અંજાર-કુકમા વિસ્તારમાં ખેતીની જમીનને નુકશાની બદલ 13 ખેડૂતોને પપ.63 લાખના વળતરના ચેક અપાયા

11 February 2019 12:13 PM
kutch
Advertisement

ભૂજ તા.11
અંજારથી કુકમા સુધી પાઇપલાઇન નાખવાના ચાલી રહેલા કામને 14 મહિનાના બદલે રેકોર્ડ સમયમાં એટલે કે ફક્ત 4 મહિનામાં યુધ્ધના ધોરણે પૂરૂ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. એટલી જ ઝડપે, ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ દ્વારા અંજારથી કુકમા સુધીની જમીનની નીચે પાઇપલાઇન નાખવાના ખોદાણથી જમીન અને પાક નુકસાની માટે ચૂકવવાની થતી રકમનું પણ ખેડૂતોને ત્વરિત ચૂકવણું શરૂ કરી દેવામાં આવ્યું છે.
રતનાલ ગ્રામ પંચાયત કચેરી ખાતે ગઇકાલે સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ રાજ્યમંત્રી વાસણભાઈ આહીરના હસ્તે રતનાલ-ચુબડકના 13 ખેડૂતોને નુકસાની વળતર પેટે રૂ. 55.63 લાખથી વધુ રકમનાં ચેક અર્પણ કરી કાર્યનો શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે જીડબલ્યુઆઇએલ અંજારના સિનિયર મેનેજર સી.બી.ઝાલાએ આપેલી વિગતો અનુસાર પશ્ચિમ કચ્છમાં લખપત-અબડાસા અને બન્ની વિસ્તારમાં વરસાદના અભાવે અંજાર-કુકમા વચ્ચેની પાણીની પાઇપલાઇનનું કાર્ય રેકોર્ડ સમયમાં પૂર્ણ કરવા રાત-દિવસ જહેમત ઉઠાવાઇ રહી છે.
રાજ્યમંત્રી વાસણભાઈ આહીર દ્વારા પણ આ કાર્ય ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં સતત માર્ગદર્શન મળવાના પરિણામે તેમજ તંત્રો વચ્ચે સંકલનથી અડચણ રૂકાવટ વિના ચાલી રહેલા ઝડપી કામ થકી આગામી હોળી-ધુળેટી પહેલા એટલે કે 15મી માર્ચે પાઇપલાઇન ચાલુ કરી દેવાની ગણતરી રખાઇ હોવાનું જણાવ્યું હતું.
રતનાલના ખેડૂત રૂડા અરજણ ગોપાલ છાંગા, ભચુ વસા માતા, વરચંદ અરજણ હીરા રવા તેજા, ભરતભાઇ અરજણભાઈ વરચંદ માતા સહદેવ શામજી જયારે ચુબડક-રતનાલના ખેડૂત માતા ભગવાનજી કરશન, શામજી જીવા દાના માતા, સામા હીરા ડેકા વરચંદ, રવજી જીવા વસ્તા નારાણ માતા, ધૂલા હીરા છાંગા, વાલા જીવા કરશન તેજા જગાણી, જખરા રવા નથુ છાંગા, મહાદેવા ત્રિકમ છાંગા અને માતા હીરા ગોપાલ ગાંગાને નુકસાની વળતર અપાયું છે. જે ખેડૂતોના 7/12 અને બેંકના આધારો આપવાના બાકી હોય તેઓને રજૂ કરી દેવા ઝાલાએ અનુરોધ કર્યો હતો.


Advertisement