરાજય થવા પામ્યો હતો.
બાદમાં હનુભાઇ ધોરામજીયા સને 2013માં ભાજપને અલવીદા કરી કોંગ્રેસમાં જોડાયા હતા. બાદમાં કોંગ્રેસમાં ચૂંટાયેલા ધારાસભ્ય બાવકુભાઇએ રાજીનામુ ધરી દેતા આ બેઠક ખાલી પડતા સને 2014માં લોકસભાની ચૂંટણી સાથે લાઠી-બાબરા બેઠક પરથી હનુભાઇ ધોરાજીયાએ કોંગ્રેસના નિશાન સાથે ધારાસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. પરંતુ ત્યારે ભાજપના બાવકુભાઇ ઉંઘાડ સામે હનુભાઇ ધોરાજીયા વધુ એક વખત હારનો સામનો કરવો પડયો હતો.
ભાજપ પક્ષમાંથી કોંગ્રેસમાં આવતા રાજકીય આગેવાનો કોંગ્રેસના કલચરમાં ભળી શકતા નથી તેમ છતાં પણ હનુભાઇ ધોરાજીયાએ સને 2017ની ધારાસભાની કોંગ્રેસ ટીકીટ નહી આપતા તેઓ કોંગ્રેસ પક્ષથી નારાજ જોવા મળતા હતા.
ત્યારે આગામી લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે મૂળ ભાજપનાં જ પૂર્વ ધારાસભ્ય હનુભાઇ ધોરાજીયા કોંગ્રેસને ઝાકારો આપી ફરી ભાજપમાં આવતા આ પૂર્વ ધારાસભ્ય હનુભાઇ ધોરાજીયાની ઘરવાપસી થયાનું જાણવા મળી રહ્યું છે.
આમ અમરેલી જીલ્લાનાં મોટા રાજકીય આગેવાન અને પૂર્વ ધારાસભ્ય હનુભાઇ ધોરાજીયા ભાજપમાં ભળી જતાં કોંગ્રેસનાં કાંગરા ખેરવવા ભાજપને સફળતા મળી હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે અમદાવાદ ખાતે પૂર્વ ધારાસભ્ય હનુભાઇ ધોરાજીયા ભાજપમાં ભળી ગયા હતા.


Advertisement