ધડાકાથી લોકોમાં ગભરાટ : પોલીસ દોડી

13 March 2019 03:34 PM
kutch

ફાયટર જેટના ઉડયન સમયે સર્જાતા હવાના દબાણથી ધડાકો થયાનું તારણ

Advertisement

ભૂજ તા.13
પુલવામાંમાં સીઆરપીએફના જવાનો પર થયેલા ભીષણ આતંકવાદી હુમલા બાદ,ભારત-પાકિસ્તાન વચ્ચે ઉભી થયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિના માહોલમાં કચ્છની રણસરહદે આવેલા ખાવડા પંથકમાં આજે સવારે સાડા સાત વાગ્યાના અરસામાં પ્રચંડ આકાશી ધડાકાથી લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ધડાકો એટલો પ્રચંડ હતો કે ખાવડા પંથકના અનેક ગામોના લોકો અવાજ સાંભળીને ગભરાઈને બહાર આવી ગયાં હતા.ધડાકા બાદ અમુક લોકોએ આકાશમાં ધુમાડા સાથે નીચે કોઈ વસ્તુ પડતાં જોઈ હોવાની પણ અફવા ફેલાઈ હતી. ખાવડામાં રહેતા કાળા ડુંગર મંદિર સમિતિના પ્રમુખ અને સ્થાનિક આગેવાન હિરાલાલ રાજદેએ જણાવ્યું હતું કે ધડાકા બાદ લોકોમાં ભય અને કૂતુહલ સર્જાયાં હતા.
બીજી તરફ, ખાવડા પોલીસ મથકના પીએસઆઈ એન.જે. સરવૈયાએ આ અંગે જણાવ્યું હતું કે, ‘સવારે આકાશમાંથી પસાર થયેલાં ફાઈટર પ્લેનની ઝડપના કારણે આ અવાજ પેદા થયો હોવાનું રતડીયા નજીક આવેલા એરફોર્સ કેમ્પએ સ્પષ્ટતા કરી છે.’ હાલ પાકિસ્તાન સાથેના તંગદીલિભર્યાં સંબંધોને અનુલક્ષીને આકાશમાં ભારતીય વાયુદળના લડાકુ વિમાનો ચક્કર લગાવી રહ્યાં છે. આવા જ કોઈ ફાયટર જેટની ગતિમાં વધારા-ઘટાડાના લીધે આ ધડાકો ઉદભવ્યો હોઈ શકે છે. અમે વિવિધ ગામોની મુલાકાત લીધી અને ગ્રામજનો સાથે ચર્ચા કરી પણ કોઈએ આકાશમાંથી કોઈ ચીજવસ્તુ પડતાં જોઈ નથી.’ ઉડ્ડયનક્ષેત્રના નિષ્ણાતોના દાવા મુજબ અવાજની ગતિ કરતાં વધુ ગતિ ધરાવતાં સુપરસોનિક ફાયટર જેટના કારણે ઘણીવાર હવાનું પ્રચંડ દબાણ સર્જાતું હોય છે જે બર્સ્ટ થતાં આ પ્રકારનો ધડાકો થતો હોય છે. જે ‘સોનિક બુમ’ તરીકે ઓળખાય છે.
કચ્છમાં પબજી અને મોમો ચેલેન્જ પર પ્રતિબંધ
સ્માર્ટ ફોન પર રમાતી પ્રસિદ્ધ પબજી અને મોમો ચેલેન્જ પર ગુજરાત રાજ્યના વિવિધ પોલીસ કમિશનરોએ પ્રતિબંધ મુક્યો છે
ત્યારે કચ્છના મહિલા કલેકટર રેમ્યા મોહને પણ સરહદી કચ્છમાં આ ગેમ રમવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. આ ગેમના કારણે યુવાનોના વ્યવહાર, વર્તન, વાણી અને વિકાસ પર દુષ્પ્રભાવ પડતો હોવાનું મનોવૈજ્ઞાનિકો અને સમાજશાસ્ત્રીઓએ સર્વેક્ષણોમાં સાબિત કર્યું છે.
ગત પાંચમી માર્ચે રાજ્યના ગૃહ વિભાગે ઈમેઈલ દ્વારા પ્રતિબંધ મુકતું જાહેરનામું પ્રગટ કરવા તમામ જિલ્લાઓને સૂચના પાઠવી હતી. જે સંદર્ભે જાહેર સલામતી, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અનુલક્ષીને પબજી ગેમ પર પ્રતિબંધ મુકતું જાહેરનામું પ્રગટ કરાયું છે. કોઈ આ ગેમ રમતું હોય તો તે અંગે નજીકના પોલીસ મથકે લેખીત અથવા મૌખિક જાણ કરવા જનતાને સૂચન કર્યું છે.


Advertisement