ભાનુશાળી હત્યાના મુખ્ય સૂત્રધાર છબીલ પટેલની અટકાયત

14 March 2019 03:32 PM
kutch Gujarat
  • ભાનુશાળી હત્યાના મુખ્ય સૂત્રધાર છબીલ પટેલની અટકાયત

ચોતરફથી ભીંસ વધતા અમેરિકાથી આવેલા છબીલ પટેલની એસઆઇટીએ અમદાવાદ એરપોર્ટથી કરી અટકાયત

Advertisement

અમદાવાદ તા.14
જયંતી ભાનુશાળીની હત્યાના મુખ્ય સૂત્રધાર છબીલ પટેલની આખરે અમદાવાદ એરપોર્ટ પર એસઆઇટીએ અટકાયત કરી હતી. ચારે બાજુથી ભીંસ વધતા છબીલ પટેલ પોલીસ સમક્ષ હાજર થવા તૈયાર થયો હતો. જેના પગલે અમેરીકાથી આજે અમદાવાદ પહોંચેલા ભાજપના નેતા છબીલ પટેલની એસઆઇટીએ અટકાયત કરી હતી.
આ અંગેની વિગત મુજબ ભાજપના બે નેતા જયંતી ભાનુશાળી અને છબીલ પટેલ વચ્ચે ચાલી રહેલી લડાઇ ચરમસીમાએ પહોંચતા છબીલ પટેલે ભાડુતી મારાઓ મારફતે જયંતી ભાનુશાળીની સયાજી એકસપ્રેસમાં હત્યા કરાવી નાંખી હતી. જાન્યુઆરી માસથી ફરાર છબીલ પટેલ ઉપર પોલીસની ભીંસ વધતા છબીલના પુત્ર સિઘ્ધાર્થ પટેલે એસઆઇટી સામે શરણાગતી સ્વીકારી હતી.
જયંતી ભાનુશાળીની હત્યા કરવા માટે છબીલ પટેલે કાવત્રુ ઘડી જયંતીની સ્ત્રી મિત્ર મનીષા ગૌસ્વામી અને તેના બોયફ્રેન્ડ ભાઉની મદદથી પુનાના બે ગેંગસ્ટરને જયંતીની હત્યા કરવાનું કામ સોંપ્યું હતું. જો કે હત્યામાં પોતાની સંડોવણી નથી તેવુ બતાડવા માટે છબીલ પટેલે તા.2 જાન્યુઆરીના
રોજ ભારત છોડી દીધુ હતું અને મસ્કત ચાલ્યા ગયા હતા. છબીલને મસ્કત જવાની ટીકીટ તેમના પુત્ર સિઘ્ધાર્થે જ કરી હતી અને તા.29મ્ી જાન્યુઆરીની રીર્ટન ટીકીટ પણ કરાવી હતી. જો કે જયંતીની હત્યા બાદ ફરિયાદમાં જ છબીલનું નામ જાહેર થઇ જતા છબીલ મસ્કતથી દોહા અને ત્યાંથી અમેરીકા જતા રહ્યા હતા.
જયારે છબીલનો પુત્ર સિઘ્ધાર્થ ગોવા જતો રહ્યો હતો. છબીલ અને તેમનો પુત્ર સિઘ્ધાર્થ પોલીસ સામે શરણે આવવા માંગતા હતા પરંતુ છબીલના જ કેટલાક નજીકનાને રસ હતો કે છબીલ અને સિઘ્ધાર્થ ભાગતા રહે, જેના કારણે છબીલની નજીકની વ્યકિત તેમને પોલીસ સામે હાજર થવા દેતી ન્હોતી, સિઘ્ધાર્થની તપાસમાં બહાર આવ્યું કે મનિષા અને ભાઉ છબીલ ઉપર સતત દબાણ કરતા હતા કે આખો મામલો છબીલ પટેલ પોતાની ઉપર લઇ લે અને આ પ્રકરણમાં મનિષા અને ભાઉની કોઇ સંડોવણી નથી તેવું પોલીસ સામે પ્રસ્થાપિત કરે, જો કે જયંતીની હત્યા માટે મનિષા અને ભાઉ કયાં કયાં મળ્યા અને કેવી રીતે છબીલને ભાડુતી મારાઓ મળ્યા તેના પુરાવા એસઆઇટી પાસે હોવાને કારણે તે શકય બન્યું ન્હોતું.
બીજી તરફ આ કેસના સ્ટાર વીટનેસ પવન મોર્યને ત્યાં છબીલ પટેલે પોતાના ભત્રીજા અને વેવાઇને મોકલતા તે પકડાઇ ગયા હતા. આમ છબીલના પરિવાર ઉપર પોલીસની ભીંસ વધતા સિઘ્ધાર્થ પટેલ પોતાના નાના પ્રેમજીભાઇ દ્વારા એસઆઇટી સામે હાજર થયો હતો. હવે છબીલ પટેલ પણ આજે અમેરીકાથી સીધા અમદાવાદ એરપોર્ટ આવી જતા એસઆઇટીએ અમદાવાદ એરપોર્ટ પર જ છબીલ પટેલની અટકાયત કરી હતી.
ઉલ્લેખનીય છે કે ભાનુશાળી હત્યા કેસમાં પાંચ શખ્સોની ધરપકડ થઇ ચુકી છે. મુખ્ય સૂત્રધાર છબીલ પટેલ અમેરીકામાં હતો અને ત્યાંથી તે સંપર્કો રાખતો હતો. મનીષા ગૌસ્વામી સાથે પણ વોટસએપથી સંપર્કમાં રહેતો હતો.


Advertisement