જૂના રાજકોટની 1.40 લાખ મિલકતો બોજમાંથી બચી ગઇ!

11 February 2019 04:42 PM
Rajkot

પ્રથમ વર્ષે જ 30 વર્ષ જૂની મિલકતનો ટેકસ ડબલ કરવાની દરખાસ્ત શાસકોએ નામંજૂર કરી ત્યારે જાહેર થઇ : નવી સુવિધા આપતા નથી તો કરવધારો શું કામ? ઉદય કાનગડ

Advertisement

રાજકોટ તા.11
રાજકોટમાં સાડા ચાર દાયકામાં લગભગ બેક વખત જ મિલકત વેરાના દરમાં ફેરફાર થયા છે. પરંતુ પારદર્શક અને ફાયદારૂપ ગણાવાયેલી કાર્પેટ એરીયા મુજબની પ્રોપર્ટી ટેકસ પઘ્ધતિ ગમે ત્યારે કઇ રીતે વેરા વધારી દે તેનો પરચો લોકોને પહેલા જ વર્ષે મળતા મળતા રહી ગયો છે.
કમિશ્નરે બજેટમાં માત્ર 16.પ0 કરોડનો કરબોજ સૂચવ્યાનું જાહેર કર્યુ હતું. પરંતુ વેરા પઘ્ધતિના નિયમોમાં ફેરફારની દરખાસ્ત ‘ગૂપચૂપ’ મૂકી હતી. જે પદાધિકારીઓના ઘ્યાને આવતા નામંજૂર કરી છે. સ્માર્ટ લોકોને પણ કમિશ્નરે માત્ર દોઢ ડાહ્યો સાબિત કર્યા હતાં!
આ દરખાસ્તમાં જૂના રાજકોટની વેપારી બજારો સહિતના અનેક વિસ્તારોની 1 લાખ 44 હજાર મિલકતોનો વેરો ડબલ કરી નાંખવાની વાત હતી જે મિલકતો મોટા ભાગે વોર્ડ નં.7 અને 14માં આવે છે. પરંતુ જયાં નવી સુવિધા કે યોજના આપી શકતા નથી ત્યાં વેરા વધારાની જરૂર નથી તેમ સ્ટે.ચેરમેન ઉદય કાનગડે સ્પષ્ટ કર્યુ હતું.
જુની બજારો બચી ગઇ
કમિશનર દ્વારા મિલકત વેરા માટેના કાર્પેટ એરિયા ફેકટરમાં 30 વર્ષ કરતા વધુ ઉંમર ધરાવતી મિલકતના પરિબળ(ફેકટર)માં 100% જેવો વધારો સૂચવવામાં આવેલ હતો. જેને લીધે શહેરના ગામતળના અને જુના કોમર્શિયલ વિસ્તારો જેવા કે, કેનાલ રોડ, પરાબજાર, ધર્મેન્દ્ર રોડ, ઘી કાંટા રોડ, સોનીબજાર, લાખાજીરાજ રોડ, ગરેડીયા કુવા રોડ, જયુબેલી માર્કેટ, મોચી બજાર, દાણા પીઠ, ભુપેન્દ્ર રોડ, કરણસિંહજી રોડ, કોઠારિયા નાકા, કડિયા નવલાઈન, પેલેસ રોડ વિગેરે તેમજ રહેણાંક વિસ્તારો જેવા કે, કરણપરા, પ્રહલાદ પ્લોટ, મીલપરા, ગુંદાવાડી, લક્ષ્મીવાડી, કેવડાવાડી, હાથીખાના વિગેરેમાં આવેલી અંદાજીત 1,40,000 જેટલી મિલકતોના મિલકત વેરામાં અસહ્ય વધારો થાય તેમ હતો.
પરંતુ, શાસકોએ આ બાબતે ઊંડી સમીક્ષા કરી અને એ નિષ્કર્ષ પર આવ્યા કે, વર્ષ 2019-20ના બજેટમાં શહેરના ગામતળ અને જુના વિસ્તારોના રહેવાસીઓ તથા ધંધાર્થીઓ માટે વિશેષ કોઈ લાભ કે યોજના આપી શકાય તેમ નથી. જેથી તેના બદલામાં, કમિશનરશ્રી દ્વારા સૂચવવામાં આવેલ જંગી મિલકત વેરા બોજ નામંજુર કરીને આ વિસ્તારના રહેવાસીઓને તેમજ ધંધાર્થીઓ માટે મોટી વેરા રાહત આપી છે.
આગામી નાણાકીય વર્ષના બજેટમાં રાજકોટ શહેરના જે મિલકતધારકો નળ કનેક્શન ધરાવતા નથી અને ગ્રાઉન્ડ વોટર અથવા તો નેચરલ સોર્સમાંથી પાણી મેળવે છે તેમના પર 10% વોટર ટેક્ષ કમિશનરશ્રી દ્વારા સૂચવવામાં આવ્યો હતો જે પ્રસ્તાવને સ્ટેન્ડિંગ કમિટીએ નામંજુર કરેલ છે.
ક્ધઝર્વન્સી ટેક્ષ
સામાન્ય કરના 1% લેખે ક્ધઝર્વન્સી ટેક્ષ દાખલ કરવાનુ કમિશનરશ્રી દ્વારા સુચવવામાં આવેલ. જે પરત્વે સ્ટેન્ડિંગ કમિટીએ ઊંડાણપૂર્વક સમિક્ષા કરેલ છે અને હાલના તબક્કે ક્ધઝર્વન્સી ટેક્ષ નાખવો જરૂરી જણાતો ન હોઈ, આ પ્રસ્તાવ નામંજુર કરેલ છે.
ડ્રેનેજ ટેક્ષ
સામાન્ય કરના 1% લેખે ડ્રેનેજ ટેક્ષ દાખલ કરવાનુ કમિશનરશ્રી દ્વારા સુચવવામાં આવેલ, જે પરત્વે સ્ટેન્ડિંગ કમિટીએ ઊંડાણપૂર્વક સમિક્ષા કરેલ છે અને હાલના તબક્કે ડ્રેનેજ ટેક્ષ નાખવો જરૂરી જણાતો ન હોઈ, સ્ટેન્ડિંગ કમિટીએ આ પ્રસ્તાવ નામંજુર કરેલ છે.
વાહન કર
મ્યુનિસિપલ કમિશનરશ્રીએ વર્ષ 2019-20ના બજેટમાં વાહન વેરામાં સુચવેલો વધારો કરવાનો પ્રસ્તાવ સ્ટેન્ડિંગ કમિટીએ ઊંડાણપૂર્વકની ચર્ચા વિચારણાના અંતે નામંજુર કરેલ છે.
પાર્કિંગ ચાર્જ
રેસકોર્સ મેદાન, કાલાવડ રોડ, ડો. યાજ્ઞિક રોડ, ઢેબરભાઈ રોડ, ગોંડલ રોડ, જામનગર રોડ, કુવાડવા રોડ, જવાહર રોડ, ટાગોર રોડ, રૈયા રોડ, યુનિવર્સિટી રોડ, ગોંડલ રોડ ચોકડીથી 150 ફૂટ રીંગ રોડ સહિતના 12 માર્ગો પર અને રેસકોર્સ રીંગ રોડ સહિતની નવી સાઈટ્સ માટે કમિશનરશ્રી દ્વારા સૂચવવામાં આવેલ પાર્કિંગ ચાર્જની તમામ જોગવાઈ રદ કરવામાં આવેલ છે. જ્યાં સુધી તંત્ર દ્વારા ટ્રાફિક નિયમનની યોગ્ય વ્યવસ્થા તેમજ પાર્કિંગ સ્પેસ આપી ન શકાય ત્યાં સુધી નવા કોઈ પણ ચાર્જ કે વેરા શહેરીજનો પર લાદવાનું ઇચ્છનીય નહી જણાતા, સ્ટેન્ડિંગ કમિટીએ આ જોગવાઈ પણ રદ કરેલ છે. તેમ ચેરમેન ઉદય કાનગડે કહ્યું હતું.


Advertisement