માર્ચ મહિનાના મઘ્યાહને પણ મિશ્ર ઋતુનો માહોલ

11 March 2019 11:32 AM
Rajkot Gujarat Saurashtra
  • માર્ચ મહિનાના મઘ્યાહને પણ મિશ્ર ઋતુનો માહોલ

દિવસનું તાપમાન 35 ડિગ્રી નજીક લાગ્યું પહોંચવા : હવામાં વધતા ભેજથી બફારાનો પણ પ્રારંભ : આગામી સપ્તાહથી ગરમીના આક્રમણનો સંકેત

Advertisement

રાજકોટ તા.11
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં માર્ચ મહિનાના મઘ્યાહને પણ હજી દિવસે ગરમી રાત્રે ઠંડકનો મિશ્ર ઋતુનો માહોલ યથાવત રહેવો છે તો સંભવત: આગામી સપ્તાહથી ઉનાળાનું આક્રમણ વિધિવત રીતે થવાનો સંકેત હવામાન વિભાગના રાજય વડાની કચેરી દ્વારા દર્શાવવામાં આવ્યો છે.
ચાલુ વર્ષ શિયાળામાં સતત ઠંડીના દિવસો ચાલુ રહ્યા હતા. જો કે મોટા ભાગના સ્થળોએ ઠંડીના દિવસમાં પારો 10 ડિગ્રી નજીક અવરિત નોંધાયો હતો. લગભગ બે માસ સુધી સતત ઠંડીના દિવસો ચાલુ રહ્યા બાદ ચાલુ વર્ષ ફેબ્રુઆરી માસના મઘ્યાહન બાદ મિશ્ર ઋતુનો માહોલ શરૂ થયો છે. જે માર્ચ મહિનાની મઘ્યાહને પણ અવિરત જોવા મળે છે.
જમ્મુ કાશ્મીરમાં થયેલી હિમવર્ષા બાદ ગત સપ્તાહમાં અપર એર સાયકલોનીક સરકયુલેશનની અસર હેઠળ વાતાવરણમાં બદલાવ આવ્યો હતો. પરંતુ સતત ઉત્તર પૂર્વ કે ઉત્તર પશ્ર્ચિમના ફૂંકાતા પવનની અસર હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છમાં દિવસે 30 ડિગ્રી કે તેની આસપાસ નોંધાતા મહત્તમ તાપમાનથી ગરમીનો અહેસાસ લોકોને થતો આવે છે. જયારે
સાંજથી ઉત્તર પૂર્વ, ઉત્તર પશ્ર્ચિમના ફૂંકાતા પવનની અસર હેઠળ રાતથી સવારે મોડે સુધી સામાન્ય ઠંડક સાથે ખુશ્નુમા હવામાનનો નઝારો લોકોને જાણવા મળી રહ્યો છે.
દરમિયાન ગઇકાલે એકાએક ઉચકાયેલા તાપમાનની અસર હેઠળ વઢવાણ, જસદણ, ચોટીલા સહિતના વિસ્તારમાં હવામાન માં પલટો આવતાની સાથે સ્થાનિક વાદળા ચડી આવ્યા હતા તો કયાંક છાંટા પણ પડયાનું જાણવા મળ્યું છે.
ગઇકાલે નોંધાયેલા ગરમીના પારામાં રાજકોટ 34.3, ભાવનગરમાં 32.4, પોરબંદર 30.4, વેરાવળમાં 30.2, નલીયા 30.6, સુરેન્દ્રનગરમાં 32.3, કંડલામાં 34.2, અમરેલીમાં 34.8, મહુવામાં 33.4 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયું હતું. જો કે સૌરાષ્ટ્રના સાગરકાંઠામાં દરિયાઇ ભેજની અસર હેઠળ મહતમ તાપમાન 30 ડિગ્રી નીચે નોંધાતા ગરમીમાં રાહત હતી પરંતુ આ બફારાથી લોકો પરેશાન જોવા મળતા હતા.
રાજકોટ
રાજકોટમાં ગઇકાલે મહતમ તાપમાન 34.3 ડિગ્રી નોંધાયા બાદ આજે સવારે ખુશનુમા હવામાન વચ્ચે ન્યુનમ તાપમાન 18 ડિગ્રી આસપાસ જળવાઇ રહ્યું હતું. જો કે સવારે ઝાકળ વર્ષા બાદ હવામાન સ્વચ્છ થતાની સાથે જ સૂર્યનારાયણે રંગ દેખાડવાનું શરૂ કરતા મહતમ તાપમાન 35 ડિગ્રી સુધી પહોંચી જવાનો સંકેત હવામાન વિભાગે જણાવ્યું છે.


Advertisement