ભાજપની પ્રથમ યાદી સપ્તાહના અંતે: મોદી ઉમેદવાર નંબર વન

13 March 2019 11:17 AM
India Politics
  • ભાજપની પ્રથમ યાદી સપ્તાહના અંતે: મોદી ઉમેદવાર નંબર વન

ચૂંટણી ઢંઢેરો તા.11ના મતદાનના 24 કલાક પુર્વે બહાર પાડશે ભાજપ: ડિફેન્સ-કૃષિ મુદા ઉછાળાશે : પ્રથમ યાદીમાં યુપી, બિહાર, રાજસ્થાન, ઉતરાખંડ, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને પ.બંગાળનો સમાવેશ: સંબીત પાત્રા પુરીથી લડવા ઉત્સુક: ગૌતમ ગંભીર નવી દિલ્હીના ઉમેદવાર

Advertisement

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત અને આગામી સપ્તાહથી શરુ થનારી ઉમેદવારીપત્રકો ભરવાની પ્રક્રિયામાં ભાજપ તેના ઉમેદવારોની પ્રથમ યાદી શનિવારે જાહેર કરે તેવી શકયતા છે. પક્ષના ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ પ્રથમ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ વારાણસી બેઠક માટે જાહેર કરે તેવી સંભાવના છે. પક્ષ આ ઉપરાંત ભાજપના પ્રવકતા સંબીત પાત્રા, પુરીની બેઠક માટે લોબીંગ કરી રહ્યા છે. જેઓ મૂળ ઓડીસાના જ છે.
પ.બંગાળમાં તૃણમુલ કોંગ્રેસે અનેક બંગાળી ફીલ્મ સીતારાઓને ટિકીટ આપી છે તેની ભાજપની યાદીમાં પણ ગ્લેમર્સ જોવા મળશે.
દિલ્હીમાં ભાજપ નવી દિલ્હી જે પોશ ક્ષેત્ર છે ત્યાંથી મિનાક્ષી સેબીની ટિકીટ કાપી ક્રિકેટર ગૌતમ ગંભીરને ચૂંટણી લડાવી શકે છે. જો કે તેની સાઉથ દિલ્હીથી પણ ચૂંટણી લડે તેવી સંભાવના વ્યક્ત થાય છે. જયાં આમ આદમી પાર્ટીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાગવ ચઢ્ઢાને મેદાનમાં ઉતાર્યા છે.
આ ઉપરાંત ઉતર પ્રદેશ અને પ.બંગાળ જે તમામ સાત તબકકાના મતદાનમાં સામેલ છે તે બેઠકોના ઉમેદવારની યાદી જાહેર થશે. ભાજપ આ ઉપરાંત બિહાર, રાજસ્થાન, ઉતરાખંડ, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના કેટલાક બેઠકો જેના ઉમેદવારોના નામ ફાઈનલ છે તે પણ જાહેર કરશે. તા.16ના રોજ ઉમેદવારોની આખરી પસંદગી માટે ભાજપની પાર્લીયામેન્ટ્રી બોર્ડની બેઠક બપોર બાદ દિલ્હીમાં મળશે. જેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમીત શાહ તમામ સભ્યો હાજર રહેશે. સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપ એન્ટી-ઈન્કમબન્સી શાસન વિરોધી મતો ખાળવા માટે કેટલાક જાણીતા ચહેરાને બદલીને નવા યુવા ચહેરાને સ્થાન આપી શકે છે. ભાજપ તેનો ચૂંટણી ઢંઢેરો એપ્રીલના પ્રથમ સપ્તાહમાં જ બહાર પાડશે. તા.11 એપ્રિલે પ્રથમ તબકકાનું મતદાન છે તે પુર્વે પક્ષ તા.10 કે 9ના રોજ તેનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડશે. અગાઉ ચૂંટણી પંચે મતદાનના 48 કલાક પુર્વે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવા પર પ્રતિબંધ મુકવાની તૈયારી કરી હતી પણ તે અમલમાં મુકાયું નથી. ભાજપે ચૂંટણી વચનો માટે 300 જેટલા વિડીયો રથથી લોકો પાસે ‘સૂચનો’ માંગ્યા હતા અને તેનો પ્રભાવ પણ ઢંઢેરામાં જોવા મળી શકે છે. ભાજપ તેના ચૂંટણી ઢંઢેરામાં મેઈક-ઈન-ઈન્ડીયામાં ડિફેન્સ ઉત્પાદન માટે ખાસ જાહેરાતો કરી સર્જીકલ સ્ટ્રાઈક તાજી રાખવાનો પ્રયાસ કરશે તથા વડાપ્રધાનની કિસાન નીધીની પણ જોરશોરથી આગળ ધપાવાની જાહેરાત કરશે.


Advertisement