ઓસ્ટ્રેલિયા સામે ભારતની હાર માટે ડીઆરએસ પર ભડકયો વિરાટ

11 March 2019 06:28 PM
Sports
  • ઓસ્ટ્રેલિયા સામે ભારતની હાર માટે ડીઆરએસ પર ભડકયો વિરાટ

એશ્ટનને થર્ડ અમ્પાયરે નોટઆઉટ જાહેર કર્યા બાદ કોહલીએ રિવ્યુ અપીલ કરેલી પણ ત્રીજા અમ્પાયરે પણ નિર્ણય ન બદલ્યો

Advertisement

મોહાલી તા.11
અત્રે ઓસ્ટ્રેલિયા સામે ચોથી વન-ડેમાં ભારતની હાર મામલે વિરાટ કોહલી ખરાબ ફિલ્ડીંગનો સ્વીકાર કર્યો હતો તેની સાથે સાથે ડીઆરએસ (ડીસીઝન રિવ્યુ સીસ્ટમ)થી પણ ખાસ્સા એવા નારાજ થઈ ગયા હતા.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મોહાલીમાં રમાયેલી ચોથી વનડે મેચમાં ભારતે ચાર વિકેટે હારનો સામનો કરવો પડયો હતો. ઓપનર શિખર ધવનની શાનદાર શતકીય વાપસી પર ઓપનર ઉસ્માન ખ્વાજા (91 રન), પીટર હેન્ડકોમ્બ (117) રને અને એશ્ટન ટર્નરે પાણી ફેરવી દીધું હતું. ઓસ્ટ્રેલિયાએ ચોથો વનડે 4 વિકેટથી જીતીને પાંચ મેચોની સીરીઝમાં 2-2થી બરાબરી કરી લીધી હતી. સીરીઝનો ફેંસલો હવે 13 માર્ચે દિલ્હીમાં યોજાનારા પાંચમા અને આખરી મેચમાં થશે. ચોથી મેચમાં ભારતની હારના બારામાં કેપ્ટન કોહલીએ જણાવ્યું હતું કે ડીઆરએસ પર નિર્ણય આશ્ર્ચર્યજનક હતો. તેમાં જરાપણ નિરંતરતા નહોતી. હવે આ મુદો દરેક મેચમાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ પરેશાનીભર્યું બની શકે છે.
મોહાલીમાં હારનું કારણ આપતા વિરાટે વધુમાં જણાવ્યું હતું કે આ મેચમાં મહત્વની ભૂમિકા ભજવનાર એશ્ટન ટર્નરને થર્ડ અમ્પાયરે નોટઆઉટ જાહેર કર્યો હતો. થર્ડ અમ્પાયરના આ નિર્ણય પર વિરાટે નારાજગી દર્શાવી હતી. આ મેચમાં ડીઆરએસએ દરેકને આશ્ર્ચર્યચકીત કર્યા. ડીઆરએસના ખોટા નિર્ણય લેવા હવે એક નવો વિષય બનતો જાય છે. મને લાગે છે કે ટર્નીંગ પોઈન્ટ પર આ પ્રકારનો ખોટો નિર્ણય આપવો સાચી વાત નથી.
44મી ઓવરમાં 41માં રન પર એશ્ટન ટર્નર બેટીંગ કરતો હતો ત્યારે અમ્પાયરે તેને નોટઆઉટ જાહેર કર્યો હતો. ઋષભ પંતે વિકેટની પાછળ કેચ લીધો બાદ જોરદાર અપીલ કરેલી જેને ઓનફીલ્ડ અમ્પાયરે નોટઆઉટ જાહરે કરેલી.બાદમાં કોહલીએ રિવ્યુની અપીલ કરી હતી. ત્રીજા અમ્પાયરે પણ ઓન ફીલ્ડ અમ્પાયરના નિર્ણયને નહોતો બદલ્યો. જેનું પરિણામ ભારતની હારમાં આવેલું તેમ કોહલીએ જણાવ્યું હતું.


Advertisement