હવે જન ઔષધિ કેન્દ્રો બ્રાન્ડેડના વિકલ્પે જેનેરિક દવા આપી શકશે

14 March 2019 05:26 PM
India

ડોકટરોએ લખી આપેલી મોંઘીદાટ બ્રાન્ડેડ દવાઓ ખરીદવામાંથી દર્દીઓને મુક્તિ મળશે : સ્વાસ્થ્ય મંત્રાલય જન ઔષધિ કેન્દ્રોના ફાર્માસિસ્ટસને આ અધિકાર આપશે

Advertisement

નવી દિલ્હી તા.14
લાંબા ઈંતેઝાર બાદ હવે દેશના ફાર્માસિસ્ટોને જેનરિક દવા આપવાનો અધિકાર મળી રહ્યો છે. ખૂબ જ નજીકના ભવિષ્યમાં ફાર્માસિસ્ટ દર્દીઓને પ્રિસ્ક્રીપ્શન પર લખેલી બ્રાન્ડેડ દવાનો જેનેરિક દવાનો વિકલ્પ આપી શકશે. અલબત, ઔષધિ અને પ્રસાધન અધિનિયમ 1945 અંતર્ગત આ અધિકાર હાલ જન ઔષધિ કેન્દ્રોને મળવા જઈ રહ્યો છે. દેશમાં હાલમાં લગભગ પાંચ હજારથી વધુ જનઔષધી કેન્દ્રો સંચાલીત છે. આ કેન્દ્રોના ફાર્માસીસ્ટોને સરકાર બ્રાન્ડેડની જગ્યાએ જેનરિક દવા દર્દીઓને આપવાનો અધિકાર આપશે. આ માટે કેન્દ્રીય માનક નિયંત્રણ સંગઠન આવનારા દિવસોમાં દિશા-નિર્દેશ પણ જાહેર કરશે.
અત્યાર સુધી દેશમાં ફાર્માસીસ્ટને પ્રિસ્ક્રીપ્શનમાં લખેલી દવાઓનો વિકલ્પ આપવાનો અધિકાર નહોતો. અનેક વાર ડોકટરો દ્વારા મોંઘી દવા લખવાના કિસ્સા બહાર આવ્યા છે.
ગયા વર્ષે ગુડગાવની ફોર્ટીસ હોસ્પીટલમાં ડેંગ્યુ પીડિતા બાળકીના મોત બાદ મોંઘી દવાઓને લઈને રાષ્ટ્રીય ઔષધિ મૂલ્ય નિર્ધારણ (એનપીએ)એ પણ સવાલ ઉઠાવેલા જણાવવામાં આવી રહ્યું છે કે ડ્રગ ટેકનીકલ એડવાઈઝરી બોર્ડની બેઠકમાં ફાર્માસિસ્ટને જેનરિક દવાઓ આપવાના અધિકાર પર નિર્ણય લીધા બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને ભલામણો મોકલવામાં આવી હતી. મંત્રાલયની સહમતી બાદ ખૂબ ટુંકા સમયમાં હવે ખૂબ જ ઝડપથી દરેક રાજયોમાં ઔષધી નિયંત્રણ અધિકારીઓ અને સ્વાસ્થ્ય વિભાગને નિર્દેશ જાહેર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે અમેરિકાના પીટસબર્ગ સ્થિત યુનિવર્સિટી ઓફ પીટસબર્ગ મેડીકલ સેન્ટર (યુપીએમસી)માં તૈનાત ભારતીય મૂળના ડોકટર ભારત ભૂષણે તા.31 મે 2018માં વડાપ્રધાન મોદીને પત્ર લખીને જણશવ્યું હતું કે ભલે ડોકટર ચિઠ્ઠીમાં બ્રાન્ડેડ દવા લખે પણ ફાર્માસીસ્ટને બ્રાન્ડેડની જગ્યાએ જેનેરિક દવા આપવાનો અધિકાર હોવો જોઈએ. તેમણે જેનરિક મેડીસીનના વૈકલ્પિક કાયદાના બારામાં પણ ચર્ચા કરતા જણાવ્યું હતું કે અમેરિકા અને યુરોપ જેવા દેશોમાં ફાર્માસિસ્ટસને આ અધિકારો મળ્યા છે જેને લઈને પ્રધાનમંત્રી કાર્યાલયે ડ્રગ્સ ટેકનીકલ એડવાઈઝરી બોર્ડ પાસેથી માહિતી મંગાવી હતી.
ત્યારબાદ પીએમઓએ ડો. ભારત ભૂષણના સૂચન પર વિચાર કરવા માટે સ્વાસ્થ્ય મંત્રાલયને નિર્દેશ પણ કર્યા હતા. ત્યારબાદ ઓગસ્ટ 2018માં થયેલી બેઠક પર આ સૂચન પર ચર્ચા કરીને આ નવી પહેલ પર ભલામણ તૈયાર કરાઈ હતી.
કેન્દ્રીય ઔષધી માનક નિયંત્રણના અધિકારીએ જણાવ્યું હતું કે હાલ આ અધિકાર માત્ર જનોષધિ કેન્દ્રોના ફાર્માસિસ્ટોને જ અપાશે, અન્ય ફાર્માસિસ્ટોના બારામાં જણાવ્યું હતું કે આ બારામાં હજુ વિસ્તૃત ચર્ચાની જરૂર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મેડીકલ કાઉન્સીલ ઓફ ઈન્ડીયા પણ દરેક ડોકટરોને ચિઠ્ઠીમાં સોલ્ટ નામ જ લખવાનો નિર્દેશ આપી ચૂકી છે. ખૂબ જલદી આ નવા બદલાવને લઈને રાજયોને દિશા-નિર્દેશ આપવામાં આવશે.
ઈ-સીગરેટના ઉત્પાદન, વેચાણ પર ઈઉજઈઘએ લગાવી રોક
પ્રતિબંધ છતા દિલ્હી જેવા શહેરોનાં માર્કેટમાં આવા ઉત્પાદનોનું વેચાણ
નવી દિલ્હી: કેન્દ્રીય ઔષધી માથક નિયંત્રણ સંગઠન (સીડીએસસીઓ) એ ઈ સિગરેટના નિર્માણ, વેચાણ અને જાહેરાત પર રોક લગાવવા માટે દરેક રાજય ઔષધી નિયંત્રણ અધિકારીઓને નિર્દેશ જારી કર્યા છે. આ સિવાય ફલેવર હુકકાના વેચાણ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જણાવવામાં આવ્યું છે કે ઈલેકટ્રોનીક નિકોટીન ડિલીવરી સીસ્ટમ અંતર્ગત ઈ સિગરેટ, હુકકા, ઈ સીસા વગેરે ઉત્પાદનોને પ્રતિબંધના દાયરામાં લાવવામાં આવ્યો છે. આ પહેલ ગત વર્ષે ઓગસ્ટમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દરેક રાજયોને ઈ-સિગરેટ જેવા ઉત્પાદનોના વેચાણ પર રોક લગાવવાના દિશા નિર્દેશ આપી ચૂકયું છે. તેમ છતાં દિલ્હી જેવા શહેરોમાં આવા ઉત્પાદનો હજુ પણ માર્કેટમાં વેચાઈ રહ્યા છે.


Advertisement