ગુરુવારે લોકસભા માટે રાજકોટમાં ભાજપની સેન્સ: "લોકલ” ઉમેદવાર?

12 March 2019 06:58 PM
Rajkot Gujarat
  • ગુરુવારે લોકસભા માટે રાજકોટમાં ભાજપની સેન્સ: "લોકલ” ઉમેદવાર?

રાજકોટ શહેરના ઉમેદવાર મુકજો: મુખ્યમંત્રી સુધી લાગણી પહોંચી હોવાની ચર્ચા : પ્રદેશના ત્રણ નિરીક્ષકો દિવસભર સેન્સ લેશે રાજકોટના વર્તમાન સાંસદ સહીત અનેક દાવેદારો: નિરીક્ષકોની પેનલ મવડીમંડળને રીપોર્ટ આપ્યા બાદ પેનલ બનશે

Advertisement

રાજકોટ તા.12
ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટેની તૈયારી ભાજપે કરી લીધી છે અને તા.14 થી રાજયભરમાં પક્ષના નિરીક્ષકો દ્વારા તમામ 26 મત વિસ્તારોમાં જઈને સેન્સની પ્રક્રિયા શરુ કરવામાં આવશે તથા ત્રણ દિવસની આ પ્રક્રિયા બાદ તા.17 અને 18ના રોજ પ્રદેશ કાર્યાલય ખાતે નિરીક્ષકોના રીપોર્ટ અને જે તે બેઠકોના ભાજપના પદાધિકારીઓની હાજરીમાં આ રીપોર્ટ મોવડીમંડળને સુપ્રત કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ નિરીક્ષકો પોતાની પાસે જે દાવેદારોના નામ આવ્યા હશે તેમની પાસે આવેલી રજુઆતના આધારે રિપોર્ટ સોંપશે અને ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં આ રીપોર્ટ પરથી પેનલ બનાવીને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડને સુપ્રત કરવામાં આવશે અને માર્ચ માસના અંતિમ દિવસોમાં ગુજરાત ભાજપની પ્રથમ યાદી જાહેર થાય તેવી શકયતા છે. આ પ્રક્રિયા માટે તા.14ના રોજ રાજકોટ ખાતે લોકસભાના ઉમેદવારની સેન્સ લેવા નરહરી અમીન, બાબુભાઈ જેબલીયા અને જયાબેન ઠકકર ઉપસ્થિત રહેનાર છે. રાજકોટ લોકસભા બેઠક ભાજપ માટે અત્યંત સલામત ગણાય છે અને એક અપવાદ સિવાય પક્ષ માટે આ બેઠકનો વિજય સરળ માનવામાં આવે છે અને પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ વર્તમાન સાંસદ મોહનભાઈ કુંડારીયાનું નામ આ બેઠક પર સૌથી આગળ છે. પરંતુ હાલમાં જ રાજકોટ લોકસભા બેઠક પર રાજકોટના લોકલ અને યુવા ઉમેદવારને પણ તક આપવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ રજુઆત થઈ હોવાનું રાજકોટ શહેર ભાજપમાં ચર્ચામાં છે. રાજકોટ લોકસભા બેઠકમાં મોટાભાગના ધારાસભા મતવિસ્તારમાંથી અનેક દાવેદારો ઉપસ્થિત રહેશે. પરંતુ સૌથી વધુ મતદાર ધરાવતા રાજકોટ શહેરના પ્રોપર ઉમેદવારને મુકવા માટે કાર્યકર્તાઓ તથા નેતાઓએ મુખ્યમંત્રી સમક્ષ પોતાની વાત પહોંચાડી હોવાનું માનવામાં આવે છે અને આ માટે બે થી ત્રણ નામો પણ આપવામાં આવ્યા હોય તેવી ચર્ચા શહેર ભાજપમાં છે. ગુરુવારે હવે લોકસભા બેઠક માટે કોણ દાવેદારી કરે છે તેના પર સૌની નજર છે.
Image result for kamlesh mirani
કયારે કોણ સેન્સ આપશે
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ જાહેર કરેલી યાદી મુજબ શહેર ભાજપ કાર્યાલય ખાતે નિરીક્ષકોની ટીમ તા.14 માર્ચના રોજ રાજકોટ લોકસભા બેઠક માટે સેન્સ લેશે. જેમાં રાજકોટ મહાનગર, જીલ્લો તથા જસદણ, પડધરી, ટંકારા, વાંકાનેર, રાજકોટ ગ્રામ્યના કાર્યકર્તાઓને સાંભળવામાં આવશે. આ ઉપરાંત મોરબી મત વિસ્તારના કાર્યકર્તાઓ માટે પણ સેન્સ આપવાની પ્રક્રિયા રહેશે. શ્રી મીરાણીના જણાવ્યા પ્રમાણે સેન્સની પ્રક્રિયામાં સવારે 9.30 કલાકે જસદણ વિધાનસભામાં જસદણ શહેર તથા તાલુકો અને વિંછીયા તાલુકો, 10.30 કલાકે, પડધરી, ટંકારા તાલુકો તથા મોરબી તાલુકો, 11.30 વાગ્યે વાંકાનેર શહેર તથા તાલુકો, 12.30 વાગ્યે રાજકોટ ગ્રામ્ય તથા કોટડા, લોધીકા તાલુકો, રાજકોટ મહાનગર વોર્ડ નં.11,12 અને 18, સાંજે 4.30 કલાકે રાજકોટ પુર્વ 68 વિધાનસભા વોર્ડ નં.4,5,6,15 અને 16, 5.30 કલાકે રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા વોર્ડ નં.1,2,3,8,9,10 અને 6.30 કલાકે રાજકોટ દક્ષિણ વિધાનસભા વોર્ડ નં.7,13,14,17ના કાર્યકર્તાઓ સેન્સ આપશે.


Advertisement