પાઘડીનો વળ છેડે; ઈકવિટી મ્યુચ્યુઅલ ફંડસમાં રોકાણ 24 મહિનાના તળીયે

11 February 2019 12:19 PM
India
  • પાઘડીનો વળ છેડે; ઈકવિટી મ્યુચ્યુઅલ ફંડસમાં રોકાણ 24 મહિનાના તળીયે

શેરબજારમાં અનેક ઘરેલુ અને વૈશ્ર્વિક પરિબળોના કારણે સર્જાયેલી અસ્થિરતા અને રાજકીય અનિશ્ર્ચિતતા વચ્ચે ઈકિવટી સ્કીમોમાં રોકાણનો પ્રવાહ ઘટી રહ્યો છે. જો કે હજુ રિટેલ ઈન્વેસ્ટરોએ આશા છોડી નથી, પણ આવું ચાલશે તો એ બચાડા પણ રોકડી કરી લેવા મજબૂર બનશે

Advertisement

મુંબઈ: શેરબજારમાં ઉથલપાથલ સાથે મ્યુચ્યુઅલ ફંડની ઈકિવટી સ્કીમોમાં નાણાંનો પ્રવાહ 24 માસમાં સૌથી ઓછો રહ્યો છે. જાન્યુઆરી 2019માં માત્ર રૂા.6158 કરોડ આ ક્ષેત્રે આવ્યા હતા. શેરબજારમાં અસ્થિરતા અને રાજકીય અનિશ્ર્ચિતતાના કારણે સેન્ટીમેન્ટ બગડયું છે. જો કે, આવા ફંડોમાં રિટેલ ઈન્વેસ્ટમેન્ટ યથાવત રહ્યું છે એ કાળા વાદળમાં રૂપેરી કોર બરાબર છે.
એસોસીએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડસ ઓફ ઈન્ડીયાના ડેટા મુજબ ડિસેમ્બર 2018 કરતા જાન્યુઆરીમાં નેટફલો 6.7% ઓછો રહ્યો હતો. એક વર્ષ પહેલા ઈકિવટી સ્કીમોમાં રૂા.15,390 કરોડ આવ્યા હતા તે જોતા ઘટાડો 60% જેવો મોટો છે.
ડેટામાં સમાવિષ્ટ ઈકિવટી ફંડસમાં પ્યોર ઈકિવટી ફંડ તથા ઈકિવટી લિન્કડ સેવિંગ સ્કીમ્સ (ઈએલએસએસ) સામેલ છે.
આર્બિટ્રેજ ફંડ દ્વારા આવતા ફંડને ધ્યાનમાં લઈએ તો ચિત્ર વધુ નિરાશાજનક લાગે છે. લેટેસ્ટ ડેટા મુજબ જાન્યુઆરી 2019માં આર્બિટ્રેજ ફંડોમાં રૂા.1076 કરોડની જાવક (આઉટફલો) જોવા મળી હતી. આ જોતા જાન્યુઆરી, 2019માં નેટ ઈનફલો (આવક) રૂા.3838 કરોડ હતી. ગત વર્ષે ઉદ્યોગે મેળવેલા નાણા કરતા આ રકમ ત્રીજા ભાગની છે.
અન્ય એક ચિંતાજનક પરિબળ રિડેમ્પશનમાં સતત વધારો છે. ડિસેમ્બર 2018માં રૂા.11234 કરોડના રિડેમ્પશન સામે જાન્યુઆરી 2019માં રોકાણકારોએ રૂા.11,397 કરોડનું વેચાણ કર્યુ હતું.
જો કે ઉજળી બાબત એ છે કે રિટેલ ઈન્વેસ્ટરોએ ઈકિવટી મ્યુચ્યુઅલ ફંડોનો સાથ હજુ છોડયો નથી. લિસ્ટમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્ટસ (સિપ) દ્વારા જાન્યુઆરી 2019માં રૂા.8063.67 કરોડ આવ્યા હતા. આગલા વર્ષે એ આંકડો રૂા.8022.33 કરોડનો હતો. સિપ એ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણકારોને નિયમિત સમયાંતરે બાંધી રકમ રોકવા ઓફર કરતો ઈન્વેસ્ટમેન્ટ પ્લાન છે.
એસોસીએશનના ચીફ એકઝીકયુટીવ ઓફીસર (સીઈઓ) એન.એસ.વેંકટેશન જણાવ્યા મુજબ ક્રેડીટસ ઈવેન્ટસ અને વૈશ્ર્વિક અનિશ્ર્ચિતતાના કારણે બજારમાં અસ્થિરતા છતાં રિટેલ રોકાણકારોએ ભારતીય ગ્રોથ સ્ટોરીમાં વિશ્ર્વાસ જાળવી રાખ્યો છે. સિપ ફલો અને ફોલિયો નંબર્સ દ્વારા આ હકીકત સાબીત થાય છે. ડેઈટ એસેટ અન્ડર મેનેજમેન્ટને લાગેવળગે છે ત્યાં સુધી રિઝર્વ બેંક વ્યાજ દર હળવા કરી રહી હોવાથી આગામી સપ્તાહોમાં પ્રવાહ મળે તેવી આશા છે.
જો કે હાલની ઉથલપાથલ, અસ્થિરતા ચાલુ રહેશે તો ઈનફલોને અસર થવાની શકયતા છે. મોતીલાલ ઓસ્વાલા મ્યુચ્યુઅલ ફંડના સીઈઓ આશિષ સોમૈયાના જણાવ્યા મુજબ લિપ માર્ગે માસ પ્રતિમાસ ઈનફલોમાં સીમાંત વૃદ્ધિ થઈ રહી છે, પણ ગ્રોથરેટ ઘટી રહ્યો છે. તેમના મત મુજબ ઈકિવટી ફલો ઘટતો જશે અને સંભવત: નકારાત્મક બનશે. આ ટ્રેન્ડ માટે તેમણે ભૂતકાળનો નબળો દેખાવ, બેલેન્સડ ફંડનું મિસસેલિંગ અને ઓછા કમીશનને જવાબદાર ઠેરવ્યા હતા.
છેલ્લા થોડા વર્ષોમાં મોટાભાગના વિતરકો-એજન્ટોએ બેલેન્સડ (હાઈબ્રીડ) ફંડસને નિયમિત ડિવિડન્ડ આવક આપતા રોકાણ તરીકે વેચ્યા હતા.
વાસ્તવિકતા એ છે કે બેલેન્સડ ફંડના ડિવિડન્ડ પણ બજાર આધારીત છે અને આવકના સ્થિર સ્ત્રોત તરીકે એના પર આધાર રાખી શકાય નહીં, આ ફંડોમાં જોખમ ઓછું હોવાની છાપ છે, પણ ઈકિવટી અને ડેટ બન્નેમાં ખોટની શકયતાથી આવું માની લેવું ખોટું છે. સોમૈયાએ જણાવ્યું હતું કે ગત વર્ષે બેલેન્સડ ફંડોએ પણ નકારાત્મક વળતર આપ્યું હતું.
પ્લાન એહેડ ફાઈનાન્સીયલ એડવર્ટાઈઝીંગ વિશાલ ધવન ફંડના ઈનફલોમાં ઘટાડા માટે નબળા રિટર્ન અને અનિશ્ર્ચિત ભાવિ જવાબદાર ગણે છે, હાલના સિપ રોકાણકારો કદાચ નીચું વળતર જોઈ રહ્યા છે. ખાસ કરીને મીડ અને સ્મોલ કેપ સ્કીમોના નિરાશાજનક વ્યવહારથી તે તેમના વિકલ્પો પુન:વિચારી રહ્યા છે.
વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતમાંથી નાણાં પાછા ખેંચી રહ્યા છે ત્યારે ડોમેસ્ટીક લિકિવડીટી ઈકિવટી માર્કેટ માટે વધુ મહત્વની બની છે. એમાં પણ જો પ્રવાહ સુકાઈ જશે તો શેરબજારમાં રોકાણને વધુ ધકકો પહોંચશે. 1018માં એફઆઈઆઈ દ્વારા 45,574 કરોડ ડોલરની ઈકિવટીનું વેચાણ કરાયું હતું.


Advertisement