જસદણમાં માતાની હત્યા ગણાવતા પુત્રની એસ.પી.ને ન્યાય માટે અરજી

13 March 2019 03:29 PM
Jasdan

પોલીસ સહકાર ન આપતી હોવાનો ઈબ્રાહિમ પઠાણનો આક્ષેપ: ભાઈઓની ધાક-ધમકીથી ત્રાસી જસદણ છોડવું પડયું: અનેક વખત ફોન કર્યા છતા નિવેદન માટે ઈબ્રાહિમ હાજર થતો નથી: હે.કો. રાજાભાઈ વકાતર

Advertisement

રાજકોટ તા.13
જસદણમાં ગેબનશાહ સોસાયટીમાં આજથી ચાર વર્ષ પહેલા મૃત્યુ પામેલ મુસ્લિમ વૃધ્ધાની હત્યા થઈ હોય, જાણ વગર લાશ દફનાવી દેવાઈ હોય, તપાસ કરવા વૃધ્ધાના પુત્રએ જસદણ પોલીસ અને રાજકોટ જીલ્લા પોલીસ વડાને લેખિતમાં અરજી કરી છે. પણ પોલીસ સહકાર ન આપતી હોવાના આક્ષેપો થયા છે. જસદણ પોલીસે આક્ષેપોને પાયા વિહોણા ગણાવી અરજદાર નિવેદન આપવા જસદણ પોલીસમાં ન આવતો હોવાનું જણાવ્યું હતું.
આ અંગે મળતી વિગતો મુજબ જસદણમાં ગેબનશા સોસાયટીમાં રહેતા ઈબ્રાહીમ આલમ પઠાણ નામના આધેડ પુત્રએ પોતાની માતા રસિદાબેનનું આજથી ચાર વર્ષ પહેલા મૃત્યુ થયુ હોય, આ બનાવ હત્યાનો હોવાની શંકા દર્શાવી જસદણ પોલીસ તેમજ રાજકોટ જીલ્લા પોલીસ વડાને તપાસ કરવા લેખિત રજુઆતો કરી હતી.
આ બાબતે ઈબ્રાહીમ પઠાણે પોલીસ સહકાર ન આપતી હોવાના આક્ષેપો કરતી બીજી એક અરજી ગઈકાલે જીલ્લા પોલીસવડાને કરી છે.
આ અરજીમાં ઈબ્રાહીમ પઠાણે જણાવ્યું છે કે તેમના માતાના મૃત્યુ બાદ તેમને કે તેમના કલોલ સ્થિત માતાને જાણ કર્યા વગર માતાની લાશને દફનાવી દીધી હતી. એટલે આ બનાવ શંકાસ્પદ છે. માલ મિલકત હડપ કરવા આ કૃત્ય આચરાયાનો અરજદારે આક્ષેપ કર્યો છે.
બીજી બાજુ આ બાબતે સત્ય જાણવા કરાયેલા પ્રયાસ દરમિયાન જસદણ પોલીસના હેડ કોન્સ્ટેબલ રાજાભાઈ વકાતરે ‘સાંજ સમાચાર’ને જણાવેલ કે માનસિક અસ્વસ્થ સ્થિતિમાં પોલીસને અરજી કરતા ઈબ્રાહીમ પઠાણનો માલ મિલકતમાં કોઈ હકક હિસ્સો ન હોવાનું તેમના પિતા આલમભાઈએ પોલીસને નિવેદન આપેલુ છે.
પોતાની અરજીઓ સંદર્ભે અનેક વખત ફોન કરવા છતા ઈબ્રાહીમ પોલીસ થાણે નિવેદન આપવા આવતો નથી અને તેમણે કરેલા તમામ આક્ષેપો પાયાવિહોણા હોવાનું રાજાભાઈએ જણાવ્યું હતું.


Advertisement