મોરબી પાલિકાનું આજનું બજેટ બોર્ડ રદ! મોટી અંધાધૂંધીના એંધાણ

14 March 2019 03:29 PM
Morbi Gujarat
  • મોરબી પાલિકાનું આજનું બજેટ બોર્ડ રદ! મોટી અંધાધૂંધીના એંધાણ

આચારસંહિતાના કારણે કલેકટરની બે્રક : હવે તમામ વ્યવહારો અટકી જવા ભય : સમયે ન જાગનારા અધિકારીઓ-પદાધિકારીઓને તમાચો

Advertisement

(જીજ્ઞેશ ભટ્ટ)
મોરબી તા.14
મોરબી પાલિકામાં આજે બજેટ બોર્ડની બેઠક બોલાવવામાં આવી હતી પણ દેશમાં લોકસભાની ચુંટણી જાહેર કરી દેવામાં આવી હોવાથી હાલમાં ચુંટણીની આદર્શ આચાર સહિત અમલમાં હોવાથી મોરબી પાલિકાના ચીફ ઓફિસર દ્વારા જીલ્લા કલેકટર પાસેથી માર્ગદર્શન માંગવામાં આવ્યું હતું જેથી કલેકટરે બજેટ બોર્ડની બેઠક ઉપર બ્રેક લગાવી દીધી છે માટે પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના પદાધિકારીઓ તેમજ ચુટાયેલા સભ્યોને ચીફ ઓફિસર દ્વારા જાન કરી દેવામાં આવી છે. ચુંટણી ગમે ત્યારે જાહેર થાય તેવી શક્યતા હતી તો પછી પાલિકાના અધીકારી તેમજ પદાધિકારીઓએ કેમ બજેટ બોર્ડની બેઠક વહેલા ન બોલાવી તે સો મણનો સવાલ છે.
મોરબી પાલિકા અને વિવાદ એકમેકના પર્યાય બની ગયા હોય તેમ લાગે છે કેમ કે, પાલિકામાં જનરલ બોર્ડ બોલાવવાનું હોય ત્યારે કોઈને કોઈ વિવાદ હોય જ છે ગત જનરલ બોર્ડમાં પાલિકાની જૂની કમીટીઓનું વિસર્જન કરીને નવી કમિટીની રચનાં કરવાની હતી જેને લઈને કાનૂની જંગ છેડાયો હતો. અંતે હાઇકોર્ટમાંથી નવી કમિટીની રચના કરવા માટે લીલીઝંડી મળી ગઈ હતી જેથી નવી કમિટીઓની રચનાં કરી દેવામાં આવી હતી જો કે, આ બેઠકમાં ભાજપના સભ્યો દ્વારા વોકાઉટ કરવામાં આવ્યો હતો તેમ છતાં કોંગ્રેસ શાસિત પાલિકામાં કોંગ્રેસના સભ્યો દ્વારા ત્રિમાસિક ખર્ચની મંજુરી સહિતના એજન્ડાઓને પેન્ડીંગ રાખવામાં આવ્યા હતા જે બજેટ બોર્ડની બેઠકમાં મંજુર કરવામાં આવે તેવી શક્યતા હતી જેથી આજે મળનારી બજેટ બોર્ડની બેઠકની આતુરતાથી રાહ જોવામાં આવી રહી હતી. આજની બેઠક ઉપર જીલ્લા કલેકટર દ્વારા બ્રેક લગાવી દેવામાં આવી છે.
પાલિકાના સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ વર્ષ 2019-2020નું નાણાકીય વર્ષનું બજેટ મંજુર કરવા માટે આજે પાલિકના સભા ખંડમાં બજેટ બોર્ડની બેઠક બોલાવવામાં આવી હતી અને તેના એજન્ડા નિયમ અનુસાર કાઢવામાં આવ્યા હતા જો કે, ગત તા 10/3 ના રોજ દેશના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચુંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે જેથી આગામી 24/4 ના રોજ ગુજરાતની 26 બેઠકો માટે લોકસભા ચુંટણીનું મતદાન થવાનું છે માટે હાલમાં દેશભરમાં ચુંટણીની આદર્શ આચારસહિતા અમલમાં આવી ગયેલ છે જેથી મોરબી પાલિકમાં તાજેતરમાં જ મુકવામાં આવેલા કરાર આધારિત ચીફ ઓફિસર પી.પી.રાવલ દ્વારા જીલ્લા કલેકટર આર.જે.માંકડિયા પાસેથી માર્ગદર્શન માંગી બેઠકની મંજુરી માંગવામાં આવી હતી જેના જવાબમાં જીલ્લા કલેકટર દ્વારા ચુંટણીની આદર્શ આચારસહિતા અમલમાં આવી ગયેલ હોવાથી બજેટ બોર્ડની બેઠક બોલાવવા માટેની મંજુરી આપી શકાય નહિ તેવું જણાવ્યું છે.
ગઈકાલે સાંજે જ પાલિકાના ચીફ ઓફિસર દ્વારા જીલ્લા કલેકટર તરફથી આપવામાં આવેલ જવાબની સાથે આજની બજેટ બોર્ડની બેઠકને મંજુરી મળેલી ન હોવાથી હાલમાં મુલતવી રાખવામાં આવે છે. અંગેની મોરબી પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના પદાધિકારીઓ તેમજ સભ્યોને લેખિતમાં જાણ કરી દેવામાં આવી છે. જો કે, હાલમાં બજેટ બોર્ડની બેઠક મળી ન હોવાથી આગામી મહિના પ્રારંભથી લઈને ચુંટણીની આચારસહિતા પૂરી નહી થાય ત્યાં સુધી પાલિકા કર્મચારીના પગાર ખર્ચથી લઈને જુદાજુદા નાનામોટા ઘણા ખર્ચ માટે ઘણા બધા ઈશ્યુ ઉભા થશે તેમ શશંકાને કોઈ સ્થાન નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં લોકસભાની ચુંટણી ગમે ત્યારે જાહેર કરી દેવામાં આવે તેવી શક્યતા હતી તેમ છતાં પણ પાલિકાના અધિકારી કે પછી પદાધિકારી દ્વારા નાણાકીય વર્ષનું બજેટ મંજુર કરવા માટેની બજેટ બોર્ડની બેઠક વહેલા કેમ ન બોલાવી તે સો મણનો સવાલ છે. હવે જ્યાં સુધી ચૂંટણીની પ્રક્રિયા પૂરી નહિ કરવામાં આવે ત્યાં સુધી પાલિકામાં બજેટ બોર્ડની બેઠક મળી શકશે નહિ જેથી ભવિષ્યમાં નાણાકીય બાબતને લઈને ઘણા બધા ઈશ્યુ ઉભા થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
સુત્રોના કહેવા પ્રમણે માર્ચ મહિના પછી પાલિકા દ્વારા કોઇપણ પ્રકારના કામ માટે નાણાકીય ખર્ચ કરવાનો થતો હશે તો તેના માટે જીલ્લા કલેકટર પાસેથી દરેક વખતે મંજુરી લેવી પડશે અને જો કલેકટર દ્વારા બજેટ બોર્ડની બેઠકની જેમ મંજુરી નહિ આપવામાં આવે તો લોક્સુખાકારીના કે પછી અન્ય કામો અટકી જશે.

સરકારી બીલના ચુકવણા, પગાર માટે પણ મંજુરી જરૂરી!
પાલિકામાં બજેટ બોર્ડની બેઠકને મુલતવી રાખી દેવામાં આવી છે જેથી અગાઉ બોર્ડની મંજુરીની અપેક્ષાએ કરવામાં આવેલા ખર્ચાઓને મંજુરી મળી શકશે નહી, ભવિષ્યમાં આચારસહિતા ઉઠે ત્યાં સુધી કોઇપણ પ્રકારના ખર્ચા સબંધિત વિભાગના અધિકારીની મંજુરી વગર કરી શકાશે નહી અને અધૂરામાં પૂરું ગત જનરલ બોર્ડમાં ખર્ચની મંજૂરીના એજન્ડાને પેન્ડીંગ રાખવામાં આવ્યો હતો જેથી પાલિકામાં ભયંકર નાણાકીય કટોકટી ઉભી થવાની શક્યતા સેવવામાં આવી રહી છે.
વધુમાં પાલિકાના સુત્રોના કહેવા પ્રમાણે વીજ બીલ, ટેલીફોન બીલ સહિતના સરકારી બીલોનું ચુકવણું પણ આગામી મહિનાથી મંજુરી વગર કરી શકાશે નહિ અને પાલિકાના કાયમી તેમજ રોજમદાર કર્મચારીના પગાર કરવા માટે પણ સબંધિત વિભાગના અધિકારીની મંજુરી લેવી પડશે ત્યારે આકસ્મિક ખર્ચ એટલે કે કોઈ સ્થળે આગ લાગી હોય અને ફાયરના વાહનમાં ડીઝલ ન હોય તો તે ડીઝલ પુરાવવા માટે પણ પહેલા મજુરી લેવી પડશે નહિ તો ખર્ચ કરી શકાશે નહિ માટે પાલિકાના અધિકારી અને પદાધિકારીની બેદરકારીના લીધે પાલિકામાં આર્થિક કટોકટી જેવી પરિસ્થિતિનું નિર્માણ આગામી દિવસોમાં થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.


Advertisement